Gandhi Cover Release

મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે મહાત્મા ગાંધી મ્યુઝીયમના સ્પેશ્યલ ડાક કવરનું અનાવરણ કરાયુ

Gandhi Cover Release

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહાત્મા ગાંધી મ્યુઝીયમના સ્પેશ્યલ ડાક કવરનું અનાવરણ કરાયુ

  •  જનજીવનને ઢંઢોળી સામાજિક ઉત્થાનમાં સામેલ કરવામાં ગાંધીજીની ભૂમિકા મહત્વની
  • નવી પેઢીમાં ગાંધી વિચારોનું આરોપણ કરીએ
  • વડાપ્રધાનશ્રીની લોકલ્યાણલક્ષી યોજનાઓમાં ગાંધી વિચારોનો પડઘો સ્પષ્ટ દેખાય છે.
  • ગાંધી જયંતી નિમિત્તે ખાદી ખરીદીમાં ૨૦ ટકા વળતરની મુખ્યમંત્રીશ્રીની જાહેરાત : ખાદીની ખરીદી કરી ‘‘આત્મનિર્ભર ભારત’’ના નિર્માણમાં પ્રદાન આપવા મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક આહવાન

રાજકોટ, તા. ૨, ઓકટોબર : રાષ્ટ્રપિતાશ્રી મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતીય ટપાલ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ મહાત્મા ગાંધી મ્યુઝીયમના સ્પેશ્યલ ડાક કવરનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અનાવરણ કર્યું હતું. જેને રાજકોટના અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ ખાતે મહાનુભાવોએ ઉપસ્થિત રહી નિહાળ્યું હતુ.

 આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ દેશને આઝાદી અપાવવામાં મહાત્મા ગાંધીજીના અમૂલ્ય યોગદાનનું નતમસ્તકે સ્મરણ કરી તેમને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. 

 ગાંધીજીના જીવનના પ્રેરણાત્મક પ્રસંગોને યાદ કરતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સગૌરવ એ બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે, તત્કાલીન સમયમાં જનજીવનને ઢંઢોળી તેમને સામાજિક ઉત્થાનમાં સામેલ કરવામાં ગાંધીજીની ભૂમિકા મહત્વની હતી, જેના થકી જ આપણને મહામૂલી આઝાદી મળી શકી છે.

 આજના યુવાનોમાં અને નવી પેઢીમાં ગાંધી વિચારોનું આરોપણ કરવા રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે, એમ જણાવતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજય સરકાર દ્વારા લોકકલ્યાણ અર્થે અમલી બનાવેલી વિવિધ યોજનાઓની વિગતો પણ રજૂ કરી ગાંધીજીના વિચારો બહુજન સમાજ સુધી પહોંચાડવાની રાજય સરકારની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રસંગે ખાસ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પણ ગાંધી વિચારો પ્રત્યે ખૂબ આસ્થા ધરાવે છે. આથી જ તેમણે અમલી બનાવેલી વિવિધ લોક-કલ્યાણલક્ષી યોજનાઓમાં ગાંધી વિચારોનો સ્પષ્ટ પડઘો પ્રતિબિંબિત થતો જોવા મળે છે. ગાંધીજીના સામાજિક, રાજકીય, આધ્યાત્મિક બાબતો અંગેના વિચારો આજના સાંપ્રત સમાજ માટે પણ એટલા જ ઉપયોગી છે, જેનાથી પ્રભાવિત થઇને વડાપ્રધાનશ્રીએ આ તમામ યોજનાઓ અમલમાં મુકી છે. 

 મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ  આ તકે ગાંધી જયંતી નિમિત્તે રાજયભરમાં ખાદી ખરીદીમાં ૨૦ ટકા વળતરની જાહેરાત કરી હતી, અને ખાદીની ખરીદી કરી ‘‘આત્મનિર્ભર ભારત’’ના નિર્માણમાં પ્રદાન આપવા રાજયભરના નાગરિકોને  પ્રેરક આહવાન પાઠવ્યું હતું.

 કાર્યક્રમના અંતે અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ ખાતે ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ પોષણ અંગેના શપથ ગ્રહણ કર્યા હતા. 

સંકલન: સોનલ/હેતલ દવે/રાધિકા