eric ward 7KQe 8Meex8 unsplash scaled

જિંદગીને પણ પાણીની જેમ વહેતી જ રાખવી જોઈએ

Dr Bela Donga 2
ડો. બેલા દોંગા
વેદા હેલ્થ ક્લિનિક, અમદાવાદ

“Pirates of the Caribbean”

મૂવીથી લગભગ બધા પરિચિત જ હશે. આ ફિલ્મમાં કેપ્ટન જેક સ્પેરો એક સ્થિતિમાં ફસાઇ જાય છે, જેમાં ચાંચીયાઓ તેને પકડી લે છે અને મારી નાખવાની તૈયારીમાં હોય છે. ત્યાં જેકને બચવાનો કોઈ માર્ગ સૂઝતો નથી પણ અચાનક જ એક જ શબ્દ એનો જીવ બચાવી લે છે. એ શબ્દ ત્યાં ફિલ્મમાં હોય છે, “વાત ચીત”. મૃત્યુ નજીક પહોંચેલો માણસ વાતચીતનો અધિકાર રાખે છે, એવો ચાંચીયાઓનો નિયમ હોય છે. જે નિયમના નામે જેક જીવ બચાવવામાં કામિયાબ થાય છે વગેરે વગેરે… હું એ ફિલ્મની વાર્તા કહેવા નથી માંગતી પણ મને એ શબ્દ બહુ પસંદ આવ્યો એટલે ખુદની રોકી નથી શકતી એના વિશે ચર્ચા કર્યા વગર. જો ચાંચિયા જેવા વ્યક્તિ કે જેમના મિજાજ, વર્તન કે વાણીના કોઈ જ નિયમ ન હોય એ લોકો પણ આ નિયમ પાળતા હોય તો આના વિશે આપણે એક વાર તો વિચારવું જ જોઈએ એવું નથી લાગતું?

હું થોડોક સંદર્ભ બદલાવું છું. રોજિંદા જીવનમાં એવી ઘણી બધી બાબતો હશે જો એક વાર આમને સામને બેસીને વાત કરી હોત તો એ બાબતોનું સમાધાન જે આવ્યું એના કરતાં જુદું આવ્યું હોય શકે, એવું બની શકે. વિસ્તૃત કરીને સમજાવું તો માની લો છોકરો-છોકરી એકબીજાને ચાહે છે, પણ જરૂરી નથી કે એ બધી જ બાબતો 51412 કરતા હોય એક બીજા સાથે.ઘણીવાર છોકરીઓને મોટેભાગે મનમાં એવું હોય કે, “આ થોડી કહેવાનું હોય? આ તો એણે સમજવું પડે ને?” છોકરાઓને પણ સામે પક્ષે એવું જ થતું હોય છે. પણ ગુજરાતીમાં એક કહેવત છે, “મનમાં ઘરઘવું ને મનમાં પરણવું”. આ સ્થિતિમાં રહેવા કરતાં વાતચીત કરી લો તો ઝઘડાનો અંત ન આવી જાય? પણ આ વાતચીત જ થતી નથી એટલે ઘણા બધા સંબંધો પર પૂર્ણવિરામ આવી જાય છે

eric ward 7KQe 8Meex8 unsplash 1

પતિ-પત્નીની વાત કરું તો ઘણા બધા ઘરોમાં આ તકલીફ સામાન્‍ય થવા લાગી છે. સ્ત્રીઓ હવે પગભર થતી થઈ છે એટલે કદાચ એમનામાં પણ એક છૂપો અહંકાર ઘર કરવા લાગ્યો છે, કે હું શું કામે સામેથી બોલું? એનો વાંક છે એ મને મનાવશે. સામે પક્ષે પુરુષની તો પ્રકૃતિ સાથે થોડો અહંકાર જોડાયેલો જ છે, તો એ પણ એમ જ વિચારશે. બંનેમાંથી કોઈ વાતચીત કરવા તૈયાર નહીં હોય. ક્યારેક પરિસ્થિતિ હદ કરતાં વધુ વણસી જાય તો અંતમાં છૂટાછેડા સુધીની નોબત આવી જતી જતી હોય છે. પણ આટલા કઠોર નિર્ણય ન લેતાં એકવાર બંનેએ વાતચીત કરી હોય તો? તો કદાચ એમના સંબંધો આજે પહેલાં કરતાં વધારે સુમધુર હોય ને? પણ આ વાત સમજતાં બહુ સમય લાગે છે અને જ્યારે સમજાય છે ત્યારે સમય નથી હોતો. વાતચીત કરવાથી ફિલ્મના એક પાત્રનો જીવ બચતો હોય તો શું આપણા સંબંધો નહીં બચી શકે?

Photo by Ben White on Unsplash

જિંદગી બહુ નાની હોય છે મિત્રો. થોડોક અહંકાર ઓછો કરી જો સામેથી વાતચીત શરૂ કરવાથી સંબંધો સુધરી શકતા હોય તો કેમ નહીં? આ નાની નાની તકલીફોના લીધે જ આપણે મોટી ખુશીઓથી વંચિત રહી જઈએ છીએ. દરેકને ડ્રાઈવિંગ વખતે સીધો રસ્તો જ ગમે છે પણ એ સીધા રસ્તા સુધી પહોંચવા વચ્ચે આવતાં ખાડા ખાબોચિયા ને તો પાર કરવા જ પડશે. જો એ ખાડાઓમાં જ અટવાયેલા રહીશું તો સીધા રસ્તા પર કેવી રીતે પહોંચાશે?

હંમેશા આગળ વધતા રહેવું જ જિંદગી છે. એક જગ્યા પર પડી રહેતું પાણી પણ ગંધાઇ જતું હોય છે. જિંદગીને પણ પાણીની જેમ વહેતી જ રાખવી જોઈએ. નાની મોટી તકલીફોને વાતચીત કરીને ત્યાંને ત્યાં જ સુધારી લેવી જોઈએ. બસ આ એક વાતચીતનું નાનકડું પગલું જીવનના સુખના દ્વાર ખોલવા માટેનું એક માધ્યમ હોય એવું નથી લાગતું?

Reporter Banner FINAL