Screenshot 20200429 165959 01

ગ્રીન ઝોનવાળા જિલ્લામાં એસટી બસોમાં 30 મુસાફરોના વહન કરવાની છૂટ અપાઈ : ટેક્સી કે કેબમાં ડ્રાઇવર + અન્ય બે લોકો મુસાફરી કરી શકશે

કોરોના સંક્રમણને અટકાવવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકા અનુસાર ગુજરાતમાં લૉકડાઉનનો કડક અમલ કરાશે

  • મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિની કુમાર
    …..
    :: મુખ્યમંત્રીશ્રી દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયો ::
    • રેડ ઝોનમાં આવતા અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગરમાં વધારાની કોઈ છૂટછાટ નહીં
    • ઓરેન્જ ઝોનમાં આવતા રાજકોટ મહાનગરમાં પણ કોઈ છૂટછાટ નહીં
    • રેડઝોનના બોપલ, બોટાદ, ખંભાત, બારેજા, ગોધરા, ઉમરેઠ નગરપાલિકામાં પણ કોઈ છૂટછાટ વિના લૉકડાઉનનો કડક અમલ કરાશે
    રાજ્યના તમામ ઝોનમાં આગામી બે સપ્તાહ સુધી તમાકુ, પાન-મસાલા, બીડી અને વેચાણ પરવાનો ધરાવતી લિકર શોપ ખોલી શકાશે નહીં
    • ગ્રીન ઝોનવાળા જિલ્લામાં એસટી બસોમાં 30 મુસાફરોના વહન કરવાની છૂટ અપાઈ : ટેક્સી કે કેબમાં ડ્રાઇવર + અન્ય બે લોકો મુસાફરી કરી શકશે
  • • રાજ્યમાં સાંજે 7 થી સવારે 7 સુધી કોઇપણ ઝોનમા બહાર અવરજવર કરવા દેવાશે નહીં
    • અગાઉ જીવન જરૂરી ચીજવસ્તુઓના વહન માટે આપેલા પાસ આગામી 17 મે સુધી માન્ય-રીન્યુ કરવાની જરૂર નથી.
    • જૂનાગઢ અને જામનગર મહાનગરપાલિકા સહિત રાજ્યની 156 નગરપાલિકાઓમા ક્રમબદ્ધ છૂટછાટો અપાશે : નિયમોનું પાલન કરીને ઉદ્યોગો શરૂ કરી શકાશે
    • મુસ્લિમ ભાઈઓએ પણ રમજાનના પવિત્ર માસમાં પોતાના ઘરમાં જ રહીને ઈબાદત કરવા મુખ્યમંત્રીશ્રીની અપીલ
    ……

કોવિડ-19ના સંક્રમણને રોકી કોરોનાની વૈશ્વિક મહામારીને હરાવવા ભારત સરકાર ના દિશા નિર્દેશો ને પગલે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને ઉચ્ચકક્ષાની બેઠકમાં લૉકડાઉન લંબાવવા અને તેના ચૂસ્ત અમલ કરવા અંગે કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકિમ અને મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી કે . કૈલાસનાથન, મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ શ્રી એમ. કે. દાસ, મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમાર વગેરેએ ઉપસ્થિત રહી લૉકડાઉન લંબાવવા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી.
સમગ્ર ભારતમાં અમલમાં મુકવામાં આવેલ લૉકડાઉન 3.0નો સમયગાળો તારીખ ૧૭મી મે ૨૦૨૦ સુધી લંબાવવામાં આવેલ છે. જે અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકા અનુસાર ગુજરાતમાં લૉકડાઉનના કડક અમલ સંદર્ભે આ બેઠકમાં લેવાયેલ નિર્ણયોની છણાવટ સાથે વધુ વિગતો આપતાં મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, લોકોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને રાજ્યના રેડઝોનમાં આવેલા પાંચ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગરમાં કોઈ જ વધારાની છૂટછાટ આપવામાં આવી નથી. ઓરેન્જ ઝોનમાં આવેલા રાજકોટ મહાનગરપાલિકાને પણ કોઈ જ વધારાની છૂટછાટ આપવામાં આવી ન હોઇ લોકો રેડઝોનની જેમ જ લૉકડાઉનનું પાલન કરવામાં સહકાર આપે.
આ ઉપરાંત રેડઝોનમાં આવેલા બોટાદ, બોપલ, ખંભાત, બારેજા, ગોધરા, ઉમરેઠ એ છ નગરપાલિકા વિસ્તારોમાં પણ છૂટછાટમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી કે કોઇ વધારાની છૂટછાટ આપવામાં આવી નથી. આ જાહેર કરાયેલા રેડઝોન વિસ્તારમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ વ્યવસાય, ખાનગી કચેરીઓ શરૂ કરી શકશે નહીં એમ જણાવી શ્રી અશ્વિનીકુમારે આ વિસ્તારોમાં જીવન જરુરિયાતની વસ્તુઓ જેવી કે દૂધ, અનાજ, કરિયાણા, શાકભાજી, ફ્રૂટ, અને દવા સિવાય કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગર વગેરે મહાનગરપાલિકાઓમાં કારોનાના પોઝીટીવ કેસોનું પ્રમાણ વધુ હોવાથી આ મહાનગરપાલિકાઓ વિસ્તારોમાં લોકડાઉનનુ કડક અને સખ્તાઇથી પાલન કરવામાં આવશે તેની સાથે જ જ્યાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધુ છે તેવા જિલ્લાઓમાં પણ લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવમાં આવશે તેમ પણ જણાવ્યું હતું

રાજય સરકારે અગાઉ ૨૦મી એપ્રિલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ કરવા મંજૂરી આપી હતી જેમાં મોટા પ્રમાણમાં શ્રમિકો હાલમાં રોજગારી મેળવી રહ્યાં છે. તેનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે, હવે જામનગર અને જૂનાગઢ મહાનગરપાલિકા સહિત ૧૫૬ નગરપાલિકાઓમાં ભારત સરકારના દિશાનિર્દેશો મુજબ ઉદ્યોગોને ચાલુ કરવાની ક્રમબદ્ધ રીતે પરવાનગી આપવામાં આવશે. ઉદ્યોગોના માલિકોએ કામે આવતા કર્મચારીઓ – શ્રમિકોને કામના સ્થળે આવવા-જવાની વ્યવસ્થા, માસ્કનો ફરજિયાત ઉપયોગ, થર્મલ સ્ક્રિનીંગથી તાવ-ટેમ્પરેચરની તપાસ, શરદી, તાવ, ઉધરસ જેવાં લક્ષણો જોવા મળે તો, નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવાની વ્યવસ્થા સાથે આ કર્મચારી-લેબરોનો લંચ ટાઈમ, કામના અલગ-અલગ સમય સ્ટ્રેગરિંગ તેમજ સોશીયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પાલન કરવાનું રહેશે.
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા લોકોની બીનજરૂરી અવરજવર અને ભીડને રોકવા માટે તમામ ઝોનમાં એટલે કે સમગ્ર ગુજરાતમાં આગામી બે અઠવાડિયા સુધી પાન-મસાલાની દૂકાનો અને વેચાણ પરવાનો ધરાવતી દારૂની દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે તેમ સચિવશ્રીએ જણાવ્યું હતુ.
રાજ્યના ઓરેન્જ અને ગ્રીનઝોન તરીકે જાહેર થયેલા વિસ્તારોમાં હેરકટીંગ સલૂન, બ્યુટીપાર્લર, ટી સ્ટોલ અને ચા-કોફીની દુકાન ચાલુ કરી શકાશે. પરંતુ ટી સ્ટોલ ઉપર ડિસ્પોઝેબલ કપ/ગ્લાસનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે.તેમ ઉમેર્યું હતું.
ગ્રીનઝોનવાળા જિલ્લામાં એસટી બસોમાં 50 ટકા એટલે કે 30 મુસાફરોનું વહન કરી શકાશે. જો આનાથી વધુ મુસાફરો વહન કરતાં પકડાશે તો ડ્રાઈવર અને કંડકટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગ્રીનઝોન વિસ્તારો પૂરતા આંતરજિલ્લા અને જિલ્લાની આંતરિક બસ સેવાઓ શરુ થઇ શકશે.
ઓરેન્જ અને ગ્રીનઝોન વિસ્તારોમાં ટેક્સી કે કેબમાં ડ્રાઇવર અને તેની સાથે અન્ય બે જ લોકો મુસાફરી કરી શકશે. રાજ્યમાં સાંજે 7 થી સવારે 7 સુધી કોઇપણ ઝોનમાં બહાર અવરજવર કરવા દેવાશે નહીં. અગાઉ જીવન જરૂરી ચીજવસ્તુઓના વહન માટે આપેલા પાસ આગામી 17 મે સુધી ભરેલા કે ખાલી માલવાહક વાહનોને સમગ્ર રાજ્યમાં વગર રોકટોકે અવરજવરની છૂટ આપવામાં આવી છે. અગાઉના લોકડાઉનના સમય દરમિયાન આવશ્યક સેવાઓ અને ચીજ વસ્તુઓના વેચાણકારોને આપવામાં આવેલા પાસ ફરીથી રીન્યુ કરાવવાના રહેશે નહીં. તેની મુદતમાં હાલના લોકડાઉનના સમયનો વધારો આપોઆપ કરી દેવામાં આવશે. ઓરેન્જ અને ગ્રીન ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં હેરકટીંગ સલૂન, બ્યુટીપાર્લર અને ચા-કોફીની દુકાન – ટી સ્ટોલ ખુલ્લા રાખી શકાશે તેમ તેમણે ઉમેર્યું હતું.
સચિવશ્રીએ કહ્યું હતુ કે, અગાઉ ચૈત્રી નવરાત્રી, રામનવમી અને હનુમાન જયંતી જેવા હિંદુ તહેવારો હિંદુ ભાઈ-બહેનોઓએ ઘરમાં રહીને જ ઊજવ્યા તેમ મુસ્લિમ ભાઈઓને પણ રમજાનના પવિત્ર માસમાં પોતાના ઘરમાં જ રહીને ઈબાદત કરવા મુખ્યમંત્રીશ્રીએ મુસ્લિમ ભાઈ-બહેનોને અપીલ કરી હતી તેમ તેમણે ઉમેર્યું હતુ.