Smimer thumbnail

સુરત સ્મીમેર હોસ્પિટલની કોરોના સારવાર કોરોના વોરિયરના સ્વજનોની પ્રથમ પસંદ બની

સુરત, ૧૯ સપ્ટેમ્બર: સામાન્ય રીતે તબીબો કોઈ પણ બિમારીની સારવાર માટે એમના પરિચિત અને મિત્રવર્તુળની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતાં હોય છે, એમાંય કોરોના વાઇરસ જેવાં ચેપી અને ગંભીર રોગની સારવાર ખાનગી હોસ્પિટલના સ્થાને સરકારી હોસ્પિટલમાં લે ત્યારે જરૂર નવાઈ લાગે. પરંતુ સુરતની સ્મીમેર હોસ્પિટલના ઘણાં કોરોના વોરિયર તબીબોના કોરોના પોઝિટીવ સગાસંબંધીઓએ સ્મીમેર હોસ્પિટલની સારવાર લઈ અને સ્વસ્થ થઈ આ માન્યતાનો છેદ ઉડાડ્યો છે. તેમણે ખાનગી હોસ્પિટલને બદલે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેવાનું મુનાસિબ માન્યું છે. સ્મીમેરની ઉમદા સારવારનું પ્રમાણ તેમના સ્વજનોની સકારાત્મક પ્રતિક્રિયા પરથી મળી રહે છે.


સ્મીમેરમાં સર્જરી વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડો.રાજેશ
ચંદનાનીના ૭૫ વર્ષીય સસરા શ્રી હેમરાજ ગંગવાણીને કોરોના સંક્રમણ થતાં તા.૦૭ જુલાઈએ સ્મીમેરમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ડાયાબિટીસથી પણ પીડાય છે. તેઓને NRBM -નોન રિબ્રિધર માસ્કથી સતત ઓક્સિજન આપવામાં આવ્યું. છાતીનાં સી.ટી.સ્કેન રિપોર્ટમાં બંને ફેફસાંમાં ૭૦ થી ૭૫ ટકા જેટલું ઇન્ફેકશન જણાયું હતું. તેમનું લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ને ૯૦% (આરામના સમયે) જેટલું થઈ ગયુ હતું. પણ જો જરા પણ હળવું કે મધ્યમ શ્રમવાળું કાર્ય કરે તો ઓક્સિજનનું પ્રમાણ ઘટી ને ૭૦% જેટલું થઈ જતું હતું.
હેમરાજભાઇને પ્રોન એટલે કે ઉંધા સુવડાવીને તેમજ ફેસ માસ્ક દ્વારા ઓક્સિજન આપીને સારવાર કરવામાં આવી. ધીમે ધીમે તબિયતમાં સુધારો થયો. ૧૫ જુલાઈએ ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં.


શ્રી હેમરાજભાઈએ ખાનગી હોસ્પિટલના સ્થાને સ્મીમેરને સારવાર માટે પસંદ કરવાનું કારણ જણાવતાં કહ્યું કે, સ્મીમેરના ડોકટરો અનુભવી ટીમ, અદ્યતન સાધનો ઉપરાંત કોરોના દર્દીઓ સાથે માનવીય અભિગમ સરાહનીય છે.
કોરોનામુક્ત થયેલાં દર્શનાબેન મોદી, સ્મીમેર હોસ્પિટલના સર્જરી વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ. જેનિશ મોદીના સાસુજી છે. ૪૭ વર્ષીય દર્શનાબેનનો કોવિડ રિપોર્ટ પોઝિટીવ આવતા તા.૧૫મી જુલાઈના રોજ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ થયા. તેઓ છેલ્લાં ૨૦ વર્ષથી ઓટોઈમ્યુન ડિસીઝ SLE થી પણ પીડિત છે. સારવાર લઇ કોરોનામુકત થયા.
દર્શનાબેન જણાવે છે કે, સ્મીમેરના અનુભવી તબીબો દર્દીઓનું વ્યકિતગત ધ્યાન રાખે છે. દર્દીને સ્વસ્થ કરવા એ જ તેમનું લક્ષ્ય હોય છે.

સ્મીમેર હોસ્પિટલના PSM વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડો.બિપિન વસાવાના ૩૭ વર્ષીય ધર્મપત્ની શ્રીમતી સરસ્વતીબેન તા.૯મી જુલાઈએ રેપિડ ટેસ્ટ પોઝિટીવ આવતાં હોમ આઈસોલેટ થયાં હતાં. પરંતુ ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં અને બંને ફેફસાંમાં ઇન્ફેકશન લાગતાં તા.૧૭મી જુલાઈએ સ્મીમેરમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં પાંચ દિવસની સારવાર બાદ તબિયતમાં સુધારો થતાં ડિસ્ચાર્જ કરાયા હતા.
સરસ્વતીબેન જણાવે છે કે, સ્મીમેરની સારવાર દરિમયાન સ્વનો અનુભવ થયો. મનોબળ વધ્યું અને સ્વસ્થ થઈ. હોસ્પિટલનું વાતાવરણ દર્દીઓ અહેસાસ થવા નથી દેતુ કે તેઓ બિમાર છે.
સ્મીમેરના ફિઝિયોલોજી વિભાગમાં ફરજ બજાવતાં મદદનીશ પ્રાધ્યાપકશ્રી ડો.મનિષ ચૌધરીના ૭૮ વર્ષીય પિતા બ્રિજવીરસિંઘ ચૌધરી પણ સ્મીમેરમાં કોરોનાની સારવાર લઈ સ્વસ્થ થયાં. શ્રેય સ્મીમેરને આપતાં જણાવે છે કે સ્મીમેરની આરોગ્ય સુવિધા ખાનગી હોસ્પિટલથી પણ સારી છે. જેથી સૌ કોઈએ સ્મીમેરમાં સારવાર લેવી જોઈએ.

તબીબોના આ સ્વજનો તેમના પ્રતિભાવ દરમિયાન સ્મીમેરના ડો.અંકુર, ડો.શુક્લા, ડો.હેમંત, ડો.કોઠારી સહિત કોરોના વોરીયર્સ તબીબોનો આભાર માનતાં એક સુરે કહે છે કે, અહીં કોરોનાની સારવાર મેળવી અમારી જેમ અનેક દર્દીઓ સ્વસ્થ થઈને પુન: ઘરે પરત ફર્યા છે, તેમના પરિવારને ખોવાયેલી ખુશીઓની ફરી ભેટ આપવામાં આ તબીબો સફળ રહ્યા છે.