Help Desk 2

દર્દી અને પરિજનો વચ્ચે સેતુરૂપ બનતું “હેલ્પ ડેસ્ક”

સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે આવેલી કોવીડ કેર હોસ્પિટલમાં ૨૪ કલાક કાર્યરત ‘હેલ્પ ડેસ્ક’ અને વિશ્રામ ડોમ દર્દી તથા પરિવારજનો માટે બન્યા આશીર્વાદરૂપ

અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ

રાજકોટ,૨૭ સપ્ટેમ્બર: ગુજરાત સરકારે કોરોનાના દર્દીઓ ઉપરાંત તેમના પરિવારને પણ હુંફ અને માનસિક સધિયારો આપવાનું આયોજન કર્યું છે. આ માટે દરેક કોવીડ-૧૯ હોસ્પિટલ ખાતે દર્દીઓના સ્વાસ્થ્યની જાણકારી તેમના પરિવારને મળે તે માટે “હેલ્પ ડેસ્ક” નું આયોજન કર્યું છે. જે કોરોના દર્દી અને તેના પરિજનો વચ્ચે સેતુરૂપ બની રહયું છે. આવું જ એક “હેલ્પ ડેસ્ક” સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે આવેલી કોવીડ કેર હોસ્પિટલમાં કાર્યરત છે. જ્યાં દર્દીની જરૂરિયાતો મુજબ સંબંધિત વસ્તુઓનું પાર્સલ સીધું દર્દી પાસે પહોંચી જાય અને દર્દીના સગા સારવાર આપતા તબીબ સાથે પણ વાતચીત કરી શકે છે.

આ હેલ્પ ડેસ્કની સેવાનો લાભ લેતા હોસ્પિટલમાં દાખલ એક દર્દીના સ્વજન નરેન્દ્રભાઈ ધોળકિયા જણાવે છે કે,”અહીં મારા મોટાભાઈ દાખલ છે, મારે જયારે પણ તેમની સાથે વાતચીત કરવી હોય ત્યારે વિડીયો કોલના માધ્યમથી અહીં ફરજપરના કર્મચારીઓ મારી વાતચીત કરાવી દે છે, અને અમારે ફ્રૂટ, કપડાં કે અન્ય કોઈ પણ વસ્તુ પહોચાડવી હોય ત્યારે અહીં હેલ્પ ડેસ્કમાં વસ્તુ આપી દઈએ એટલે તુરંત એ લોકો મારાભાઈ સુધી પહોંચાડી દે છે, જાણે અમારો પરિવાર અમારી મદદ કરતો હોય એમ અહીંના લોકો અમારી મદદ કરે છે, ખરેખર હોસ્પિટલની આ સેવા બિરદાવવા લાયક છે”  

આ હેલ્પ ડેસ્ક સેન્ટરમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર હરસુખભાઈ પરસાણીયા જણાવે છે કે” હેલ્થ ડેસ્ક પર રોજ દર્દીઓના સંબંધીઓના કોલ રિસિવ કરવામાં આવે છે. અને પરિવારજનોને દર્દી સાથે વિડીયો કોલ પર વાત કરાવવા ઉપરાંત icu ના દર્દીઓની સ્થિતિ પણ કોલ કરી પરિજનોને જણાવાય છે. આ ઉપરાંત, હેલ્પ ડેસ્ક દ્વારા સારવાર લઈ રહેલા દર્દીને તેમના સગાસંબંધી દ્વારા મોકલવામાં આવતાં કપડા, સુકો નાસ્તો, મોબાઈલ, મોબાઈલ ચાર્જર જેવી જરૂરી ચીજવસ્તુઓ દર્દી સુધી સરળતાથી પહોંચાડવામાં આવે છે. સાથો સાથ દર્દીના પરિવારજનો માટે ખાસ વિશ્રામ ડોમનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં દર્દીના પરિવારજનો વિશ્રામ કરી શકે, ત્યાં પાણી, પંખા અને ખુરશી સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીં ‘હેલ્પ ડેસ્ક’માં કર્મચારીઓ ૨૪ કલાક રાઉન્ડ ધ ક્લોક ફરજ નિભાવી રહ્યાં છે.”

આમ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે આવેલી કોવીડ કેર હોસ્પિટલમાં દાખલ દર્દી અને સ્વજન વચ્ચે સેતુરૂપ બનતી હેલ્પડેસ્ક સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.