Home Gaurd Civil defence foundation day

૬ઠ્ઠી ડીસેમ્બર ૨૦૨૦- હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિનની ઉજવણી

Home Gaurd Civil Defence foundation day

હોમગાર્ડ વિભાગ અને ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન તથા ગુજરાત લાઇવલીહુડ મિશન વચ્ચે એમ.ઓ.યુ. થયા: રાજ્યના હોમગાર્ડઝ, ગ્રામ રક્ષક દળ, સાગર રક્ષક દળ અને સિવિલ ડિફેન્સના ૯૩ હજાર જવાનો તથા તેઓના પરિવારજનોને રોજગારલક્ષી તાલીમ મળશે

ગૃહ રાજ્યમંત્રીશ્રીએ લખતર, કાલોલ, સુરેન્દ્રનગર અને ગોઝારીયા ખાતે નવનર્મિત હોમગાર્ડઝ કચેરીનું મુખ્ય કચેરીએથી ઈ-લોકાર્પણ કર્યું, કોરોના સંક્રમણથી જીવ ગુમાવનાર ૧૨ હોમગાર્ડઝ જવાનોના પરિવારજનોને વંદનપત્ર અર્પણ કર્યા

• રાજ્યની સિક્યોરિટી અને ડિટેક્ટીવ એજન્સીઓના કર્મિઓ હોમગાર્ડ તાલીમકેન્દ્ર ખાતેથી તાલીમ મેળવી શકશે: ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા
• રાજ્યના પોલીસ તંત્રની સપોર્ટ સિસ્ટમ એટલે હોમગાર્ડના જવાનો
• કોરોનાકાળમાં જાનની પરવા કર્યા વગર સમાજસેવા કરવા હોમગાર્ડના જવાનો આગળ આવ્યા


અમદાવાદ, ૦૬ ડિસેમ્બર: ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ વિભાગની સંપૂર્ણ વ્યવસ્થાનું નિર્માણ સમાજમાં સ્વયંસેવી અને શિસ્તબદ્ધ યુવાવર્ગ ઊભો કરવા માટે થયું છે. દેશના સૌથી જુના હોમગાર્ડઝ દળ એવા ગુજરાત હોમગાર્ડઝનું યોગદાન હંમેશાં અમૂલ્ય અને અભૂતપૂર્વ રહ્યું છે.

whatsapp banner 1

અમદાવાદ હોમગાર્ડઝ ભવન ખાતે હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે ગૃહરાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે, લોકડાઉનમાં જ્યારે લોકો ઘરની બહાર નીકળતા ફફડતા હતા ત્યારે હોમગાર્ડના જવાનો સમાજની રક્ષા અને સેવા માટે બહાર નીકળ્યા હતા. લાંબા લોકડાઉનના કારણે કોઈ પરિવારને ભોજનની તકલીફ હોય તો હોમગાર્ડનો જવાનો તેઓના ઘરે જઈ ભોજન આપતા. અનાજની સમસ્યા થતી ત્યારે અનાજની દુકાનો પર અનાજ વિતરણની પ્રક્રિયામાં રાતદિવસ હોમગાર્ડના જવાનો ખડેપગે રહ્યા. હોસ્પિટલમાં કોઈ પણ ભય વગર તેઓએ ફરજ અદા કરી છે.

તેમેણે વધુમાં કહ્યું કે, હોમગાર્ડઝના સહકારથી રાજ્યમાં કાયદા વ્યવસ્થાપન ઉત્કૃષ્ટ બન્યું છે. પોલીસ તંત્રની સપોર્ટ સિસ્ટમ એટલે હોમગાર્ડના જવાનો. આજે રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં માળખાકીય સુવિધાની સાથે ગુજરાતનું શાંતિ સલામતી અને સુરક્ષા ભર્યું વાતાવરણ પણ જવાબદાર છે. તેમણે જણાવ્યું કે, રાજ્યના હોમગાર્ડઝ અને સિવિલ ડીફેન્સ જવાનોને અત્યાધુનિક તાલીમ અને પ્રશિક્ષણ થકી દરેક પડકારો માટે સુસજ્જ બનાવાઈ રહ્યા છે. રાજયની સિક્યુરિટી અને ડિટેક્ટીવ એજન્સીના કર્મચારીઓ પણ હવેથી હોમગાર્ડઝ તાલીમ કેન્દ્રો ખાતેથી તાલી મેળવી શકશે.
ગૃહમંત્રીશ્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સમગ્ર રાજ્યની કોરોના સામેની લડાઈનું સંચાલન અને નિયમન કરી રહ્યા છે. તેઓની આગેવાનીમાં આપણે મહામારીને રોકવામાં સફળ થયા. મૃત્યુદર અને પોઝિટિવિટી દર ઘટાડવામાં સફળ થયા છીએ. છતાં માસ્ક, સોશિયલ ડીસ્ટન્સ અને સ્વચ્છતાના મૂળભૂત નિયમોનું પાલન કરવું જરૂરી છે.

Home Gaurd foundation day

ગૃહ રાજ્યમંત્રીશ્રીએ લખતર, કાલોલ, સુરેન્દ્રનગર અને ગોઝારીયા ખાતે નવનર્મિત હોમગાર્ડઝ કચેરીઓનું ઈ-લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં હોમગાર્ડ વિભાગ અને ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન તથા ગુજરાત લાઇવલીહુડ મિશન વચ્ચે એમ.ઓ.યુ. થયા હતા. જે અંતર્ગત રાજ્યના હોમગાર્ડઝ, ગ્રામરક્ષક દળ, સાગરરક્ષક દળ અને સિવિલ ડિફેન્સના ૯૩ હજાર જવાનો તથા તેઓના પરિવારજનોને રોજગારલક્ષી તાલીમ મળશે. ગૃહ રાજ્યમંત્રીશ્રીએ હોમગાર્ડ દળની પરેડ નીહાળી હતી સાથે જ સિવિલ ડિફેન્સ જવાનોની આપદા-વ્યવસ્થાપન વખતના બચાવ કાર્યોની મોક-ડ્રીલ નિહાળી હતી. કોરોનાકાળમાં રાજ્યભરમાં ૨૫૦ જેટલા હોમગાર્ડઝ કોરોનાથી સંક્રમિત થયા છે ત્યારે ગૃહમંત્રીશ્રીએ તેઓને બિરદાવ્યા હતા તથા કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવનાર ૧૨ જવાનોના પરિવારજનોને વંદનપત્ર અર્પણ કર્યા હતા. ઉપરાંત પ્રશંશનીય કામગીરી બદલ હોમગાર્ડઝ જવાનોને ચંદ્રક અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે ડાયરેક્ટર જનરલ હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ ડૉ. નીરજા ગોટરૂએ હોમ ગાર્ડઝની સ્થાપના, ઇતિહાસ અને વર્તમાન સમયમાં થઇ રહેલી ઉત્કૃષ્ટ કામગીરીનો ચિતાર આપ્યો હતો. તેઓએ હોમગાર્ડ વિભાગ અને ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન તથા ગુજરાત લાઇવલીહુડ મિશન વચ્ચેના એમ.ઓ.યુ. સંદર્ભે કહ્યું કે, હવે હોમગાર્ડઝના જવાનો અને તેમના પરિવારજનો રોજગારલક્ષી તાલીમ અને કૌશલ્ય મેળવતા થશે. હોમગાર્ડઝ દળના સર્વાંગી કલ્યાણ (હોલિસ્ટિક વેલ્ફેર)ની દીશામાં આ એક આવશ્યક પગલું છે.

આ પ્રસંગે અમદાવાદ મેયર શ્રીમતિ બીજલબેન પટેલ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, સચિવ શ્રીમતી નિપુણા તોરવણે અને અમદાવાદ પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ તથા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.