Dr Shital Mistry

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાગ્રસ્ત થયેલા ડો.શીતલ મિસ્ત્રીના ખબર અંતર પૂછ્યા

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના મેનેજમેન્ટ માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં છેલ્લા છ મહિનાથી સતત કાર્યરત રહેલા અને કોરોનાગ્રસ્ત થયેલા ડો.શીતલ મિસ્ત્રીના ખબર અંતર પૂછ્યા

  • જલ્દી સાજા થવાની શુભકામનાઓ આપવાની સાથે ફરીથી નવા જોમ સાથે દર્દી સેવામાં જોડાઈ જવા પ્રોત્સાહિત કર્યા
  • શિતલભાઈએ ગોત્રી હોસ્પિટલમાં કોરોના મેનેજમેન્ટ ના અવિરત પરિશ્રમની સાથે આ નવા રોગ અંગે સતત સરળ અને સચોટ લોક શિક્ષણ આપ્યું છે
  • તેમના વિશે કહી શકાય કે કોરોના વિશે તેઓ જેટલું જાણે છે એટલું તો કોરોના પોતે પોતાના અંગે નહિ જાણતો હોય.. !!

વડોદરા,૨૭ સપ્ટેમ્બર: આજથી છ એક મહિના પહેલાં કોરોના સંકટની શરૂઆતથી રાત દિવસ અવિરત કોરોના યોદ્ધા તરીકે કાર્યરત રહેલા ,જી.એમ.ઇ.આર.એસ.મેડિકલ કોલેજ, ગોત્રીમાં સર્જરીના પ્રશિક્ષક અને કોરોના સારવાર સુવિધાના નોડલ અધિકારી ડો.શીતલ મિસ્ત્રી જાતે કોરોનાગ્રસ્ત થયાં છે અને હાલમાં સારવાર હેઠળ છે. આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ટેલિફોન દ્વારા સહૃદયતા સાથે તેમના ખબર અંતર પૂછ્યા હતા અને કોરોના યોદ્ધા તરીકે તેમની વ્યાપક સેવાઓને યાદ કરતાં તેઓ જલ્દી સાજા થઈ જાય એવી હાર્દિક શુભકામનાઓ પાઠવવાની સાથે,તેઓ ફરીથી નવા જોમ સાથે દર્દી સેવામાં જોડાઈ જશે એવી પ્રોત્સાહક અપેક્ષા વ્યક્ત કરી છે.

મુખ્યમંત્રીશ્રી એ ટેલીફોનીક સંવાદમાં ડો.શીતલ મિસ્ત્રીએ ,કર્મ એ જ પૂજાના મંત્રને અનુસરીને છેલ્લા છ મહિનાથી ગોત્રી હોસ્પિટલમાં વહીવટી નોડલ અધિકારી તરીકે આપેલી કૉવીડ મેનેજમેન્ટની અવિરત સેવાઓનો અને અત્રે સારવાર લેનારા પાંચ હજારથી વધુ દર્દીઓની ઉચિત સારસંભાળ લેવાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં અને ૪૦૦ થી વધુ સ્ટાફ સાથે સમુચિત સંકલનનો ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ડો.મિસ્ત્રી એ ખૂબ સંવેદનશીલતા સાથે આ દવાખાનામાં ઓકસીજન અને અન્ય જરૂરી સાધન સુવિધાઓની વ્યવસ્થા,માનવ સંપદા વિષયક પ્રશ્નોના નિરાકરણ જેવી તમામ બાબતોમાં ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેની સાથે જ કોરોનાના નવા રોગ અંગે સતત અભ્યાસ કરીને, તેમણે અખબારો,ચેનલો અને સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર સરળ લોક શિક્ષણ આપવા અને જાગૃતિ કેળવવાનું કામ કર્યું છે.એમના વિશે,તેઓ કોરોનાના રોગ અંગે કોરોનાને પોતાને પણ ખબર ના હોય એટલી જાણકારી ધરાવે છે એવું કહેવું ખોટું નથી. તેઓએ આ રોગ,તેના વાયરસ,તેની દવાઓ અને ઇન્જેક્શન,અચાનક મૃત્યુ તરફ દોરી જતી સાયતોકાઈન સ્ટોર્મ જેવી ખાસિયતો અંગે સતત લોકોને સચોટ માહિતી આપી છે.

હાલમાં કોરોના પીડિત હોવા છતાં તેઓ હિંમત હાર્યા નથી.એક સંવાદમાં તેમણે જણાવ્યું કે આ સમય દરમિયાન હું સતત ખબર પૂછનારા તબીબ મિત્રો સાથે આ રોગ અંગે ચર્ચા કરૂ છું. તેના અંગે વધુ વાંચવાની મને હાલમાં તક મળી છે. કોરોનાના દર્દીને કેવી શારીરિક પીડા વેઠવી પડે છે,ભોજન અને અન્ય બાબતો પ્રત્યે તે કેવા ગમા અણગમા અનુભવે છે, દવાઓની કેવીઆડઅસર થાય છે અને વધુ સારૂ ઔષધ વ્યવસ્થાપન કેવી રીતે થઇ શકે,આહારમાં કેવા સુધારા કરી શકાય આ બધો વિચાર તેમણે આ સમયગાળામાં કર્યો છે. હવે તેઓ આ તમામ બાબતોનો વિનિયોગ કરીને તેઓ કોરોનાની સારવારના વધુ બહેતર અને રોગીની આરામદાયક્તા વધે એવા પ્રોટોકોલ ઘડવા માટે સંકલ્પબદ્ધ છે.

ડો.શીતલ મિસ્ત્રીએ છેલ્લા છ મહિનાથી એક પણ રજા લીધાં વગર કોરોના મેનેજમેન્ટનું કામ કર્યું છે.કોરોનાની સારવારમાં ઓકસીજન ચાવી રૂપ અગત્યતા ધરાવે છે.એના પુરવઠાની કટોકટી સમુચિત રીતે ઉકલે અને ઉદ્યોગો અને દવાખાનાઓ ઓકસીજન પૂરો પાડવા માટે સુચારુ નીતિ બને અને અમલમાં મુકાય એ દિશાના એમના પ્રયાસો પરિણામ દાયક બની રહ્યાં છે. તેમણે ગોત્રી હોસ્પિટલમાં પાણી ,સ્વચ્છતા,વીજ વ્યવસ્થાની સુધારણા,વોર્ડ ની રચના અને વ્યવસ્થા જેવી બાબતો હાથ ધરી દર્દીઓને રાહત મળે તેવું કામ કર્યું છે. તેમણે મધ્યરાત્રિએ જાગીને પણ જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવામાં પાછી પાની કરી નથી.

હાલમાં માંદગીના બિછાનેથી પણ તેઓ કોરોનાગ્રસ્તોની સારવાર બહેતર બનાવવાના વિચારો કરી રહ્યાં છે.તેઓ સાચા અર્થમાં નીડર કોરોના યોદ્ધા છે. આપણે પણ તેમને જલ્દી સાજા થાવ તેવી શુભકામના પાઠવીએ.