Narendra singh Tomar 1812

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી,ખેડૂત ભાઈઓ અને બહેનોના નામે લખ્યો એક પત્ર. જાણો પત્રનું વિગત…

Narendra singh Tomar 1812

ખેડૂત ભાઈઓ અને બહેનોના નામે એક પત્ર

by PIB Ahmedabad

પ્રિય ખેડૂત ભાઈઓ અને બહેનો,છેલ્લાં થોડા દિવસોથી સરકારે કૃષિ ક્ષેત્રમાં કરેલા ઐતિહાસિક સુધારાઓને લઈને હું સતત તમારા સંપર્કમાં છું. છેલ્લાં થોડાં દિવસોમાં મેં દેશના વિવિધ રાજ્યોના ખેડૂતો સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી છે. ઘણા ખેડૂત સંગઠનોએ આ કૃષિલક્ષી સુધારાઓનું સ્વાગત કર્યું છે. તેઓ આ સુધારાઓથી ખુશ છે. આ સુધારાઓથી ખેડૂતોમાં નવી આશા જન્મી છે. દેશના જુદાં જુદાં ક્ષેત્રોમાંથી એવા ખેડૂતોના ઉદાહરણ પણ સતત જોવા મળી રહ્યાં છે, જેમણે નવા કૃષિ કાયદાઓના ફાયદા મેળવવાનું પણ શરૂ કરી દીધું છે.

જોકે કૃષિ ક્ષેત્રમાં સરકારે કરેલા સુધારાનો બીજો પક્ષ એ પણ છે કે, કેટલાંક ખેડૂતો સંગઠનોમાં એને લઈને એક ભ્રમ પેદા કરવામાં આવ્યો છે.

whatsapp banner 1

દેશના કૃષિ મંત્રી હોવાના નાતે મારી ફરજ છે કે હું દરેક ખેડૂતનો ભ્રમ દૂર કરું, દરેક ખેડૂતની ચિંતા દૂર કરું. આ મારી જવાબદારી છે કે, સરકાર અને ખેડૂતો વચ્ચે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં જૂઠ્ઠાણાઓની જે દિવાલ ઊભી કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે, એનો પર્દાફાશ કરું, તમારી સમક્ષ સત્ય રજૂ કરું અને સાચી વસ્તુસ્થિતિ પ્રકટ કરું.

હું પોતે એક ખેડૂત પરિવારમાંથી આવું છું. ખેતીવાડીના વિવિધ બારીક પાસાં અને એના પડકારો – આ બંનેને સમજીને અને એનો સામનો કરીને હું મોટો થયો છું. ખેતરમાં પાકને પાણી પીવડાવવા માટે મોડી રાત સુધી જાગવું, પાણીને કારણે પાળ તૂટી જતા એને બંધ કરવા માટે દોડવું, કમોસમી વરસાદનો ડર, સમયસર વરસાદ થવાની ખુશી – આ મારાં જીવનના અભિન્ન અંગ રહ્યાં છે. મેં પાકની લણણી કર્યા પછી એને વેચવા માટે અઠવાડિયાઓ સુધી રાહ પણ જોઈ છે.  

આ સ્થિતિ, પરિસ્થિતિ વચ્ચે પણ દેશનો ખેડૂત દેશ માટે વધુને વધુ અનાજ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ભારતના ખેડૂતના આ પરિશ્રમને, આ ઇચ્છાશક્તિને આપણે કોરોનાની આ કટોકટીના કાળમાં જોઈ છે, અનુભવી છે. ખેડૂતોએ બમ્પર ઉત્પાદન કરીને દેશનાં અર્થતંત્રને વેગ આપવામાં મદદ કરી છે. આ દરમિયાન વિક્રમી વાવેતર કરીને ભવિષ્યમાં વધારે ઊંચું ઉત્પાદન સુનિશ્ચિત કરી દીધું.

કૃષિ મંત્રી સ્વરૂપે મારા માટે આ બહુ સંતોષની વાત છે કે નવા કૃષિ કાયદા લાગુ થયા પછી આ વર્ષે MSP પર સરકારી ખરીદીના અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. જ્યારે અમારી સરકાર MSP પર ખરીદીનો નવો રેકોર્ડ બનાવી રહી છે, ખરીદ માટેના કેન્દ્રોની સંખ્યા વધારી રહી છે, ત્યારે કેટલાંક લોકો ખેડૂતોને ભ્રમિત કરી રહ્યાં છે કે, MSP બંધ થઈ જશે.

હું ખેડૂતોને આગ્રહપૂર્વક જણાવું છું કે, રાજકીય સ્વાર્થથી પ્રેરિત કેટલાંક લોકો દ્વારા ફેલાવવામાં આવતા આ સફેદ જૂઠ્ઠાણાને ઓળખે અને એનો દ્રઢતાપૂર્વક ઇનકાર કરો. જે સરકારે ખેડૂતોને પાકની ઉપજના ખર્ચના દોઢ ગણા ટેકાના ભાવ (MSP) આપ્યાં, જે સરકારે છેલ્લાં 6 વર્ષમાં MSP દ્વારા લગભગ બેગણી રકમ ખેડૂતોના ખાતામાં પહોંચાડી, એ જ સરકાર ક્યારેય MSP બંધ નહીં કરે. MSP ચાલુ છે અને ચાલુ જ રહેશે.

ખેડૂત ભાઈઓ અને બહેનો,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી માટે ખેડૂતોનું કલ્યાણ કરવું – એમના જીવનની સૌથી મહત્ત્વપૂર્ણ પ્રતિબદ્ધતાઓમાંથી એક છે. ખેડૂતોની આવક વધારવી, એમના જીવનમાં સમૃદ્ધિ લાવવા માટે પ્રધાનમંત્રીજીના સક્ષમ નેતૃત્વમાં સરકાર એક પછી એક સતત નિર્ણયો લઈ રહી છે.

છેલ્લાં 6 વર્ષમાં અમારી સરકારે ખેડૂતોને સશક્ત, સમર્થ બનાવવા માટે બીજથી બજાર સુધીના એ દરેક નિર્ણયો લીધા છે, જેનાથી ખેડૂતો માટે ખેતીવાડીની પ્રક્રિયા વધારે સરળ બને, એમની મુશ્કેલીઓ ઓછી થાય, એમની સમસ્યાઓનું સમાધાન થાય અને એમને વધુ નફો મળે.

તમે પણ જાણો છો કે, આપણા દેશમાં 80 ટકા ખેડૂતો નાનાં ખેડૂતો કે સીમાંત ખેડૂતો છે, જેમની પાસે વાવેતર કરવા માટે એકથી બે એકર જમીન છે. આ પ્રકારના ખેડૂતો આઝાદી મળ્યાં પછી પણ ખેતી ફક્ત આજીવિકા મેળવવા, પરિવારનાં પાલનપોષણ માટે કરે છે. સરકારે જે પગલાં લીધા છે, જે નવા કાયદા બનાવ્યાં છે એનો બહુ મોટો લાભ આ નાનાં ખેડૂતોને થવાનો છે.

પીએમ ખેડૂત સન્માન નિધિ મારફતે તમને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવા પાછળનો ઉદ્દેશ એ જ છે કે, તમારે મુશ્કેલીના સમયમાં દેવું કરવું ન પડે. પાક વીમાનું કવચ તમને કુદરતી આફતમાં બરબાદ થયેલા પાકની ભરપાઈ કરે છે. સોઇલ હેલ્થ કાર્ડથી ખેડૂતને પોતાની જમીનની ફળદ્રુપતાની ઉચિત જાણકારી મળે છે, તો નીમ કોટિંગ યુરિયાથી ખાતરની કાળા બજારી પર અંકુશ મૂકીને ખેડૂતોને બહુ મોટી રાહત પ્રદાન કરવામાં આવી છે. અન્નદાતા ઊર્જાદાતા પણ બને – દેશ આ લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યો છે, અગ્રેસર થઈ રહ્યો છે.

ખેડૂતોની એક અન્ય મુશ્કેલી એ પણ રહી છે કે, મોટા ભાગના ગોદામ, કોલ્ડ સ્ટોરેજ અને પ્રોસેસિંગ સેન્ટર ગામને બદલે મોટા શહેરોની આસપાસ બન્યાં છે. આ કારણસર ખેડૂતોને એનો સંપૂર્ણ લાભ મળતો નથી. આ જ અસંતુલનને દૂર કરવા માટે હવે 1 લાખ  કરોડ રૂપિયાનું એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (કૃષિ માળખાગત ભંડોળ) બનાવવામાં આવ્યું છે.

આ પ્રયાસો વચ્ચે આપણે એ પણ જોયું છે કે, ખેડૂતોના પરસેવામાંથી પાકતી ઉપજને બજાર ઉપલબ્ધ ન હોવાથી કેટલાંક લોકો કેવી રીતે કોડીઓની કિંમતે ખરીદી લેતા હતા. ભારતના ખેડૂતોને એ અધિકાર પણ નહોતો કે, તેઓ પોતાના ખેતરમાં પાકતી ઉપજની કિંમત નક્કી કરી શકે, એનું વેચાણ કોઈ પણ જગ્યાએ કરી શકે.

ખેડૂતોની આ લાચારી, આ મજબૂરીને દરેક વ્યક્તિ જાણતી હતી, સમજતી હતી. અમારી અગાઉ જે સરકારો આવી હતી, એ પણ ખેડૂતોને મંડીઓની સાથે ઉદાર બજાર પ્રદાન કરવાની હિમાયત કરતી હતી. આ વિશે અટલજીની સરકારના સમયમાં વર્ષ 2001માં સંવાદની પ્રક્રિયા શરૂ થઈ હતી. અટલજી પછી 10 વર્ષ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રહી હતી અને એ સરકારે પણ આ સુધારાઓનું સમર્થન કર્યું હતું. એટલું જ નહીં એના ઢંઢેરામાં આ સુધારાના વચન આપ્યાં હતાં.

વાસ્તવિકતા એ છે કે, ખેડૂતોને જકડી રાખતી, તેમને બાંધી દેતી જૂની વ્યવસ્થા સાથે ક્યારેય કોઈ સંમત નહોતું. આજે આ પત્રના માધ્યમથી હું તમને એ જણાવવા ઇચ્છું છું કે, છેલ્લાં 20થી 25 વર્ષોમાં કોઈ ખેડૂત નેતા કે સંગઠનનું એક પણ વક્તવ્ય રજૂ કરે, જેમાં કહેવામાં આવ્યું હોય કે ખેડૂતોને તેમની ઉપજ વેચવા માટે અન્ય વિકલ્પ ન મળવો જોઈએ, જે વ્યવસ્થા અગાઉથી ચાલી આવી છે, એ જ સારી છે. આપણા દેશમાં તો મોટા-મોટા ખેડૂત સંગઠન, આ જ બંધનોમાંથી મુક્તિ મેળવવા માટે પ્રદર્શન કરતાં હતાં. કૃષિ તજજ્ઞો કહી રહ્યાં છે કે, આ સુધારા વિના ભારતના ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવવું મુશ્કેલ છે, એમના જીવનની ગુણવત્તા સુધારવી શક્ય નથી.

જ્યારે વર્ષ 2014માં એનડીએની સરકાર બની હતી, ત્યારે અમે આ સુધારાઓ પર નવેસરથી ચર્ચાવિચારણા શરૂ કરી હતી. રાજ્ય સરકારોને મૉડલ કાયદાઓ મોકલવામાં આવ્યાં હતાં. મુખ્યમંત્રીઓની સમિતિઓમાં એની ચર્ચાવિચારણા થઈ હતી. 6 મહિનામાં અમે દેશના કરોડો ખેડૂતો સુધી આ વાતને લઈને ગયા. લગભગ દોઢ લાખ તાલીમ અને વેબિનાર સેશન મારફતે ખેડૂતો સાથે જોડાયેલી વિવિધ બાબતો અને નવા કૃષિ કાયદાની જોગવાઈઓ પર ચર્ચા કરી. પછી આ નવા કૃષિલક્ષી કાયદા અસ્તિત્વમાં આવ્યાં છે.

ખેડૂત ભાઈઓ અને બહેનો,

APMC ચાલુ છે અને ચાલુ રહેશે. APMCને વધારે મજબૂત કરવામાં આવી રહી છે. એની સાથે સાથે ઉદાર બજાર તમને તમારા ઘરઆંગણે જ તમારી ઉપજને વધારે સારાં ભાવે વેચવાનો વિકલ્પ પણ આપશે. વળી ખેતરમાંથી મંડી સુધી અનાજ પહોંચાડવાનું ભાડું પણ બચી જશે. સાથે સાથે તમારી પાસે મંડીનો વિકલ્પ પણ ખુલ્લો જ રહેવાનો છે. કૃષિ ઉપજ મંડીઓ અગાઉની જેમ કામ કરતી રહેશે. છેલ્લાં 5થી 6 વર્ષોમાં કૃષિ મંડીઓને આધુનિક બનાવવા માટે સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. એને આગામી સમયમાં વધારે આધુનિક બનાવવામાં આવશે.

જે લોકોએ રાજકીય આધાર ગુમાવી દીધો છે, જેમનો રાજકીય પાયો હચમચી ગયો છે, એ લોકો સંપૂર્ણપણે એવું કાલ્પનિક જૂઠ્ઠાણું ફેલાવી રહ્યાં છે કે, ખેડૂતોની જમીન છીનવી લેવામાં આવશે. જ્યારે ખેડૂત અને વેપારી વચ્ચે સમજૂતી ફક્ત ઉપજની થશે, ત્યારે જમીન કેવી રીતે છીનવાઈ જશે? નવા કાયદામાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જમીન પર ખેડૂતોનો માલિકીનો અધિકાર હતો અને રહેશે. જે સરકાર ગામડાઓમાં રહેતા દરેક પરિવારને સ્વામિત્વ યોજના મારફતે એમના ઘરની માલિકીનો અધિકાર પણ પ્રદાન કરી રહી છે, એ ખેડૂતોની એક ઇંચ જમીન પણ કોઈને છીનવવા નહીં દે.

અમારી સરકારનો ઇરાદો, અમારી સરકારની નીતિ – બંને ખેડૂતોના હિતો જાળવવા માટે પ્રતિબદ્ધ છે.

બહેનો અને ભાઈઓ,

એમએસપી (ટેકાના ભાવ), એપીએમસી કે મંડી અને જમીન પર કબ્જાને લઈને જે પણ ભ્રમ ફેલાવવામાં આવ્યો છે, એને દૂર કરવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે.

અમે ખેડૂતો અને એમના વિવિધ સંગઠનો સાથે સતત ચર્ચાવિચારણા કરી રહ્યાં છીએ અને તેમની દરેક ચિંતાનું નિરાકરણ કરવા, તેમની દરેક સમસ્યાનું સમાધાન કરવા અમે હંમેશા તૈયાર છીએ.

પણ ખેડૂતોને આગળ કરીને કેટલાંક રાજકીય પક્ષો અને સંસ્થાઓએ રચેલા ષડયંત્રને સમજવું પણ એટલું જ જરૂરી છે.

દેશની કમનસીબી છે કે, પોતાને Neutral કે તટસ્થ ગણાવતા, પોતાને બુદ્ધિજીવી ગણાવતા કેટલાંક લોકો નિર્લજ્જ થઈને એમણે જ કહેલી વાતોથી વિપરીત વાતો કરી રહ્યાં છે. પણ જનતા બધું જાણે છે, સમજે છે. દેશ એમના જૂનાં વિધાનો પણ જોઈ રહ્યો છે અને આ એમનો અસલી ચહેરો છે.

આ લોકો એમ માને છે કે, પોતાના રાજકીય સ્વાર્થ માટે તેઓ સરકારનું નુકસાન કરશે. પણ હકીકત એ છે કે, એમના નિશાન પર તમે છે, દેશના ખેડૂત છે, દેશની યુવા પેઢી છે. આ લોકોએ નિર્દોષ ખેડૂતોને રાજકારણ રમવા માટેની મહોરું બનાવવાનો, કઠપૂતળી બનાવવાનો પ્રયાસ કર્યો છે.

જે કોંગ્રેસે એના શાસનકાળમાં સ્વામિનાથન સમિતિના રિપોર્ટને 8 વર્ષ સુધી દબાવી રાખ્યો, એ જ કોંગ્રેસ ખેડૂતોનું હિત કેવી રીતે કરી શકે?

જે કોંગ્રેસ એના ઢંઢેરામાં વચન આપતી રહી કે, ખેડૂતોને એપીએમસી કે મંડી સિવાય પણ એમની ઉપજ વેચવા માટે અલગ વિકલ્પ મળવો જોઈએ, એ જ હવે ખેડૂતોને એપીએમસીની જાળમાં કેમ જકડી રાખવા ઇચ્છે છે? કોંગ્રેસ સરકારમાં જે કૃષિ મંત્રી આ સુધારાઓના પક્ષમાં પત્રો લખતા હતા, તેમણે હવે યુ-ટર્ન કેમ લીધો છે?

જે આમ આદમી પાર્ટીએ પંજાબમાં વિધાનસભાની ચૂંટણી સમયે એના ઢંઢેરામાં લખ્યું હતું કે, ખેડૂતોને એપીએમસી કે મંડીની બહાર પણ એમની ઉપજ વેચવાની સુવિધા આપશે, હવે એણે સંપૂર્ણપણે વિપરીત વલણ કેમ અપનાવ્યું છે?

હુડ્ડા સમિતિએ કૃષિ સુધારાઓની વાત કરી હતી, આ સમિતિમાં અકાલી દળના મોટા નેતા પણ સામેલ હતા, તો પછી અત્યારે તેઓ અલગ વાતો કેમ કરી રહ્યાં છે?

જે ખેડૂત સંગઠન બેથી ત્રણ મહિના અગાઉ આ જ સુધારાઓનું સમર્થન કરી રહ્યાં હતાં, અમારી સરકારને અભિનંદન આપતા હતા, તેઓ હવે અચાનક વિરોધ પ્રદર્શન કેમ કરી રહ્યાં છે?

મારા ખેડૂતો ભાઈઓ અને બહેનો,

આપણા દેશમાં દાયકાઓ સુધી જાહેરાતો કરીને, નીતનવા સૂત્રો આપીને મતો મેળવવાનું રાજકારણ રમાઈ રહ્યું છે.

પણ જાહેરાતો કરીને, વચન આપીને પ્રામાણિકતા સાથે પૂરાં કરનારી સરકાર હવે દેશની જનતા જોઈ રહી છે.

દેશની જનતા અમને સુશાસન કરવા માટે વધુને વધુ આશીર્વાદ આપી રહી છે એ જોઈને કેટલાંક પક્ષોને એવું પણ લાગી રહ્યું છે કે, ખેડૂતો વચ્ચે ભ્રમ ફેલાવીને તેમને ગુમાવેલો રાજકીય આધાર પરત મળશે.

આ ભ્રમ દૂર કરવાની અમારી જવાબદારી છે. એટલે અમે આંદોલનમાં સામેલ ખેડૂતો સાથે દરેક વિષય પર સ્પષ્ટતા, દરેક સમસ્યાઓનું સમાધાન કરવાનો સતત પ્રયાસ કરી રહ્યાં છીએ.

પણ તમારે આ વાતથી પણ સતર્ક રહેવું પડશે કે આ આંદોલનમાં એવા લોકો પણ સામેલ થઈ ગયા છે, જેમનું લક્ષ્ય ખેડૂતોનું હિત ક્યારેય નહોતું. છેલ્લાં છ વર્ષમાં તમે જોયું હશે કે એક જ કુળના લોકો, એક જ થાળીમાં જમતા લોકો, સમાન આચારવિચાર ધરાવતા લોકોનો સમૂહ ક્યારેક વિદ્યાર્થીઓ તો ક્યારેક દલિત સમાજ, ક્યારેક મહિલાઓ તો ક્યારેક લઘુમતી – એમ જુદાં જુદાં વર્ગોને આગળ કરીને સમાજમાં અસંતોષ અને દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

અત્યારે આ જ લોકો ફરી એક વાર દેશના અન્નદાતાઓને આગળ કરીને પોતાનો રાજકીય સ્વાર્થ સાધવા માટે હિંસા અને અરાજકતાને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પ્રોત્સાહન આપી રહ્યાં છે.

આ લોકો દેશના અન્નદાતાઓને આગળ કરીને તોફાનો કરવાના આરોપીઓ, હિંસા ફેલાવતા આરોપીઓને તરત છોડવા માટે દબાણ ઊભું કરી રહ્યાં છે.

આ લોકો દેશના અન્નદાતાઓના ખભે બંદૂક ફોડીને ગાંધીજીની પ્રતિમાને નુકસાન પહોંચાડે છે, પૂજ્ય બાપુનું અપમાન કરે છે. તમને યાદ હશે કે, એ જ બાપુએ બિહારના ચંપારણમાં ખેડૂતો માટે સત્યાગ્રહ શરૂ કર્યો હતો, એક મોટું આંદોલન શરૂ કર્યું હતું.

સિંચાઈ માટેનું પાણી ખેડૂતો સુધી ન પહોંચે એ માટે આ સંગઠનોએ વર્ષો સુધી કમર કસી હતી, દરેક કાયદાકીય દાવપેંચ અજમાવ્યા હતા. આ જ લોકો ખેડૂતો સુધી વીજળી પહોંચાડવાના કાર્યોમાં અને દેશના વિવિધ વિસ્તારોમાં બંધ બનાવવાના કાર્યોમાં વર્ષો સુધી અવરોધો ઊભા કરતાં રહ્યાં છે. અત્યારે આ જ લોકો ખેડૂતોના હિતેચ્છુ હોવાનો દંભ કરી રહ્યાં છે.

જ્યારે રાષ્ટ્ર આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આગેકૂચ કરી રહ્યો છે, વોકલ ફોર લોકલ અભિયાન વેગ પકડી રહ્યું છે, ત્યારે ભારતના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની જાહેરાત પાછળ આ લોકોના ઇરાદાઓને ઓળખવા પડશે.

જ્યારે લેહ-લડાખમાં સરહદ પર સુરક્ષાના પડકારો વધી રહ્યાં છે, જ્યારે અનેક ફીટ બરફવર્ષા થઈ છે, ત્યારે સરહદ તરફ જવાનો માટે જરૂરી સાધનસામગ્રી અને સામાન લઈ જતી ટ્રેનોને રોકનાર લોકો ખેડૂતો ન હોઈ શકે.

આ લોકોને કારણે આપણે આપણા સૈનિકો સુધી જરૂરી સાધનસામગ્રી અને સામાન્ય હવાઈ માર્ગે અને અન્ય સાધનોથી પહોંચાડવો પડે છે. જનતાની પરસેવાની કમાણી આ વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં ખર્ચ થઈ રહી છે.

આમાંથી અનેક લોકો એવા પણ છે, જેમણે વર્ષ 1962ના યુદ્ધમાં પણ દેશને સાથ આપ્યો નહોતો.

અત્યારે આ લોકો ફરી વર્ષ 1962ની જ ભાષા બોલી રહ્યાં છે.

આ લોકોએ ખેડૂતોના મનની પવિત્રતાને પણ પોતાના બદઇરાદાઓ અને ષડયંત્રોથી અપવિત્ર અને પ્રદૂષિત કરવાનો પ્રયાસ કર્યો છે.

આપણા ખેડૂતો ભાઈઓ અને બહેનોને અત્યારે વિચાર કરવો જોઈએ કે, જ્યારે એમણે આંદોલન શરૂ કર્યું હતું, ત્યારે એમનું લક્ષ્ય શું હતું અને અત્યારે શું વાતો થઈ રહી છે?

હું આ પાત્રના માધ્યમથી તમને હાથ જોડીને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે, કોઈ પણ પ્રકારની ઉશ્કેરણીમાં આવ્યા વિના મહેરબાની કરીને હકીકતોને જાણો, સમજો અને તેના આધારે ચિંતન-મનન કરો.

તમારી દરેક શંકા-કુશંકા દૂર કરવી, એનું સમાધાન કરવું અમારી સરકારની જવાબદારી છે. અમે અમારી આ જવાબદારીથી ક્યારેય દૂર ભાગ્યા નથી અને ક્યારેય પીછેહટ કરી નથી.

‘બધાનો સાથ, બધાનો વિકાસ, બધાનો વિશ્વાસ’ના મંત્રને અનુસરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અમારી સરકારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના તમામનું હિત જાળવવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લાં 6 વર્ષમાં અમારી સરકારની કામગીરીનો ઇતિહાસ એનો સાક્ષી છે.

તમે વિશ્વાસ કરો, ખેડૂતોના લાભ માટે કરવામાં આવેલા આ સુધારા ભારતીય કૃષિ ક્ષેત્રમાં એક નવા અધ્યાયનો પાયો નાંખશે, દેશના ખેડૂતોને વધારે સ્વતંત્ર બનાવશે, સશક્ત કરશે.

કૃષિ ક્ષેત્રમાં આ જ સુધારાઓમાંથી આપણને ઊર્જા પ્રાપ્ત થશે અને આપણે ખભેખભો મિલાવીને ભારતના કૃષિ ક્ષેત્રને સમૃદ્ધ બનાવીશું, સંપન્ન બનાવીશું.

તમારો પોતાનો,

નરેન્દ્રસિંહ તોમર

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી, ભારત સરકાર