Vijay Rath Public Awareness

ભવાઈ દ્વારા કોરોનાથી બચાવના પગલાંઓ અંગે મનોરંજન સાથે જ્ઞાન આપવાનો સ્તુત્ય પ્રયાસ

Vijay Rath Public Awareness
  • જિલ્લામાં કોરોના અટકાયત માટે “કોવિડ-૧૯ વિજય રથ” દ્વારા યોજાશે જનજાગૃતિ કાર્યક્રમો
  • ભવાઈ દ્વારા કોરોનાથી બચાવના પગલાંઓ અંગે મનોરંજન સાથે જ્ઞાન આપવાનો સ્તુત્ય પ્રયાસ
  • વિજયરથ રાજ્યના ૩૩ જિલ્લાઓના ૯૦ તાલુકામાં અંદાજે ૪૪ દિવસ ફરશે

અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ

રાજકોટ, ૨૨ સપ્ટેમ્બર: રાજ્યમાં કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતું અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં ભારત સરકાર અને યુનિસેફ સંસ્થાના સહયોગથી પ્રચાર-પ્રસારની કામગીરી સુચારૂ રીતે થઈ શકે તેવા ઉમદા હેતુસર “કોવિડ-૧૯ વિજય રથ” નો પ્રારંભ કરવામાં આવ્યો છે. 

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલા આ રથ દ્વારા લોકોમાં કોરોના અટકાયતના વિવિધ પગલાંઓ જેમકે, માસ્ક પહેરવું, હાથ ધોવા તેમજ સામાજિક અંતર રાખવું, ભીડભાડવાળી જગ્યામાં જવાનું ટાળવું તથા કોરોના સંબંધિત કોઈપણ પ્રકારની મુશ્કેલી માટે ૧૦૪ નો સંપર્ક કરવા જેવી બાબતો લોકોને સરળતાથી સમજાઈ તે માટે ભવાઇના કાર્યક્રમો દ્વારા મનોરંજન સાથે માહિતગાર કરાશે.  

loading…

આ રથ રાજકોટ જિલ્લા કોર્પોરેશન વિસ્તાર, ગોંડલ, સરધાર, આટકોટ, ત્રંબા સહિત રાજ્યના ૩૩ જિલ્લાઓના ૯૦ તાલુકામાં અંદાજે ૪૪ દિવસ સુધી પ્રવાસ કરશે. 

આ રથના જિલ્લા પંચાયત રાજકોટ ખાતે આગમનને વધાવતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારીશ્રી મિતેશકુમાર ભંડેરીએ તેને લીલી ઝંડી આપી જિલ્લાના તમામ વિસ્તારોમાં સફળ કાર્યક્રમો દ્વારા જાગૃતિ ફેલાવવા માટે શુભેચ્છા પાઠવી હતી. સાથોસાથ લોકોને કોરોના અટકાયત માટેની સરકારી સૂચનાઓનાં પાલન માટે અનુરોધ કર્યો હતો.

Reporter Banner FINAL 1