Farming: સક્કર ટેટી અને તરબુચની ખેતી કેવી રીતે અપાવશે પાંચ ગણી આવક જાણો વિગત…..

પાંચ હેક્ટરમાં કરેલ સક્કર ટેટી અને તરબુચની ખેતી (Farming) ગાંજણવાવના મહેન્દ્રભાઈને અપાવશે પાંચ ગણી આવક

અહેવાલ:નિતિન રથવી

ધ્રાંગધ્રા, ૦૬ એપ્રિલ: Farming: ધ્રાંગધ્રા એટલે કે પથ્થરોની ધરા તરીકે ઓળખાતા ધ્રાંગધ્રા પંથકના ધરતીપુત્રો આજે તેમની મહેનત અને કૃષિ તજજ્ઞોના માર્ગદર્શનના સાથે આધુનિક કૃષિને અપનાવીને આર્થિક રીતે સમૃધ્ધ બની રહયાં છે. આજે વાત કરવી છે ધ્રાંગધ્રા તાલુકાના ગાંજણવાવ ગામના એવા જ એક ધરતી પુત્રની કે જેણે ૧૯૯૨ ના વર્ષથી સરકારની યોજનાઓના લાભ લઈ કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શનની સાથો-સાથ વારસામાં મળેલા કૃષિ જ્ઞાન દ્વારા તેમની કૃષિને સમૃધ્ધ બનાવી છે.

ગાંજણવાવ ગામના કૃષિ ઋષિ એવા મહેન્દ્રભાઈ પટેલે તેમની પરંપરાગત ખેતી (Farming)છોડીને તેની જગ્યાએ પાંચ એકરના ખેતરમાં આ વર્ષે રવિ પાક તરીકે સક્કર ટેટી અને તરબુચની સફળ ખેતી કરી છે. મહેન્દ્રભાઈના જણાવ્યા અનુસાર કપાસ, એરંડા, ઘઉં અને જીરા જેવા પાકો તેમની પરંપરાગત ખેતીના ભાગ હતા, પણ વર્ષ દરમિયાન અથાગ મહેનત કર્યા બાદ પણ તેમાંથી સંતોષકારક વળતર મળતુ ન હતુ.

ADVT Dental Titanium

સમાચાર પત્રો અને સામાયિકોના વાંચનનો શોખ ધરાવતાં મહેન્દ્રભાઇએ તેમાં આવતી સફળ ખેડૂતોની સાફલ્ય ગાથાઓથી પ્રેરિત થઈને પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી (Farming)તરફ વળવાનો સાહસિક વિચાર કર્યો. તેમના વિચારને કૃષિ તજજ્ઞો અને બાગાયત અધિકારીના માર્ગદર્શને નવુ બળ પુરૂ પાડયું, અને મહેન્દ્રભાઈએ તેમની પાંચ એકર જમીનમાં આધુનિક પદ્ધતિથી સક્કર ટેટી અને તરબુચની ખેતી કરી.

મહેન્દ્રભાઈએ આધુનિક કૃષિ પધ્ધતિ જેવી કે રેઈઝ બેડ, મલ્ચિંગ, ગ્રો કવરને અપનાવવાની સાથે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો, આ માટે તેમને મલ્ચિંગ, ગ્રો કવર માટે રાજ્ય સરકારના બાગાયત વિભાગ તરફથી સબસીડીનો લાભ પણ મળ્યો. જેનુ ખૂબ સારૂં પરિણામ એમને મળ્યું. પહેલા રવિ સીઝન દરમિયાન તેમને પાંચ એકરમાં જીરાના વાવેતરમાંથી આશરે બે થી અઢી લાખની આવક થતી હતી. તેની સામે આ વર્ષે સક્કર ટેટી અને તરબુચના વાવેતરમાંથી તેમને અંદાજે ૧૨ થી ૧૫ લાખ જેટલી આવક મળશે, તેમ મહેન્દ્રભાઈએ જણાવ્યું હતુ.

સક્કર ટેટી અને તરબૂચ જેવી બાગાયતી ખેતી (Farming)ના ફાયદા વિષે વાત કરતા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે, અન્ય પરંપરાગત ખેતીમાં સમય વધારે લાગે છે, જયારે તેના ભાવ પણ બજારમાં ઓછા મળે છે. સક્કર ટેટી અને તરબુચની ખેતી વધીને ૭૦ દિવસના સમયગાળામાં પૂર્ણ થઇ જાય છે અને અન્યની પાકની સરખામણીએ ભાવ અને ઉત્પાદન પણ વધારે મળે છે, તેમજ અન્ય પાકોની સરખામણીએ સક્કર ટેટી અને તરબૂચનું ઓછા પાણીમાં અને ઓછી ઉપજવાળી જમીનમાં પણ સારૂં ઉત્પાદન મળતું હોય છે.

મહેન્દ્રભાઈએ આધુનિક પદ્ધતિના ઉપયોગથી ઉચ્ચ ગુણવત્તા વાળી સક્કર ટેટી અને તરબૂચનું વાવેતર કર્યું છે. જેના કારણે સામાન્ય ટેટીનું વજન ૭૦૦ થી ૮૦૦ ગ્રામ હોય છે, જયારે મહેન્દ્રભાઈના ખેતરની ટેટીનું વજન દોઢ કિલો સુધીનું જોવા મળ્યુ છે.

Whatsapp Join Banner Guj

સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયત અધિકારી સચિન શેઠએ જણાવ્યું હતું કે, જિલ્લાના ખેડૂતો હવે ધીરે ધીરે બાગાયત ખેતી તરફ વળ્યા છે ત્યારે સરકાર દ્વારા પણ આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા તેમજ તેમને આર્થિક રીતે મદદરૂપ થવા અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામા આવી છે. જે અન્વયે સક્કર ટેટી અને તરબુચની ખેતી કરતા ખેડૂતો માટે પણ સરકાર દ્વારા ગ્રો કવર માટે હેક્ટર દીઠ ૨૧,૦૦૦ અને મલ્ચિંગ માટે હેક્ટર દીઠ ૧૬,૦૦૦ રૂપિયાની સબસીડી આપવામાં આવે છે. જેનો લાભ લઇ મહેન્દ્રભાઇએ તરબુચ અને સક્કર ટેટીની સફળ ખેતી કરી છે.

અભ્યાસમાં થોડા પાછળ રહી ગયેલા મહેન્દ્રભાઈ ખેતી (Farming)ના વિષયમાં જરા પણ પાછળ નથી. ફક્ત સક્કર ટેટી અને તરબૂચ જ નહિ, તેઓ હરહંમેશ ખેતીમાં નવતર પ્રયોગો કરતા રહ્યા છે. આધુનિક ખેતી તરફ જવાની તેમની પહેલ ૧૯૯૨ ના વર્ષથી ચાલું છે. ૧૯૯૨ માં તેમણે સૌપ્રથમ જિલ્લા બાગાયત વિભાગની મદદથી ગોલા બોરનું વાવેતર કરી તેમાં ડ્રિપ પદ્ધતિ અપનાવી હતી અને ત્યારથી લઇને આજ સુધી તેઓ જામફળ, દાડમ, કેરી, લીંબુ, ખારેક જેવા અનેક નવતર બાગાયતી પાકોના વાવેતર દ્વારા અન્ય ધરતીપુત્રોને આધુનિક ખેતી અપનાવવા રાહ ચીંધી રહયાં છે.

આ પણ વાંચો…Breaking News: ગુજરાત હાઇકોર્ટનો રાજ્યને કડક નિર્દેશ, કહ્યું- રાજ્યમાં લોકડાઉનની જરુર, મુખ્યમંત્રીના નિવાસ સ્થાને હાઇ પાવર કમિટીની બેઠક યોજાઇ