Medical Student rahul rathod

નર્સિંગની પરીક્ષામાં નાપાસ રાહુલ દર્દીઓની સેવામાં અવ્વલ

રાજ્ય સરકારે છેલ્લા વર્ષના વિદ્યાર્થી રાહુલ રાઠોડને કોવીડ સેવામાં જોડવા રસ્તો કરી આપતા પિતાના પગલે કરી રહ્યો છે કોરોનાના દર્દીઓની સારવાર

રાજકોટ, ૨૧ સપ્ટેમ્બર: આડોસી પાડોસી અને સગા સંબંધીના એક કોલ પર નાદુરસ્ત દર્દીઓની સારવાર કરવા દોડી જતો પરોપકારી રાહુલ નર્સિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. થિયરીમાં વીક પણ પ્રેક્ટીલમાં માસ્ટર રાહુલ નર્સિંગની પરીક્ષામાં તો નાપાસ થયો હતો, પરંતુ પિતાના પગલે રાહુલની સિવિલના દર્દીઓની સારવાર કરવાની તીવ્ર ઈચ્છા પુરી થઈ જયારે રાજ્ય સરકારે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને પણ  કોવીડના દર્દીઓની સારવારમાં જોડવા સહમતી આપી.   

કહેવાય છે કે મોરના ઈંડાને ચીતરવા ના પડે,  આ ઉક્તિ સાચી પડે છે રાહુલના કીસ્સામાં. રાહુલના પિતા જગદીશભાઈ રાઠોડ પણ રાજકોટ સિવિલમાં નસિંગની કામગીરી સુપેરે બજાવે છે.  પિતાના પગલે રાહુલ પણ દર્દીઓની સારવારને જ કર્મ એ જ ધર્મ ગણી નર્સિંગના અભ્યાસમાં જોડાયો. ઘરની પરિસ્થિતિ અને અન્ય કારણોસર રાહુલ છેલ્લા વર્ષની પરીક્ષા પાસ કરી શક્યો નહી. પણ દર્દીઓની સારવારનો સ્વભાવ અને સંસ્કાર વારસામા મળેલા હોઈ દવાખાને નહિ તો કઈ નહિ, કોઈને મદદની જરૂર પડે કે તુરંત જ ૧૦૮ ની જેમ મદદ કરવા પહોંચી જાય.

સિવિલ ખાતે કોરોનાના દર્દીઓની સારસંભાળ કરવાની જવાબદારીને રાહુલે ઈશ્વરનો સાદ માની રાતદિવસ એક કરી દર્દીઓની સારવારમાં મંડી પડ્યો. કોરોનાના દર્દીઓની સારવાર કરવાનું પેશન રાહુલમાં ભરીભરીને છે. રાહુલ કહે છે કે અન્ય લોકો કોરોનાના દર્દીઓની પાસે જતા ડરે ત્યારે મેં સ્ટુડન્ટ હોવા છતાં પેશન્ટ પાસે જવા અને સારવાર કરવા ઉપરી અધિકારીઓને વિનંતી કરેલી. મને બે દિવસની નાઈટ ડ્યુટી બાદ બ્રેક મળે તો પણ હું રજા લીધા વગર ફરી નાઈટ ડ્યુટી માટે વિનંતી કરું. 

loading…

કોરોનાના દર્દીઓની સારવારમાં ખુદ રાહુલ પણ કોરોના સંક્રમિત થયો. આ અંગે રાહુલ જણાવે છે રક્ષાબંધનના દિવસે હું નિત્યક્રમ મુજબ ડ્યુટી પર ગયો. પી.પી.ઈ કીટ અને ફૂલ પ્રોટેક્શન સાથે કોવીડ વોર્ડમાં દર્દીઓની માહિતી લેવા પેશન્ટ પાસે જતો હતો. તે દિવસે મોડી રાત્રે મને ગળામાં ઇચિંગ થતા અને બીજા દિવસે વિકનેસ આવી જતા મેં ડ્યુટી પુરી કર્યા બાદ ટેસ્ટ કરાવેલો. જે પોઝિટિવ આવતાં નિયમ મુજબ સમરસ હોસ્ટેલ ખાતે દસ દિવસ કોરન્ટાઈન થઈ ખુદની સારવાર લીધી ફરી. ૧૪ દિવસ બાદ કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં મેં ઘરે આરામ કરવાના બદલે કોરોનાના દર્દીઓની સારવારમાં જોડાઈ જવા સુપ્રિટેન્ડન્ટને વિનંતી કરતા હું ફરી મારી મનપસંદ કામગીરી કરી રહ્યો છું.

દર્દીઓને માત્ર દવા અને ઇન્જેક્શન જ નહિ પરંતુ દર્દીઓને જે પણ મદદની જરૂર હોઈ તે કરવા હંમેશા ખુશી થતી હોવાનું રાહુલ જણાવે છે. અભ્યાસ દરમિયાન પરીક્ષામાં નાપાસ થતા મુશ્કેલી અને  હતાશા આવી પણ દર્દીઓની સારવારે રાહુલને બધું જ ભુલાવી તેની જીંદગીમાં પૂન: ઉત્સાહ અને ઉમંગનો ઉજાસ પાથરી દીધો છે.