Internal Transfer team CIVIL 2

હોસ્પિટલમાં શિફ્ટ કરવાની જવાબદારી સુપેરે નિભાવતા ૨૧ MBBS તબીબ વિદ્યાર્થીઓ

Internal Transfer team CIVIL 2

સુરતમંગળવાર: હાલ કોરોનાની વાયરસના સંક્રમણથી તબીબો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ કોરોનાગ્રસ્તોની રાતદિવસ મહેનત કરી વધુને વધુ દર્દીઓ સ્વસ્થ થઈને તેમના ઘરે પરત જાય એવાં ધ્યેય સાથે સારવાર આપી રહ્યા છે, ત્યારે ફાઈનલ વર્ષ એમ.બી.બી.એસના વિદ્યાર્થીઓ પણ મદદરૂપ થઈને પોતાની ફરજ બજાવી રહ્યા છે. કોરોના દર્દીઓને પ્રશિક્ષિત તબીબી ટીમ દ્વારા સંપૂર્ણ કાળજી સાથે નવી સિવિલ કેમ્પસની એક બિલ્ડીંગમાંથી નવી બનેલી સ્ટેમ સેલ કોવિડ-૧૯ બિલ્ડીંગમાં ટ્રાન્સફર કરે છે.
ટ્રાન્સફર કરતી વખતે અન્યને ઇન્ફેકશન ન લાગે અને દર્દીના સ્વાસ્થ્યમાં કોઈ પ્રકારની સમસ્યા ન ઉભી થાય એ હેતુથી સિવિલ તંત્ર દ્વારા ‘ઈન્ટરનલ ટ્રાન્સફર ટીમ’ બનાવવામાં આવી છે. આ ટીમ કોવિડના એક વોર્ડથી બીજા વોર્ડમાં શિફ્ટ કરવાનું કાર્ય પણ કરે છે. ગવર્નમેન્ટ મેડિકલ કોલેજના છેલ્લા વર્ષના ૨૧ જેટલાં MBBS તબીબ વિદ્યાર્થીઓએ વોલિન્ટયર તરીકે સ્વની પરવા કર્યા વિના કોરોનાગ્રસ્ત દર્દીઓની ઈન્ટરનલ ટ્રાન્સફરની જવાબદારી સંભાળી રહ્યા છે.

MBBS Student

સુરત નવી સિવિલ હોસ્પિટલ કોવિડ-૧૯ નોડલ ઓફિસર ડો. અશ્વિન વસાવાએ જણાવ્યું કે, કોરાનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મેડિકલ કોલેજના એમ.બી.બી.એસના ૧૫૦ વિદ્યાર્થીઓની સેવા લેવામાં આવી રહી છે. જે પૈકી ૨૧ તબીબ વિદ્યાર્થીઓ કોવિડ હોસ્પિટલના દર્દીઓની ઇન્ટર ટ્રાન્સફર ટીમમાં ખૂબ જ ઉત્સાહથી જોડાયા છે. દર્દીઓને સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગથી ૧૦૦૦ બેડની કોવિડ-૧૯ ડેડિકેટેડ સ્ટેમસેલમાં હોસ્પિટલમાં શિફટ કરવામાં માટે ‘ઈન્ટરનલ ટ્રાન્સફર ટીમ’ ૨૪ કલાક કાર્યરત છે. કોરોના ઇન્ફેક્શનના જોખમ વચ્ચે પણ હિંમત દાખવી આ કાર્યમાં જોડાયા છે. પરિવાર તરફથી મળતા પ્રોત્સાહન અને સિનીયર તબીબોની પ્રેરણાથી વિદ્યાર્થીઓ બમણા જોશથી સિવિલ તંત્ર સાથે ખભેખભા મિલાવી સેવા આપી રહ્યા છે.


નવી સિવિલ હોસ્પિટલમાં મૂળ બિલીમોરાના વતની અને છેલ્લા ચાર વર્ષથી ગવર્નમેન્ટ મેડિકલ કોલેજના એમ.બી.બી.એસ છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ડો.ભાગ્યેશ પટેલ સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોલિન્ટયર તરીકે કામગીરી કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, ‘અમે સ્ટેમ સેલ બિલ્ડીંગની કોવિડ -૧૯ હોસ્પિટલમાં ટેસ્ટ કર્યા બાદ જુદા જુદા વોર્ડમાં દર્દીઓને શિફ્ટ કરીએ છીએ. છેલ્લા એક મહિનાથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના ઈન્ટરનલ ટ્રાન્સફર ટીમમાં વોલિન્ટયર તરીકે હું જોડાયો ત્યારે અમે વિચાર્યું હતું કે, આ કામ ઘણું સરળ હશે. પણ જ્યારે અનુભવ થયો ત્યારે જણાયું કે, આ કામ ઘણું મુશ્કેલ અને મહેનત માંગી લે છે. ઘણા દર્દીઓને એમ્બ્યુલન્સ, તબીબો અને સ્ટાફની મદદથી સાવચેતીપૂર્વક આસપાસમાં કોઈ સંક્રમિત ન થાય તનું સંપૂર્ણ ધ્યાન રાખીને એક બિલ્ડીંગથી બીજી બિલ્ડીંગના કોવિડ વોર્ડમાં કરીએ છીએ. આ કાર્ય ઘણું જવાબદારીવાળું હોય છે.

Dr Jainil Patl Internal Transfer team CIVIL


મૂળ નવસારીના વતની અને છેલ્લા ચાર વર્ષથી નવી સિવિલ હોસ્પિટલની બોયઝ હોસ્ટેલ ખાતે રહી એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતાં ડો. કિર્તીકુમાર બોરિચા પણ વોલિન્ટીયર તરીકે દર્દીઓની સેવા કરી રહ્યાં છે. ડો.બોરિચાએ જણાવ્યું કે, સૌપ્રથમ કોવિડ સ્ટેમ સેલ બિલ્ડીંગમાં કોરોના ટેસ્ટ માટે આવતા દરેક દર્દીનો કોવિડ રિપોર્ટ કરવામાં આવે છે. ત્યારબાદ કોરોના પોઝિટિવ અને નેગેટિવ દર્દીઓને અલગ કરી એમ્બ્યુલન્સ મારફત તબીબો અને સ્ટાફની સહાયથી કોવિડ વોર્ડમાં ટ્રાન્સફર કરીએ છીએ. અમને ગર્વ છે કે આ કાર્યમાં દર્દીઓ સાથે પ્રશાસન અને સિવિલ હોસ્પિટલ તંત્ર તરફથી પૂરતો સહયોગ મળી રહ્યો છે. અમને ખાસ તાલીમ વર્ગોમાં જરૂરી તાલીમ આપવામાં આવી છે.


વોલિન્ટીયર ટીમના અન્ય સાથી ડો. જૈનિલ પટેલ પોતાનો સુર પૂરાવતા જણાવે છે કે, વોલિન્ટયર બનીને ઈન્ટરનલ ટ્રાન્સફર ટીમ દ્વારા અમે દર્દીઓની સેવામાં ભાગીદાર બન્યા છીએ. સુરત સિવિલ હોસ્પિટલની અમારી આ પહેલી એવી ટીમ છે કે જે એમ.બી.બી.એસ. વોલિન્ટયર તબીબોની નિગરાની હેઠળ દરેક દર્દીને એક વોર્ડથી બીજા વોર્ડમાં આગળની સારવાર માટે ટ્રાન્સફર કરીએ છીએ.