Anaj ki dukan 1

વિનામૂલ્યે અન્ન વિતરણ, દેશમાં 80 કરોડથી વધુ જરૂરિયાતમંદ લોકોને મળી રહ્યો છે લાભ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અન્ન યોજનામાં સતત ચોથા મહિને થઇ રહ્યું છે વિનામૂલ્યે અન્ન વિતરણ, દેશમાં 80 કરોડથી વધુ જરૂરિયાતમંદ લોકોને મળી રહ્યો છે લાભ

કેન્દ્ર સરકારની અન્ન યોજનાના નવેમ્બર મહિના સુધીના વિસ્તરણ અને એક રાષ્ટ્ર એક રાશનકાર્ડ યોજનાના અમલીકરણના નિર્ણયની થઇ રહી છે સરાહના

રાજ્યમાં 68.73 લાખથી વધુ રાશનકાર્ડ ધારકોને રાજયભરમાં આવેલ 17 હજારથી વધુ સસ્તા અનાજની દુકાન પરથી મળી રહ્યો છે કેન્દ્રની અન્ન યોજનાનો લાભ

By PIB Ahmedabad

        વર્તમાન કોરોના સંકટના સમયમાં સરકારના અનેક નિર્ણયો અને અસરકારક ત્વરીત પગલાં ઘણા પ્રસંશનીય રહ્યાં છે. જેમાં દેશના નાના મધ્યમવર્ગીય અને ગરીબવર્ગના લોકોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ત્વરિત ધોરણે શરૂ કરેલ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના સૌથી વધુ સફળ અને સરાહનીય રહી છે. આ યોજના હેઠળ દેશના ગરીબ પરિવારો માટે ઘણી કલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવ્યું છે. જેમાંની જ એક છે અન્ન યોજના. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ ચોજના અંતર્ગત આવેલ અન્ન યોજનામાં દેશના 80 કરોડથી વધુ જરૂરિયાતમંદ લોકોને એપ્રિલ 2020 મહિનાથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. દેશમાં લોકડાઉનના સમયમાં મફત અનાજ મળવાથી ગરીબ પરિવારોનું ભરણપોષણ સુપેરે થઇ શક્યું છે. જેને જોતાં પહેલા ત્રણ મહિના માટે એટલે કે એપ્રિલ, મે અને જૂન મહિના સુધી વિનામૂલ્યે અન્ન વિતરણ કર્યા બાદ ફરી એક વાર ગરીબોનો હિતલક્ષી નિર્ણય લેતા કેન્દ્ર સરકારે વધુ પાંચ મહિના માટે એટલે કે નવેમ્બર 2020 મહિના સુધી અન્ન યોજનાનું વિસ્તરણ કર્યું છે. જે અંતર્ગત જુલાઇ મહિનામાં દેશભરમાં વિનામૂલ્યે અન્ન વિતરણની કામગીરીનો પ્રારંભ પણ થઇ ચૂક્યો છે. દેશના NFSA તથા NON-NFSA બીપીએલ કાર્ડધારકોને સતત ચોથા મહિને કેન્દ્ર સરકાર દ્વારા વિનામૂલ્યે અન્ન વિતરણનો લાભ આપવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વ્યક્તિ દીઠ 3.50 કિલોગ્રામ ઘઉં તથા 1.5 કિલોગ્રામ ચોખાનું વિનામૂલ્યે વિતરણ 23 જુલાઇથી શરૂ કરી દેવામાં આવ્યું છે.

11Q84L
શ્રી અતુલભાઇ ગોહિલ

રાજ્યમાં 68.73 લાખથી વધુ NFSA રાશનકાર્ડ ધારકો અને કુલ 3.40 કરોડથી વધુ લોકોને રાજયભરમાં આવેલ 17 હજારથી વધુ સસ્તા અનાજની દુકાન પરથી અન્ન યોજનાનો લાભ મળી રહ્યો છે. વધુમાં કેન્દ્ર સરકારે એક રાષ્ટ્ર એક રાશનકાર્ડ યોજનાનું પણ અમલીકરણ શરૂ કરી દીધું છે. જેમાં દેશના 19 રાજ્ચો અને કેન્દ્રસાશિત પ્રદેશ દીવ-દમણ અને દાદરાનગર હવેલી જોડાઇ ગયેલ છે. જેથી આ રાજ્યોમાં કોઇપણ જિલ્લાના રહેવાસી કોઇપણ ગામ કે શહેરની વ્યાજબી ભાવની દુકાન પરથી અનાજ મેળવી શકે છે. આમ થવાથી અન્ય કોઇ ગામ કે શહેરમાં રોજગાર માટે ગયેલા પ્રવાસી ગરીબોને પણ તેમનો લાભ સરળતાથી જે-તે સ્થળેથી મળી રહે છે. જે માટે આવા લાભાર્થીઓ સરકારના વધુ પાંચ મહિના અન્ન વિતરણ કરવાના નિર્ણય અને એક રાષ્ટ્ર એક રાશનકાર્ડ યોજનાનું પણ અમલીકરણ શરૂ કરવાના નિર્ણયની સરાહના કરતા સરકારનો આભાર વ્યક્ત કરે છે. ભાવનગરના અધેવાડા ગામના રહેવાસી અતુલભાઇ ગોહિલે અમારા પીઆઇબીના પ્રતિનિધિને જણાવ્યું હતું કે, મને લોકડાઉનના સમયગાળામાં અને ત્યારબાદ એમ કુલ ત્રણ વખત ભારત સરકાર તરફથી વિનામૂલ્યે અનાજ મળ્યું છે. અને હવે જુલાઇ માસમાં પણ ચોથી વખત અનાજનો લાભ મળ્યો છે. આ લાભ નવેમ્બર મહિના સુધી મળવાનો છે જે જાણીને ખૂબ આનંદ થયો છે અને જે બદલ હું ભારત સરકારનો ખૂબ-ખૂબ આભાર માનું છું.

33ESCA
શ્રીમતી નીરૂબહેન

       ભાવનગર જિલ્લાના અધેવાડા ગામના નિરુબહેને અમારા પ્રતિનિધિને જણાવ્યું કે, મારા જેવા ઘણા પરિવારો છે જેને અત્યારે કોરોનાને કારણે ઘણી આર્થિક મુશ્કેલી છે. અને તેમાં સરકાર તરફથી મળતું મફત અનાજ અમારા માટે ખૂબ મોટી સહાય છે. હજુ પાંચ મહિના સુધી ભારત સરકાર આ રીતે મફત અનાજ આપી સહાય કરવાની છે તે માટે અમે સરકારના આભારી છીએ.

22ZBQ9
શ્રી રમેશભાઇ

       ભાવનગરના અધેવાડાના રમેશભાઇએ અમારા પ્રતિનિધિને જણાવ્ચું કે, પહેલા ત્રણ મહિના વિનામૂલ્ચે અનાજ મળવાથી હું મારા પરિવારનું ભરણપોષણ કરી શક્યો છું. અને હજુ વધુ પાંચ મહિના પણ આ જ રીતે સરકાર અમારા જેવા નાના માણસોને મદદ કરવાની છે તે જાણી ખુબ ખૂશી થઇ. વળી સરકારે કોઇપણ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાંથી અમે અમારો લાભ લઇ શકીએ તેવી પણ વ્યવસ્થા કરી દીધી છે. જે ખૂબ સારું થયું છે. જેના માટે ભારત સરકારનો આભાર માનું તેટલો ઓછો છે.

44LK4J

      ગરીબો માટે સાચા અર્થમાં કલ્યાણકારી એવી આ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની અન્ન યોજનામાં આવનાર પાંચ મહિનામાં કુલ રૂપિયા 90 હજાર કરોડથી વધુના ખર્ચ સાથે દેશના 80 કરોડથી વધુ NFSA રાશનકાર્ડ ધરાવતાં ગરીબોને વિનામૂલ્યે અનાજ વિતરીત કરવામાં આવશે. આ સાથે આ અન્ન યોજનાનો કુલ ખર્ચ દોઢ લાખ કરોડથી વધુનો થશે. જે દર્શાવે છે કે, દેશના નાના મધ્ચમવર્ગીય અને ગરીબવર્ગના લોકો પર આવેલી મુશ્કેલીના સમયમાં ભારત સરકાર તેમની સાથે છે અને હરહંમેશ મદદ કરવા તૈયાર છે.

********