Sarva Palli Radha Krishanan

‘કોઈ પણ ભોગે સેવા, કોઈ પણ કિંમતે સત્તા નહી’: ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન

૫મી સપ્ટેમ્બર- શિક્ષકદિન

Sarva Palli Radha Krishanan

સુરતઃશુક્રવારઃ- ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન એટલે સાર્વત્રિક શિક્ષકોના એક કર્મયોગી આદર્શ પુરૂષ. આ કર્મયોગીને વાગોળવાનો, સમજવાનો, તેના રસ્તે ચાલવાનો દિવસ એટલે પાંચમી સપ્ટેમ્બર.આપણી સાંસ્કૃતિક વૈભવસંપત્તિને ઓળખીને અને તેને અનુસરીએ તો શિક્ષણની-કેળવણીની મિલકત અનેકગણી વધી જાય. તે માટે આવો ડો.રાધાકૃષ્ણનના જીવન કવનને પામીએ. શિક્ષણને પોતાનો ધર્મ માનનારા ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ ચેન્નઈ(મદ્રાસ) નજીના યાત્રાધામ તિરૂતની ગામમાં તા.૫મી સપ્ટેમ્બર, ૧૮૮૮ ના રોજ થયો હતો. તેમના પૂર્વજો સર્વપલ્લી નામક ગામના હોવાથી ગામની યાદ કાયમ રહે તે માટે તેમણે સર્વપલ્લી નામ ધારણ કર્યું. તેમના પિતા વીરસ્વામી શિક્ષક હતા અને સાથે ગોરપદું પણ કરતા.

પાંચ ભાઈઓમાં બીજા નંબરના ડો.રાધાકૃષ્ણન નાનપણથી શરમાળ, સંકોચશીલ સ્વભાવ સાથે બહુમુખી પ્રતિભાસંપન્ન હતા. વાંચન અને મનનનો ભારે શોખ. ખ્રિસ્તી સ્કુલમાં શાળાકીય શિક્ષણ લીધું. મદ્રાસની ક્રિશ્ચિયન કોલેજમાંથી દર્શનશાસ્ત્ર વિષય સાથે પ્રથમ નંબરે બી.એ. થયા. તત્વજ્ઞાન વિષયમાં એમ.એ.ની ડિગ્રી મેળવી અને પ્રેસિડન્સી કોલેજમાં તર્કશાસ્ત્ર(તત્વજ્ઞાન)ના પ્રાધ્યાપક તરીકે શિક્ષણ કાર્યનો આરંભ કર્યો. એમનો પહેરવેશ લાંબો કોટ અને ધોતિયું અને માથે મદ્રાસી પાઘડી. વિદેશમાં પણ તેઓ ગાંધીજીની જેમ આ ભારતીય પોશાક પહેરતા. રાધાકૃષ્ણનનું અંગ્રેજી અને સંસ્કૃત વિષય પર ગજબનું પ્રભુત્વ હતું. અંગ્રેજીમાં એમનું વક્તવ્ય સાંભળી સૌ એમ જ માનતા કે તેઓ અમેરિકાની કેમ્બ્રિજ કે ઓફસફર્ડમાં ભણ્યા હશે. વર્ગખંડમાં તેમની એવી જાદુઈ અસર થતી કે કોઈ શિષ્ય બેધ્યાન ન બનતો. પોતાના વિનમ્ર અને મિલનસાર સ્વભાવથી તેઓ શિષ્યો તથા સાથી કર્મચારીઓમાં પણ ખૂબ પ્રિય અને આદરપાત્ર બન્યા હતા. તેઓ ખ્યાતિ અને પ્રસિદ્ધિથી દૂર જ રહેતા. ભારતની ઋષિ પરંપરાને નાનપણથી જ આદર આપતા, શિક્ષણને જીવનનું અભિન્ન અંગ માનતા.

મહાત્મા ગાંધીજી અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરના આજીવન અનુયાયી એવા ડો. ડો.રાધાકૃષ્ણન જુદા જુદા પ્રાંતની અને વિદેશની પંદરથી વધુ ભાષામાં વાતચીત કરી શકતા. વર્ગમાં ટટ્ટાર, મજબુત બાંધો, ખડતલ, માથે પાઘડી, ભારતીય પોષાકમાં તેઓ જયારે અનોખી વાકછટાથી અંગ્રેજીમાં વ્યાખ્યાન આપતા તો સૌ મંત્રમુગ્ધ થઈ જતા. ૧૭ વર્ષ સુધી તેમણે યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે વ્યાખ્યાનો આપ્યાં.વર્ષ ૧૯૩૧માં આંધ્ર યુનિ.માં કુલપતિ થયાં. યુનિવર્સિટીએ તેમની સેવાની કદર કરીને એલ.એસ.ડી.ની માનદ્દ ઉપાધિથી તેમને નવાજ્યાં. હવે પ્રોફેસર રાધાકૃષ્ણન ડો. રાધાકૃષ્ણન બન્યા. સને.૧૯૫૦ થી ત્રણ વર્ષ રશિયાના એલચી રહયા. તે અરસામાં જ ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે તેમની વરણી થઈ. ૧૯૫૨ થી ૧૯૬૨ સુધી તેમણે એ પદ શોભાવ્યું. ૧૯૬૨માં દેશના પ્રથમ નાગરિક તરીકેનું બહુમાન તેમને મળ્યું. સૌ પ્રથમ ભારત રત્ન એવોર્ડ મેળવનાર ડો.રાધાકૃષ્ણન્ને દ પાંચ વર્ષ માટે પોતાની આગવી સૂઝ બૂઝ અને બુદ્ધિ-પ્રતિભાથી રાષ્ટ્રપતિપદ શોભાવ્યું. તેમના કર્તવ્યમાં એક આદર્શ શિક્ષકની સમૃદ્ધિ જ પ્રગટતી હતી. રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના માસિક રૂ.૧૦ હજારના પગારમાંથી માત્ર રૂ. ૨૫૦૦ જ પગાર લેતા. આમ, તેમણે જીવનભર શિક્ષકધર્મ અપનાવ્યો હતો. તેઓ પોતાનો પરિચય રાષ્ટ્રપતિ તરીકે નહીં, પરંતુ ‘હું શિક્ષક છું’ એમ જ આપતા.

ભારતના ત્રણેય વડાપ્રધાનો:- જવાહરલાલ નહેરૂ, લાલબહાદુર શાસ્ત્રી અને ઈન્દિરા ગાંધી સાથે તેમણે દેશની અપૂર્વ સેવા કરી. એપ્રિલ,૧૯૭૫માં તેમના દૈહિક જીવનનો અંત આવ્યો. આમ, તેઓ શિક્ષણ ક્ષેત્રની સાથે રાજકીય ક્ષેત્રે પણ સમર્પિત રહ્યા. એક શિક્ષકથી રાષ્ટ્રપતિપદ સુધીની જીવનયાત્રા અદભૂત અને પ્રેરણાદાયી રહી હતી. તેઓ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સેતુને અતૂટ માનતા અને કહેતા કે શિક્ષક અને શિષ્ય વચ્ચે આદાન-પ્રદાનનો, એકબીજાના સ્વીકારની ભાવનાનો અવિરત પ્રવાહ વહેવો જોઈએ. એક વિદ્યાર્થીમાં ઉદારતા, સહાનુભૂતિ, સાહસ, વીરતાની ભાવનાનો વિકાસ કરવામાં શિક્ષક મહત્વની ભૂમિકા ભજવે છે. તે શિષ્યને સદગુણોનું આચરણ કરતાં શીખવે છે. તેથી બાળક વિદ્યાર્થી પણ શિક્ષકના આચાર-વિચારનું અનુસરણ કરતા રહે છે.
શિક્ષકે એવી રીતે શિક્ષણ આપવું જોઈએ કે જ્ઞાન પ્રકાશમાં વિદ્યાર્થી પોતાનું અહમ ઓગાળીને મન તથા બુદ્ધિ અને આત્માને પરમાત્મા સાથે એકાકાર કરી દે. જન્મદિવસ શિક્ષકદિન” તરીકે ઉજવવાનો તેમનો આશય શિક્ષકને સમાજમાં ગૌરવ અને પ્રતિષ્ઠા અપાવવાનો હતો. આવી ઉદાત્ત ભાવના દાખવીને તેમણે સમગ્ર શિક્ષણ જગતને સામાજિક મોભો અને વિરલ પ્રતિષ્ઠા અપાવી અને એક અનોખા ‘પ્રસંગદિન” ની ભેટ આપી. એક શિક્ષક નાનાં નાનાં ગામડાં સુધી પહોંચી બાળકોના જીવન ઘડતર દ્વારા રાષ્ટ્રઘડતરનું કાર્ય કરી રહ્યો છે, તેથી જ શિક્ષકોના ગૌરવને વધારવા શિક્ષકદિન ઉજવાય છે. શાળા-કોલેજમાં ઉત્સવનું વાતાવરણ સર્જાય છે. આ દિવસે ઉત્સાહી વિદ્યાર્થીઓ શિક્ષક બની શિક્ષણ કાર્ય કરાવે છે

વિશ્વભરમાં ‘શિક્ષકદિન’ ચીનમાં પહેલી સપ્ટેમ્બરે, યુ.એસ.એ.માં મે મહિનાના પ્રથમ મંગળવારે, તાઈવાનમાં ૨૮ સપ્ટેમ્બર, કોરિયામાં ૧૫મી મેના રોજ, ઈરાનમાં બીજી મે, મલેશિયામાં ૨૪મી નવેમ્બરે અને રશિયામાં પાંચમી ઓકટોબરે તથા થાઈલેન્ડમાં ૧૬મી જાન્યુઆરીએ ઊજવાય છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને તેઓના ઉજજવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ અને પ્રવૃત્ત આદર્શ શિક્ષકો શિક્ષકદિને રાજ્યના મુખ્યમંત્રીશ્રીના હસ્તે ‘શ્રેષ્ઠ શિક્ષક’ નો પુરસ્કાર પણ ગ્રહણ કરે છે.
આવતીકાલ તા.૫મી સપ્ટેમબરના રોજ શિક્ષક દિન છે, ત્યારે ચાલો આપણે આ ‘રાષ્ટ્રગુરૂ” ને એમના જન્મદિને કોટિ કોટિ વંદન કરીએ તથા ભાવાંજલિ આપીએ. ‘‘જ્ઞાનથી વધારે બીજું કંઈજ પવિત્ર નથી” આ તેમના જીવનમંત્રને ચરિતાર્થ કરવાનો શિક્ષકદિને સંકલ્પ કરીએ