CM Vijay Rupani 4

દિવંગત કોરોના વોરિયર્સના પરિવારજનો માટે મહત્વપૂર્ણ સહાય જાહેરાતો કરતા શ્રી વિજયભાઇ રૂપાણી

કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરીમાં સીધા સંકળાયેલા રાજ્ય સરકારના ૩પ દિવંગત કર્મયોગીઓના પરિવારજનો સાથે ‘‘મુખ્યમંત્રીશ્રીનો મોકળા મને’’ સંવેદનાસભર સંવાદ

Vijay Rupani CM
  • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માં મેડીકલ-ઇજનેરી શાખામાં પ્રવેશ લેનારા દિવંગત કોરોના વોરિયર્સના સંતાનોને પર્સન્ટાઇલ-આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય સહાય અપાશે
  • પોતાનું આવાસ ન હોય તેવા સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના પરિવારને સરકારી યોજનાના આવાસ ફાળવણીમાં અગ્રતા અપાશે
  • મા અમૃત્તમ-મા વાત્સલ્યમ યોજના અન્વયે રૂ. ૩ લાખ સુધીનો આરોગ્ય સારવાર લાભ અપાશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સફળ શાસનના પાંચમા વર્ષ પ્રવેશ દિને દિવંગત કોરોના વોરિયર્સ પ્રત્યે આગવી સંવેદના દર્શાવતાં ૩૫ જેટલા સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના પરિજનો સાથે મોકળા મને સંવાદનો ઉપક્રમ મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમણ નિયંત્રણની કામગીરીમાં સંકળાયેલા અને રાજ્ય સરકારના વિવિધ સંવર્ગના કર્મયોગીઓ જેમણે પોતાની આવી ફરજ દરમ્યાન કોરોના સંક્રમણથી જાન ગુમાવ્યા છે તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવા સાથે રાજ્ય સરકાર દ્વારા કેટલીક વધુ સહાયની મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી હતી.

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સી.એમ-પીઆરઓ
શ્
રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, કોરોનાની આ વિશ્વવ્યાપી મહામારીએ આપણી આખી જીવન વ્યવસ્થા બદલી નાંખી છે અને આ મહામારીનો ભોગ વિશ્વના બહુધા દેશો બન્યા છે.
ગુજરાતમાં પણ કોરોના સંક્રમણ થયું અને તેના નિયંત્રણ-સંક્રમિતોની સારવારની ફરજમાં રોકાયેલા કોરોના વોરિયર્સ એવા સરકારી કર્મીઓમાંથી કેટલાક સંક્રમિત થયા અને જાન ગુમાવ્યા તેમના પ્રત્યે મુખ્યમંત્રીશ્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આવા દિવંગત સરકારી કર્મયોગીઓને રાજ્ય સરકારે રૂ. રપ લાખની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી આપી છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
શ્રી વિજયભાઇ રૂપાણીએ આવા દિવંગત કર્મચારીઓએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને પોતાના જીવનની પરવા નથી કરી તેની કૃતજ્ઞતા વ્યકત કરી હતી.
તેમણે રાજ્ય સેવાના આવા સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના પરિવારો માટે વધુ સહાય જાહેર કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ સહાયની જાહેરાતો કરતાં કહ્યું કે, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અન્વયે મેડીકલ-ઇજનેરી શાખામાં સરકારી કોલેજોમાં પ્રવેશ ન મળતાં સેલ્ફ ફાયનાન્સ ઇન્સ્ટીટયુટમાં પ્રવેશ મેળવતા યુવાઓને હાલ પર્સન્ટાઇલ અને વાર્ષિક આવક ધ્યાનમાં લઇને સહાયતા આપવામાં આવે છે.
પરંતુ, આવા દિવંગત કોરોના વોરિયર્સના સંતાનોને પર્સન્ટાઇલ કે આવકની મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય રાજ્ય સરકાર સહાય આપશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ જાહેર કર્યુ કે જે દિવંગત કર્મયોગી-કોરોના વોરિયર્સને પોતાનું આવાસ નહિ હોય તેમના પરિવારને રાજ્ય સરકારની વિવિધ આવાસ યોજનામાં આવાસ ફાળવણીમાં અગ્રતા અપાશે-એટલે કે ડ્રો વિના પણ તેમને મકાન ફાળવાશે.
મુખ્યમંત્રીશ્રીએ મા અમૃત્તમ અને મા વાત્સલ્યમ યોજના અંતર્ગત રૂ. ૩ લાખ સુધીનો આરોગ્ય સેવા ખર્ચ લાભ કોરોના સંક્રમણ નિયંત્રણ ફરજ દરમ્યાન સંક્રમિત થઇ મૃત્યુ પામેલા સરકારી કર્મયોગીઓના સીધા વારસદારો-પરિવારજનોને અપાશે તેમ પણ જાહેર કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સ્વજનની ખોટ કદી પૂરી શકાય નહિ પરંતુ આપદાની આવી વેળાએ રાજ્ય સરકાર સંવેદનાથી દાયિત્વ નિભાવી આવા પરિવારોની પડખે ઊભી રહી છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારની સેવાના દિવંગત કોરોના વોરિયર્સના પરિવારજનોને સદ્દગતના માનમાં પ્રશસ્તિપત્ર, શોલ અને સ્મૃતિ ચિન્હથી સન્માનિત પણ કર્યા હતા. મુખ્યમંત્રીશ્રી નિવાસસ્થાને યોજાયેલો આ મોકળા મને સંવાદ કાર્યક્રમ આજે સંવેદનાસભર પારિવારીક કાર્યક્રમ બની રહ્યો હતો.