plasma

સિવિલે મને નવજીવન આપ્યું છે, જયારે પણ જરૂર પડશે પ્લાઝ્મા ડોનેટ કરીશ- બીજી વાર પ્લાઝ્મા ડોનેટ કરતા હનીફ ખીરા

plasma

રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: સિવિલ હોસ્પિટલે મને ૧૭ દિવસ રાખ્યો અને મારી સારવાર કરી કોરોનમાંથી સાજો કરી નવજીવન આપ્યું છે, તેનું ઋણ ચૂકવવા હું કંઈ પણ કરી શકું…  આ શબ્દો છે બે મહિનામાં બીજી વાર પ્લાઝ્મા ડોનેટ કરતા હનીફ અનવર ખીરાના.

એપ્રિલ માસમાં જયારે કોરોના થયો ત્યારે મારી હાલત ગંભીર હતી. સિવિલના માયાળુ સ્ટાફે પરિવારના સભ્યની જેમ મારી દેખરેખ રાખી સારવાર કરી જેના થકી હું કોરોનામુક્ત બન્યો. ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે કોઈ પણ રીતે આ લોકોને મદદરૂપ થઈ શકું તો સારું.  જયારે પ્લાઝ્મા થેરાપી રાજકોટમાં શરુ થઈ ત્યારે ગત તા. ૧૦ મી ના રોજ મને ફોન આવેલો કે ઓ પોઝિટિવ દર્દી માટે પ્લાઝ્માની જરૂર છે તો તમે મદદરૂપ બનશો ? મેં તરત જ હા પાડી અને મારુ પ્લાઝ્મા પ્રથમ વાર ડોનેટ કર્યું હતું.

ખાનગી લેબમાંથી પણ મારો સંપર્ક કરવામાં આવેલો પ્લાઝ્મા માટે, પરંતુ મેં નક્કી કરેલું કે હું માત્ર સિવિલ હોસ્પિટલને જ પ્લાઝ્મા આપીશ. જયારે પણ જરૂર પડશે હું દાન કરતો રહીશ તેમ હનીફ આજ રોજ બીજીવાર પ્લાઝ્મા ડોનેટ કરતા ઋણાનુબંધની ભાવના સાથે જણાવે છે.

ઓ પોઝિટિવ ગ્રુપ જાણે તેનો સ્વભાવ બની ગયો હોય તેમ હનીફ ખીરાનો પોઝિટિવ એટીટ્યુડ અન્ય લોકોને પણ પ્લાઝ્મા ડોનેટ કરવા પોઝિટિવ વિચારધારા પુરી પાડી રહ્યો છે.

loading…

લેબોરેટરી ખાતે ટેક્નિકલ એન્જીનીયર તરીકે પ્લાઝ્મા લેવાની ફરજ બજાવતા દર્શન પ્રજાપતિ જણાવે છે કે હનીફભાઇએ ૩૩ દિવસ બાદ પ્રથમ વાર પ્લાઝ્મા ડોનેટ કર્યું. ૨૮ દિવસ બાદ કોઈપણ વ્યક્તિ કે જે કોરોનથી સાજા થયા હોય તે પ્લાઝ્મા ડોનેટ કરી શકે છે. જેમ બ્લડ ડોનેટ કરીએ તેમ જ પ્લાઝ્મા ડોનેટ કરવાનું હોય છે.

આખી પ્રોસેસ ડિસ્પોઝેબલ કીટથી કરવામાં આવે છે એટલે કોઈ ઇન્ફેક્શનનો ભય રહેતો નથી તેમજ બ્લડમાંથી માત્ર પ્લાઝ્મા સેલ લેવામાં આવે છે અન્ય કોઈ વસ્તુ લોહીમાંથી ઓછી થતી નથી માટે બિલકુલ ગભરાયા વગર કોરોનાથી સ્વસ્થ થયેલ વ્યક્તિએ અચૂક પ્લાઝ્મા દાન કરવું જોઈએ. 

એક વાર પ્લાઝ્મા ડોનેટ કરવાથી બે વ્યક્તિની જીંદગી બચાવીને નવજીવન આપી શકાય છે.