CM Rupani 1709 edited scaled

કોરોનાના સંક્રમણ કાળમાં પણ સરકારે ગુજરાતના વિકાસને અટકવા નથી દિધો

CM Rupani 1709 1 edited
  • કોરોનાના સંક્રમણ કાળમાં પણ સરકારે ગુજરાતના વિકાસને અટકવા નથી દિધો
  • સુરેન્દ્રનગર શહેરમાં રૂપિયા ૯ કરોડના ખર્ચે ભોગાવો નદી કાંઠે બનાવવામાં આવેલ રીટેનીંગ વોલ ફોર ટ્રેક રસ્તાનું ઈ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી
  • શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજિત રૂપિયા ૧૨.૬૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર સી. સી. રોડ તેમજ રોડ નવિનીકરણના કાર્યનું ઈ-ખાતમુર્હત કરાયું
  • આર.એ.વાય. યોજના અંતર્ગત ૪૮૦ આવાસોના લાભાર્થીઓને કોમ્પ્યુટર ડ્રો દ્વારા આવાસની ફાળવણી
  •  કોરોનાની મહામારી વચ્ચે પણ સતર્કતા-સાવધાનીપૂર્વક રોજીંદી જીવન પ્રવૃત્તિઓ – વિકાસ કામો – લોકહિત કાર્યોની ગતિ ગુજરાતે જાળવી રાખી છે
  •  કોરોનાથી ડરવુ પણ નથી, ઝુકવું પણ નથી અને હારવું પણ નથી, જાન હૈ તો જહાન હૈ ના સૂત્રને સાકાર કરવાની સાથે જરૂરી તકેદારી રાખી આપણે મક્કમતાથી આગળ વધીશુ
  •  સરકારે આંખના પલકારામાં જ લોકહિત માટેના અનેક નિર્ણયો કર્યા છે.

 રિપોર્ટ: ઉદય વૈષ્ણવ, સીએમ-પી. આર.ઓ

ગાંધીનગર,૨૭ સપ્ટેમ્બર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે કોરોના મહામારી સામે સમગ્ર વિશ્વ સંઘર્ષ કરી રહયું છે, તેવા સમયમાં ગુજરાતના લોકોના આરોગ્યની ચિંતા કરી આ સરકારે કોરોનાના સંક્રમણને અટકાવવાની સાથે ગુજરાતના વિકાસને અટકવા નથી દિધો, મક્કમતાથી આગળ ધપાવ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે પણ સતર્કતા – સાવધાની સાથે રોજીંદી જીવન પ્રવૃત્તિઓ, વિકાસ કામો અને લોકહિતના કાર્યોની ગતિ ગુજરાતે જાળવી રાખી છે.

મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઈ રૂપાણીએ આજે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સુરેન્દ્રનગર – દૂધરેજ – વઢવાણ નગરપાલિકા દ્વારા રૂપિયા ૯ કરોડના ખર્ચે ભોગાવો નદી કાંઠે નિર્માણ કરવામાં આવેલ રીટેનીંગ વોલ ફોર ટ્રેક રસ્તાનું ઈ-લોકાર્પણ તેમજ અંદાજિત રૂપિયા ૧૨.૬૫ કરોડના ખર્ચે સુરેન્દ્રનગર શહેરમાં નિર્માણ પામનાર સી. સી. રોડ તેમજ રોડ નવિનીકરણના કાર્યનું ઈ-ખાતમુર્હૂત કર્યું હતુ. આ તકે તેમણે આર. એ. વાય. યોજના અંતર્ગત નિર્માણ પામેલ ૪૮૦ આવાસોના લાભાર્થીઓને કોમ્પ્યુટર ડ્રો દ્વારા આવાસની ફાળવણી પણ કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતુ કે, લોકહિતને વરેલી આ સરકારે આંખના પલકારામાં જ લોક હિત માટેના અનેક નિર્ણયો કરીને તેની લોક સુખાકારી માટેની ઝડપી નિર્ણય શક્તિના દર્શન કરાવ્યા છે. આ સંદર્ભમાં તેમણે વિધાનસભાના પાંચ દિવસમાં જ પાસ કરવામાં આવેલ વિવિધ લોક હિત નિર્ણયો ના ૨૦ જેટલા બિલનો ઉલ્લેખ કર્યો હતો. 

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, હરેક માનવીને ઘરના ઘરનું સપનું હોય છે. ગરીબ-વંચિત માનવીનું એ સપનું સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ અને મુખ્યમંત્રી આવાસ યોજના આશીર્વાદ રૂપ બની છે. રાજ્યના ગરીબ, વંચિત, શોષિત અને ઘરવિહોણા લોકોને પાકું સુવિધાયુકત આવાસ છત્ર મળે તે માટે રાજ્ય સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં અનેક  આવાસોનું નિર્માણ કર્યું છે. આ માટે આવા આવાસો ગરીબ, અંત્યોદય પરિવારોને આપીને તેમનું જીવન ધોરણ ઊંચું આવે તેમને પણ વ્યવસ્થાઓનો લાભ મળે તેવી માળખાકીય સુવિધાઓને સરકારે પ્રાથમિકતા આપી છે એમ તેમણે દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું.  આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આવાસ યોજનાઓમાં માત્ર માથે છત જ નહિ, લાઇટ,  શૌચાલય,  પાણી અને પાકા રસ્તાઓ સાથેના સુવિધાસભર આવાસો આ સરકારે પૂરાં પાડયા છે.

loading…

મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર વિશ્વમાં કોટનના ઉત્પાદનનું કેન્દ્ર બનેલા સુરેન્દ્રનગર જિલ્લામાં હાથ ધરાઈ રહેલા આંતર માળખાકિય વિકાસના કાર્યો આવનારા દિવસોમાં આ જિલ્લાને વિકાસની નવી ઉંચાઈએ લઈ જશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમણના આ વૈશ્વિક કપરા કાળમાં પણ રાજ્યની વિકાસયાત્રા આગળ ધપતી રહે સાથોસાથ સંક્રમણ પણ વધે નહિં તેવી સતર્કતા સાથે પ્રધાનમંત્રીશ્રીના જાન હૈ, જહાન ભી હૈ ના સુત્રને સાકાર કરવાની દિશામાં ગુજરાત આગળ વધ્યું છે તેની પણ વિગતો આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કોરોના મહામારીમાં પણ પ્રજાહિત-લોકહિતના કામો અટકવા દીધા નથી. તેમણે સૌ નાગરિકોને માસ્કનો ઉપયોગ, સોશિયલ ડિસ્ટન્સ, વારંવાર હાથ ધોવા, ભીડભાડ ન કરવી જેવી સારી આદતો કેળવી કોરોનાનો વ્યાપ અટકાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોરોના સંક્રમિતોનો રિકવરી રેટ ૮૫ ટકા થી વધુ છે અને મૃત્યુદર પણ નીચો છે. આરોગ્યરક્ષાના સઘન પગલાં અને લોકોની જનજાગૃતિને કારણે ગુજરાત આ દર જાળવી શકયું છે. મુખ્યમંત્રીશ્રીએ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ વધુ ન વકરે તે માટે નાગરિકો-પ્રજાજનોને સતર્કતા રાખવાની પણ અપીલ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આવાસ લાભાર્થીઓને ઉજ્જવળ ભાવિની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના પ્રારંભમાં સાંસદશ્રી ડો. મહેન્દ્રભાઈ મૂંજપરા, ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી વિપીન ટોળિયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે યોજાયેલ આ ઈ-લોકાર્પણ કાર્યક્રમને સુરેન્દ્રનગર સ્થિત રંભાબેન ટાઉનહોલ ખાતેથી જિલ્લા કલેકટરશ્રી કે. રાજેશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. કે. હુડ્ડા, પ્રાંત અધિકારીશ્રી અનિલ ગોસ્વામી, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલ, અગ્રણીઓ સર્વશ્રી વર્ષાબેન દોશી, જગદિશ મકવાણા, ડો. અનિરૂધ્ધ પઢિયાર, વિરેન્દ્ર આચાર્ય સહિતના મહાનુભાવોએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નિહાળ્યો હતો.