Nitina Patel Robot

ભૂગર્ભ ગટરના મેનહોલની સફાઇ માટે બેન્ડીફૂટ રોબોટ દ્વારા સફાઇ કરાશે: નીતિનભાઇ પટેલ

ભૂગર્ભ ગટરના સફાઇ કર્મીઓના અપમૃત્યુ અટકાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ

Bandyfoot robot to clean underground sewer manholes

ભૂગર્ભ ગટરના મેનહોલની સફાઇ માટે બેન્ડીફૂટ રોબોટ દ્વારા સફાઇ કરાશે : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

  • ગાંધીનગર મહાનગરપાલિકાને બેન્ડીકુટ રોબોટ અર્પણ કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી
  • રોબોટ દ્વારા ડ્રેનેજ મેનહોલની કામગીરીની સફળતા મળશે તો આગામી સમયમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં રાજ્ય સરકાર વ્યાપ વધારશે
  • રોબોટ દ્વારા ડ્રેનેજના મેનહોલની સફાઇ કરતું ગુજરાતનું બીજુ નગર ગાંધીનગર બનશે

અહેવાલ: દિલીપ ગજજર, ગાંધીનગર

ગાંધીનગર,૦૯ નવેમ્બર: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યના નગરો, શહેરો સ્વચ્છ અને સુંદર રહે એ માટે રાજ્ય સરકાર અનેકવિધ નવતર પગલાં લઇ રહી છે. ભૂગર્ભ ગટરના સફાઇ કર્મીઓના અપમૃત્યુ અટકે એ માટે પણ રાજ્ય સરકાર કટિબદ્ધ છે. નામદાર સુપ્રિમ કોર્ટના ચુકાદાનો રાજ્યમાં ચુસ્ત અમલ થાય છે અને રાજ્યમાં કોઇપણ જગ્યાએ સફાઇ કર્મીઓ હવે ડ્રેનેજના મેનહોલમાં સફાઇ માટે ઉતરવા દેવામાં આવતા નથી. હવે રાજ્ય સરકારે ટેકનોલોજીના ઉપયોગ થકી ભૂગર્ભ ગટરના મેનહોલની સફાઇ માટે બેન્ડીક્રુટ રોબોટનો ઉપયોગ કરવાની શરૂઆત કરી છે.

આજે ગાંધીનગર શહેરના ડ્રેનેજની સફાઇ માટે સાબરમતી ગેસ કંપની દ્વારા બેન્ડીકુટ રોબોટ આપવામાં આવ્યો છે તેનું લોકાર્પણ કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રી પટેલે ઉમેર્યુ કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છતા અભિયાનનો જે સંકલ્પ આપ્યોહતો એને ગુજરાત સરકારે સુપેરે પાર પાડીને રાજ્યની મહાનગરપાલિકા નગરપાલિકાઓને સફાઇ કરવા માટે અનેક સાધનો વિનામૂલ્યે પૂરા પાડ્યા છે ત્યારે આ નવતર અભિગમ રોબોટ દ્વારા સફાઇનો પ્રયાસ હાથ ધર્યો છે.જે સફળ થશે તો તેના વિસ્તૃત અભ્યાસ બાદ આગામી સમયમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને રાજ્ય સરકાર દ્વારા પૂરા પાડવામાં આવશે.

whatsapp banner 1

નાયબ મુખ્યમંત્રીશ્રી પટેલે ઉમેર્યુ કે, રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ મહાનગરપાલિકાઓઅને નગરપાલિકાઓમાં વર્ષો પહેલા ભૂગર્ભ ગટરના કામો હાથ ધરીને પૂરા કરવામાં આવ્યા છે અને ગટરના ગંદા પાણીને સુએઝ પ્લાન્ટ સુધી મોકલીને અમે ટ્રીટમેન્ટ બાદ એ પાણીનો પુનઃ વપરાશ કરવામાં આવી રહ્યો છે. જેના લીધે મહાનગરો-નગરો સ્વચ્છ બન્યા છે. તેમણે ઉમેર્યુ કે, ભૂતકાળમાં આ ગટરો સાફ કરવા માટે સફાઇ કર્મીઓને ગટરના મેનહોલમાં ઉતારીને સફાઇ કરવી પડતી હતી અને તેમાં ઉત્પન્ન થયેલ ઝેરી ગેસના કારણે અપમૃત્યુના કેસો થતા હતા પરંતુ સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ગટરમાં ઉતરીને સફાઇ ન કરવાનો તેનો અમલ પણ ગુજરાત સરકાર ચૂસ્તપણે સખ્તાઇથી કરી રહી છે. એટલે અપમૃત્યુના કિસ્સા બનતા નથી. હવે મેનહોલની સફાઇ કરવા માટે રાજ્ય સરકરે ટેકનોલોજીના માધ્યમથી રોબોટ દ્વારા સફાઇનો નવતર આયામ હાથ ધર્યો છે. જેના થકી સફાઇ હાથ ધરાશે. સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ્ડ રોબોટ દ્વારા આ કામગીરી થશે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગાંધીનગર શહેરની સેકટર નં.૧ થી ૩૦ તથા ગાંધીનગર શહેરમાં સમાવિષ્ટ ગામડાની ગટર લાઈનની મરામત અને નિભાવણી પાટનગર યોજના વિભાગ નં. ૩ દ્વારા કરવામાં આવે છે. આ ગટર લાઈનની મરામત અને નિભાવણીની કામગીરી માટે જેટીંગ મશીન, સકશન મશીન, ફાઈટર પમ્પ, ડીસીલ્ટીંગ રીક્ષા વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આ મશીનોથી મેનહોલની અંદરનો ઘન કચરો જેવી કે માટી, પથ્થર, ઇંટો વગેરેની પુરેપુરી સફાઈ ઉપરોકત મશીનરીથી થઈ શકતી નથી. ત્યારે આ રોબોટ સફાઈ માટે અસરકારક નિવડશે. તેમણે ઉમેર્યું કે, ધી એમ્પ્લોયમેન્ટ ઓફ મેન્યુઅલ સકવેન્જર્સ એન્ડ કન્સ્ટ્રકશન ઓફ ડ્રાય લેટ્રીન્સ પ્રોહીબીશન એકટની જોગવાઈઓ તથા નામદાર સુપ્રિમ કોર્ટના ચૂકાદો અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની માર્ગદર્શિકા અન્વયે મેન્યુઅલ સ્કેવેન્જિંગ પર પ્રતિબંધ કરવામાં આવેલ છે. જેને અનુલક્ષીને ભારતના ૧૧ રાજયોમાં અંદાજે ૪૫ રોબોટ ગટર મેનહોલ સફાઈ માટે ઉપયોગમાં લેવાય છે. રાજયમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા રોબોટનો ઉપયોગ કરવામાં આવે છે હવે ગાંધીનગર શહેર રોબોટથી ગટર મેનહોલ સફાઈ માટે ગુજરાતનું બીજુ શહેર બન્યું છે.

તેમણે ઉમેર્યું કે, ડ્રેનેજ મેનહોલ બેન્ડીકુટ રોબોટમાં ચાર કેમેરા ફીટ કરેલા હોવાથી મેનહોલની અંદરથી માટી, પથ્થર, ઈટ વગેરેની સફાઈ સરળતાથી કરી શકાય છે. આ રોબોટની કિંમત રૂા. ૩૮.૦૦ લાખ છે. પરંતુ સાબરમતી ગેસ કંપની, અમદાવાદ દ્વારા બેન્ડીકુટ રોબોટ ગાંધીનગર શહેરના ડ્રેનેજ વિભાગને કંપનીના સી.એસ.આર. ફંડ હેઠળ આપવામાં આવ્યા છે.

આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી રીટાબેન પટેલ, માર્ગ મકાન વિભાગના સચિવશ્રી એસ.બી.વસાવા, શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન શ્રી સંજીવ પ્રસાદ, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી રતનકવર ગઢવીચારણ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.