જિયોમાર્ટની ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપતી નકલી વેબસાઇટ માટે રિલાયન્સ રિટેલની ચેતવણી

Jio Mart 2

મુંબઈ, 28 ઓગષ્ટ:રિલાયન્સ રિટેલ લિમિટેડના ઓનલાઇન ગ્રોસરી શોપિંગ પોર્ટલ જિયોમાર્ટ દ્વારા ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપતી નકલી (ફેક) વેબસાઇટ્સ અંગે ચેતવણી જારી કરવામાં આવે છે. સાથે એમ પણ જણાવવામાં આવે છે કે કંપની દ્વારા અત્યારે ફ્રેન્ચાઇઝી મોડલ કે કોઈપણ પ્રકારની ડીલરશિપ આપવામાં આવતી નથી.

કંપની દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, “કેટલાક અનૈતિક લોકો દ્વારા નકલી વેબસાઇટ્સ બનાવી હોવાની માહિતી અમને મળી છે, આવા લોકો અમારા વતી કે અમારી સાથે જોડાયા હોવાનું જણાવીને જિયોમાર્ટની સેવાઓ પૂરી પાડતી ફ્રેન્ચાઈઝી આપવાનો ડોળ કરીને કેટલાક નિર્દોષ લોકોને છેતરી રહ્યા છે.”

રિલાયન્સ રિટેલે જણાવ્યું છે કે તેણે તાજેતરમાં જ જિયોમાર્ટ બ્રાન્ડ હેઠળ ઓનલાઇન ગ્રોસરી સેવા શરૂ કરી છે.

નોટિસમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, “અમે લોકોને જણાવવા માગીએ છીએ કે અત્યારે અમે કોઈપણ પ્રકારના ડીલરશિપ કે ફ્રેન્ચાઈઝી મોડલમાં કાર્યરત નથી અથવા કોઈપણ પ્રકારે ડીલર કે ફ્રેન્ચાઈઝી આપવા માટે કોઈ ફ્રેન્ચાઈઝી કે એજન્ટની નિમણૂક કરી નથી.”

“ઉપરાંત કોઈ વ્યક્તિને ફ્રેન્ચાઈઝી તરીકે નિમણૂક આપવા માટે કોઈ રકમ પણ વસૂલ કરવામાં આવતી નથી,” તેમ પણ જણાવવામાં આવ્યું છે.

રિલાયન્સે મે મહિનામાં સમગ્ર દેશમાં તેનું ઓનલાઇન ગ્રોસરી શોપિંગ પોર્ટલ શરૂ કર્યું હતું. જિયોમાર્ટ શોપિંગ એપ સ્થાનિક કરિયાણા સ્ટોર્સ સાથે ગ્રાહકોને વોટ્સએપ દ્વારા કનેક્ટ કરે છે.

કંપનીએ નોટિસમાં એમ પણ જણાવ્યું છે કે, “જાહેર જનતા, ઉત્પાદકો, વેપારીઓ અને ડીલર્સને આવા અનૈતિક લોકો અને તેમની ઓનલાઇન છેતરપિંડી કરતી ગતિવિધિઓથી ચેતવવામાં આવે છે; અને અમે આવા અપ્રમાણિક લોકો સાથેના વ્યવહાર માટેની કોઈપણ રીતે જવાબદારી લઈશું નહીં.”

આ સાથે એ પણ ચેતવણી આપવામાં આવે છે કે, “શાખ અને પ્રતિષ્ઠા”ના જતન માટે બ્રાન્ડનો દુરુપયોગ કરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

Reporter Banner FINAL 1