આંતરજ્ઞાતિય લગ્ન કરનાર ૫૯ લાભાર્થીઓને રૂ.૫૩.૫૦ લાખની સહાય મળી

રાજ્ય સરકારનો અનુસૂચિત જાતિ કલ્યાણનો સંકલ્પ એ તેજસ્વી વિદ્યાર્થીઓને ફળ્યો: સામાન્ય પરિવારોના તેજસ્વી તારલાઓને વિદેશમાં ઉચ્ચ શિક્ષણનો મોકો મળ્યો…
- વડોદરાની પ્રિયાંકી મકવાણા અને મિતેશકુમાર પરમારનું વિદેશમાં ઉચ્ચ અભ્યાસનું સપનું થયું સાકાર
- પ્રિયાંકી મકવાણા ન્યૂઝીલેન્ડમાં ફૂડ પાર્લરનો વ્યવસાય કરે છે:
- મિતેશ પરમાર યુ.કે.માં એમ.બી.એ.નો ઉચ્ચ અભ્યાસ કરે છે
- વડોદરા જિલ્લામાં અનુસૂચિત જાતિઓના સર્વાંગી વિકાસ માટે નોંધપાત્ર કામગીરી
અહેવાલ: બી.પી.દેસાઈ ,વડોદરા
વડોદરા,૧૦ સપ્ટેમ્બર: અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જઈ શકે ખરા.. એ પણ સરકારી યોજનાનો લાભ લઈને ! તો તેનો જવાબ છે. હા, વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે નાણાંના અભાવે હવે કોઈ અનુસૂચિત જાતિનો વિદ્યાર્થી વિદેશ અભ્યાસથી વંચિત રહેશે નહીં. ગરીબો- પીડિતો – શોષિતો અને વંચિતોના સર્વાંગી વિકાસને વરેલી સંવેદનશીલ રાજ્ય સરકારે વડોદરાની પ્રિયાંકી નટવરભાઈ મકવાણા અને ડભોઈ તાલુકાના નારિયાના મિતેશકુમાર પરમારનું વિદેશમાં ઉચ્ચ અભ્યાસનું સપનું સાચે જ સાકાર કર્યું છે.
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ડો. આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૫ લાખની લોન ચાર ટકાના નજીવા વ્યાજ દરે આપવામાં આવે છે. વડોદરા જિલ્લામાં ડો. આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં કુલ ૨૭ વિદ્યાર્થીઓને રૂ.૪૦૫ લાખની લોન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.

વડોદરાની પ્રિયાંકી મકવાણાએ રાજ્ય સરકારની આ યોજના હેઠળ રૂપિયા પાંચ લાખની લોન લઈ ન્યૂઝીલેન્ડમાં ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટનો ઉચ્ચ અભ્યાસ કર્યો અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પ્રિયાંકી હાલમાં ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં સ્થાયી થઈ ફૂડ પાર્લરનો વ્યવસાય કરે છે તેના પતિ પણ ફાર્માસીસ્ટ છે.
પ્રિયાંકીના પિતા શ્રી નટવરભાઈ મકવાણાએ એક મુલાકાતમાં જણાવ્યું કે, ડો. આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના એ વિદ્યાર્થીઓના જીવનમાં બદલાવ લાવનારી યોજના છે. વિદ્યાર્થીઓનું વિદેશમાં ભણવાનું આ યોજના થકી શક્ય બનવા સાથે તેઓને વિદેશનું નવજીવન પણ મળ્યું છે. અનુસૂચિત જાતિના વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા તમામ વિદ્યાર્થીઓએ આ યોજનાનો બહોળા પ્રમાણમાં લાભ લેવો જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું.
મારા પરિવારના દસ સભ્યો ન્યૂઝીલેન્ડ, કેનેડામાં સ્થાયી થયા છે તેમ જણાવતા નટવરભાઈ ઉમેરે છે કે, પ્રિયાંકીએ રૂપિયા પાંચ લાખની લોનની સંપૂર્ણ ભરપાઈ પણ કરી દીધી છે.
તો ડભોઈ તાલુકાના નારિયાના મિતેશકુમાર પરમાર પણ જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારીની કચેરી મારફત રૂપિયા ૧૫ લાખની લોન મેળવી યુ.કે.માં એમ.બી.એ.નો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે.

મિતેષકુમારના પિતા રમેશભાઇ પરમાર જણાવે છે કે, સરકારની યોજના થકી મારા પુત્રને હું વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મોકલી શક્યો છું. અમારા જેવા સામાન્ય પરિવારના વ્યક્તિ પાસે બાળકોને વિદેશમાં ભણવા મોકલવા માટે આટલી મોટી રકમ ખર્ચી શકવાની સદ્ધરતા ન હોય તે સ્વાભાવિક છે, પરંતુ સરકારની આ એક યોજનાથી આ શક્ય બન્યું છે. અનુ.જાતિઓના શૈક્ષણિક વિકાસ માટે રાજ્ય સરકાર સરાહનીય કામગીરી કરી રહી છે. વડોદરા જિલ્લાની વાત કરીએ તો, જિલ્લામાં અનુ.જાતિઓની વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ ૨૧,૬૮૬ લાભાર્થીઓને રૂ.૨૩૯૮.૫૧ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટે રાજય સરકાર દ્વારા સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલમાં મૂકવામાં આવી છે. આર્થિક અને શૈક્ષણિક ઉત્કર્ષ સહાય યોજનાઓના અમલીકરણ થકી અનુસૂચિત જાતિઓના સર્વગ્રાહી વિકાસ માટે રાજય સરકાર પ્રતિબધ્ધ છે.
ગરીબી રેખા નીચે જીવતા રાજયના અનુસૂચિત જાતિના વ્યકિતઓને લોન અને સહાયના સ્વરૂપમાં નાણાકીય મદદ પૂરી પાડી તેઓને નિશ્વિત સમય-મર્યાદામાં ગરીબ રેખામાંથી બહાર લાવવાનો હેતુ છે. અનુસૂચિત જાતિઓનો સંપૂર્ણ વિકાસ થાય અને તેઓ સમાજમાં સ્વમાનભેર જીવન જીવી શકે, તે માટે રાજય સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. જેમાં રાષ્ટ્રીય અનુસૂચિત નાણા અને વિકાસ નિગમ (NSFDC) દ્વારા સીધા ધિરાણની યોજના, રાજ્ય સરકાર દ્વારા સીધા ધિરાણની યોજના, બેંકેબલ યોજના, તાલીમ યોજના અને શૈક્ષણિક સ્કોલરશીપનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લામાં વર્ષ ૨૦૧૯-૨૦૨૦ દરમિયાન પ્રિમેટ્રિક સ્કોલરશીપ હેઠળ ૧૫,૧૦૭ લાભાર્થીઓને રૂ.૨૨૫.૯૫ લાખ, પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ હેઠળ ૫,૧૭૬ લાભાર્થીઓને રૂ.૧૪૫૪.૬૬ લાખની સહાય ચૂકવવામાં આવી છે. આંબેડકર આવાસ યોજના હેઠળ ૨૬૧ લાભાર્થીઓને રૂ.૧૦૭.૭૪ લાખની સહાયથી લાભાન્વિત કરવામાં આવ્યા છે.
આંતરજ્ઞાતિય લગ્ન કરનાર ૫૯ લાભાર્થીઓને રૂ.૫૩.૫૦ લાખની સહાય તથા કુંવરબાઇનું મામેરૂ યોજના હેઠળ ૧૫૦ લાભાર્થીઓને રૂ.૧૫ લાખની સહાય મળી છે. અંત્યેષ્ઠિ સહાય હેઠળ ૧૭૭ લાભાર્થીઓને રૂ.૮.૮૫ લાખ અને શૈક્ષણિક તેમજ વિદેશ અભ્યાસ અર્થે ૨૭ લાભાર્થીઓને રૂ.૪૦૫ લાખ ચૂકવવામાં આવ્યા છે.

સરસ્વતી સાધના યોજના હેઠળ ૬૦૨ વિદ્યાર્થિનીઓને શાળાએ જવા માટે સાયકલ આપવામાં આવી છે. એટ્રોસીટી કેસમાં ૧૨૭ લાભાર્થીઓને રૂ.૧૨૭.૮૧ લાખની સહાય ચૂકવવામાં આવી છે. રાજ્ય સરકારની અનુ.જાતિઓ માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલને કારણે વડોદરા જિલ્લામાં અનુ.જાતિઓનો સર્વાંગીણ વિકાસ થઇ રહ્યો છે.