Shivam diamond

હિરાને ચમકાવનાર સૂરતની શિવમ જ્વેલ્સનું પ્રેરણાદાયી પગલું

સૂરત શહેરની શિવમ જ્વેલ્સ કંપનીના ૬ રત્નકલાકારોએ પ્લાઝમાનું દાન કર્યું

સૂરતઃમંગળવારઃ– સૂરત શહેર રાજયમાં સૌથી વધુ પ્લાઝમા દાન સાથે આગળ વધી રહ્યું છે. આ ભૂમિની તાસીરના પરિણામે મોટી સંખ્યામાં રત્ન કલાકારો, ખેડુતો, યુવાનો કોરોનાગ્રસ્તોની સારવાર વધુ સારી રીતે થઈ શકે તેવા ઉદ્દેશ સાથે પ્લાઝમા ડોનેટ કરી રહ્યા છે. સૂરત શહેરની શિવમ જ્વેલ્સના એક સાથે છ રત્નકલાકારોએ પ્લાઝમા ડોનેટ કરી પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.

કતારગામની ‘શિવમ જ્વેલ્સ’ ડાયમંડ કંપનીના એચ.આર. હેડશ્રી મહેશભાઈ ધામેલિયાએ જણાવ્યું કે, સૂરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ શરૂ થઈ ત્યારે ઘણા રત્નકલાકારો કોરોના સંક્રમિત થયા હતા. જેમાં હું પણ કોરોના સંક્રમિત થયા બાદ સ્વસ્થ થયો છું. મિત્રોની પ્રેરણાથી મારા સહિત છ રત્નકલાકારોએ સંકલ્પ સાથે સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યા છે. જરૂર જણાશે તો અમે છ રત્નકલાકારો ફરી પ્લાઝમા ડોનેટ કરશું તેમ શ્રી ધામેલિયાએ કહ્યું હતું. વધુમાં તેઓ જણાવે છે કે, કંપનીના ૩૫૦ રત્નકલાકારોના એન્ટિજન ટેસ્ટ કર્યા. પરંતુ તેમાથી એક પણ રત્નકલાકારને કોરોનાના લક્ષણો જણાયા નથી.


ઉમિયાધામ વિસ્તારની મારૂતિધામ સોસાયટીમાં રહેતા પ્લાઝમા ડોનેટ કરનાર રત્નકલાકાર કિશોરભાઈ નકુમે જણાવ્યું કે, ૯ જૂને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલમાં દાખલ થયો હતો. રિપોર્ટમાં ૫ ટકા ન્યૂમોનિયાની અસર આવતા. ૧૨ ક્લાક બાદ વેસુની સમરસ હોસ્ટેલ શિફ્ટ થયો ત્યાં નવ દિવસ બાદ કોરોનાને મ્હાત આપી. ૧૩ દિવસ હોમ આઈસોલેશનમાં રહ્યા બાદ સ્વસ્થ થયો છું. કંપનીના માલિકની પ્રેરણાથી મેં પણ પ્લાઝમા બેન્કમાં પ્લાઝમાં ડોનેટ કર્યું છે. મારા પ્લાઝમાથી બે વ્યક્તિને નવજીવન મળશે તેની મને ઘણી ખુશી છે. આગળ આવા સમાજહિતના ઉમદા કાર્યમાં હંમેશા શક્ય તેટલું યોગદાન આપીશ.

શિવમ જ્વેલ્સમાં ઇલેક્ટ્રિશિયનનું કામ કરતા ૨૫ વર્ષિય જયેશ કાકલોતરને ૧૨ મે ના રોજ કોરોના પોઝિટિવ આવતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ૫ દિવસ સમરસ હોસ્ટેલમાં રહીને કોરોનાને મ્હાત આપી. ૧૪ દિવસ હોમ ક્વોરન્ટાઈન રહીને સ્વસ્થ થઈને શિવમ જ્વેલ્સની પ્રેરણાથી સ્મીમેર હોસ્પિટલતમાં પ્લાઝમા ડોનેટ કર્યા છે. અન્ય કંપનીના ડોનરશ્રી વિજયભાઈ પટેલ, આકાશભાઈ પટેલ તથા કાનજીભાઈ મોતિસરીયાએ પ્લાઝમા ડોનેટ કર્યા હતા.

Reporter Banner FINAL 1

સ્મીમેર હોસ્પિટલના પ્લાઝમા બેંકના ડો.અંકિતા શાહે જણાવ્યું કે, અમારી ટીમે શિવમ જ્વેલ્સના માલિક ઘનશ્યામભાઈ શંકરનો સંપર્ક સાધ્યો ત્યારે જાણવા મળ્યું કે, ૬ રત્નકલાકારોનાએન્ટીબોડી ડેવલપ થઈ ચૂકયા છે. રત્નકલાકારોને પ્લાઝમા માટે પ્રોત્સાહિત કરતા આ રત્નકલાકારોએ તુરંત જ પોતાના પ્લાઝમા ડોનેટ કરીને પ્રેરણાદાયી કાર્ય કર્યું છે