CM at Umarpada Sinchai Yojna 7

આદિવાસી ક્ષેત્રમાં જળક્રાંતિથી વિકાસની સમૃદ્વિના નવા દ્વાર દ્વાર ખુલશે: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

CM Vijay Rupani Khad Muhurt Umarpada Surat.
  • રાજ્યમાં આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે રૂા.૩૭૦૦ કરોડના ખર્ચે ૧૦ જેટલી સિંચાઇ યોજનાઓ અમલી બનાવી છે
  • દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તાર ઉમરપાડા ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂા.૭૧૧ કરોડના ખર્ચે તૈયાર થનારી તાપી-કરજણ લીંક પાઇપલાઇન સિંચાઇ યોજના અને રૂા.૫૦ કરોડના ખર્ચે સૈનિક સ્કુલનું ખાતમુહૂર્ત
  • ઉમરપાડા-ડેડીયાપાડા તાલુકો વિકાસની નવી તકો સાથે નંદનવન બનશે.
  • સૈનિક સ્કુલ આદિજાતિ યુવાનોમાં દેશદાઝની ભાવના કેળવવા આશીર્વાદરૂપ બનશે

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત

સુરત, ૦૫ ડિસેમ્બર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજય સરકારે આદિજાતિ ક્ષેત્રના સર્વતોમુખી વિકાસ માટે રૂા.૩૭૦૦ કરોડના ખર્ચે ૧૦ જેટલી સિંચાઇ યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓ આદિવાસી ક્ષેત્રમાં વિકાસના સમૃદ્વિના દ્વાર ખોલશે અને વનબંધુ વિસ્તારોમાં જળક્રાંતિથી વિકાસનો નવો યુગ શરૂ થશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીએ રૂા .૭૧૧ કરોડના ખર્ચે તૈયાર થનારી તાપી-કરજણ લીંક પાઇપલાઇન સિંચાઇ યોજનાનું સૂરત જિલ્લામાં ઉમરપાડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ખાતમુહૂર્ત કરતા આદિવાસી વિસ્તારના વિકાસની નવી તકો સાથે નંદનવન બનશે, તેવી પ્રતિબદ્વતા વ્યકત કરી હતી.તેમણે રૂા.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર સૈનિક સ્કુલનું પણ ઇ-ભુમિપુજન કર્યું હતું.

whatsapp banner 1

આ સિંચાઇ યોજના દ્વારા ઉમરપાડા-ડેડીયાપાડા તાલુકાના ૭૩ ગામોની ૫૩૭૦૦ એકર જમીનને સિંચાઇની સવલત મળશે. 53 માળ જેટલી ઉંચાઇ સુધી પાણી લઇ જઇને આ ઉદવહન સિંચાઇ યોજના ઇનજરી કૌશલ્યથી સાકાર થવાની છે. ઉમરપાડા-ડેડીયાપાડા તાલુકાના વિકાસ માટે સરકારના નિર્ણયની પ્રતિબદ્વતા વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જગતનો તાત ખરા અર્થમાં તાત બની, સમૃદ્વિ તરફ પ્રયાણ કરે તેવો રાજય સરકારનો આશય છે. પાણી એ વિકાસની પ્રાથિમકતા છે. ગુજરાત પાણીદાર બને એ માટે સુજલામ સુફલામ, સૌની યોજના સહિત અનેક યોજનાઓ વડે જગતના તાતના ખેતર સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા રાજય સરકારે કરી છે.

CM Khad Muhurt Umarpada

આદિવાસી સમાજનો ઇતિહાસ બલિદાન અને સમર્પણનો રહયો છે. દેશની આઝાદી માટે તેમના બલિદાનોને સરકાર કયારેય ભુલશે નહી. આદિવાસીઓ ખડતલ અને મહેનતું છે. આદિવાસી ક્ષેત્રના યુવાનોમાં સમર્પણ અને દેશભાવના કેળવાય તેવા આશય સાથે ઉમરપાડા તાલુકામાં અત્યાધુનિક સુવિધા સાથે દક્ષિણ ગુજરાતની પ્રથમ સૈનિક સ્કુલ બનશે. સૈનિક સ્કુલના વિદ્યાર્થી ઓ નેશનલ ડીફેન્સ એકેડમીમાં જોડાય અને ગુજરાત રેજીમેન્ટ બને તેવી મનસા તેમણે વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત વિદ્યાર્થીઓને આધુનિક સુવિધા સાથે ઉચ્ચત્તમ શિક્ષણ આપી. ગુજરાત એજયુકેશન ઇન્ડસ્ટ્રીઝનું હબ બને તેવા પ્રયાસો કરશે તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સમાજ-રાજય-રાષ્ટ્રના નિર્માણમાં અનેક પડકારો ઝીલી યુવાનોને કૌશલ્યબદ્વ સક્ષમ બનાવવા છે. ગુજરાતમાં વિશ્વ સ્તરની યુનિવર્સીટીઓ બની છે. ગુજરાતમાં પહેલા ૧૦ યુનિવર્સિટીઓ હતી, હવે ૭૦થી યુનિર્વિસટીઓ છે.

છેલ્લા બે દાયકાથી પ્રજાના નાણાં પ્રજાહિત માટે વપરાય, લોકહિતાર્થે કામો થાય, ભારતમાતા પરમવૈભવનું શિખર પ્રાપ્ત કરે એ દિશામાં સરકારે સુદઢ શાસન વ્યવસ્થા પ્રસ્થાપિત કરી છે. આધુનિક ટેકનોલોજી અને ટ્રાન્સપરન્સી સાથે લાભાર્થીઓને મળતા લાભ સીધા તેમના બેંક ખાતામાં જમા થાય છે. કોરોનાની સારવાર માટે રૂા. ત્રણ હજાર કરોડ, વરસાદથી થયેલા નુકશાનમાં રૂા. ૩૭૦૦ કરોડનું પેકેજ ખેડૂતોને આપ્યું છે. આ ઉપરાંત સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના હેઠળ કરોડો રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા થયા છે. દૃઢ સંકલ્પ અને પારદર્શિતા સાથે રાજય સરકાર કાર્ય કરી રહી હોવાનું પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

કોરોનાકાળમાં રાજયની વિકાસયાત્રા અટકી નથી તેની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, લોકહિતના કાર્યોને સરકારે કયારેય અટકવા દીધા નથી. છેલ્લા ચાર માસમાં રૂા.૧૭ હજાર કરોડના વિકાસકાર્યો અવિરત રહયા છે. કોરોના સંક્રમણને રોકવા સરકારે કરેલા પ્રયાસોની ICMR એ પ્રશંસા કરી છે તેમ તેમણે ઉમેર્યું હતુ. આ પ્રસંગે વન, આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે, તાપી મૈયાના પવિત્ર નીરથી ઉમરપાડા અને ડેડીયાપાડા તાલુકાના હજારો ખેડૂતોની જમીન ઉપજાઉ બનશે, ખેતરોમાં અનેકવિધો પાકો થકી સમૃદ્ધિની છોળો ઉડશે એમ જણાવી કાકરાપાર ગોડધા વડ ઉદ્દવહન સિંચાઈ યોજના પણ પૂર્ણતાના આરે હોવાનું ઉમેર્યું હતું.

Cm Khad Muhurt function Umarpada

ખેતી જેવી મહત્વની પાયાના વ્યવસાય માટે પૂરતી સિંચાઈ હોવી એ અનિવાર્ય જરૂરિયાત હોવાનું જણાવતાં શ્રી વસાવાએ કહયું કે, ઉદ્દવહન સિંચાઈ યોજનાઓ મારફતે ગામે ગામ સિંચાઈની જલસુવિધા ઉભી થવાથી ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખુલશે. ખેડૂતો, ગરીબો, શ્રમિકો, મહિલાઓ, બાળકો અને યુવાનોને વિકાસની દિશામાં દોરી જવાના પ્રયાસોને ઉમરપાડા અને ડેડીયાપાડાના આદિજાતિ ખેડૂતોએ સહર્ષ વધાવી લીધી છે, ત્યારે માત્ર સિંચાઈ જ નહીં પરંતુ આદિવાસી બાળકોને શિક્ષણ સાથે લશ્કરી તાલીમ આપી સંરક્ષણ ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્ય માટેની કેડી કંડારવામાં નિમિત્ત બનવાનો આનંદ છે એમ જણાવી મંત્રીશ્રીએ માંગરોળ વિધાન સભા વિસ્તારમાં થયેલા વિકાસકામોની હારમાળા વિશે વિગતવાર જાણકારી આપી હતી.
સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર હંમેશા આદિજાતિ નાગરિકો અને ખેડુતો માટે સકારાત્મક રહી છે. શિક્ષણ ક્ષેત્રમાં પણ ઉમરપાડા, માંગરોળ, માંડવી તાલુકામાં ઉમદા કાર્યો સાકાર થયા છે. આદિવાસી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ સુવિધા મળવાથી વર્ષમાં અનેકવિધ પાકો, શાકભાજી, ફળફળાદિનું ઉત્પાદન શક્ય બનશે. પરિણામે ખેડુતોના સર્વાંગી વિકાસનો માર્ગ પ્રશસ્ત થશે એમ શ્રી વસાવાએ ઉમેર્યું હતું.

સાંસદશ્રી મનસુખભાઇ વસાવાએ પ્રાસંગીક ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે,રાજ્ય સરકારે દુર્ગમ વિસ્તારોમાં પણ સિંચાઈ સુવિધા પૂરી પાડવાનું બીડું ઝડપ્યું છે. ઉમરપાડા અને ડેડીયાપાડા તાલુકાના ગામો ઊંચાઈમાં હોવાથી બમણો વરસાદ થવાં છતાં પણ શિયાળુ અને ઉનાળુ પાકો લેવા માટે પાણી વિના ખેડૂતો તરસતાં હતા. ઉચ્ચ ઇજનેરી કૌશલ્ય વડે પાણીને લિફ્ટ કરી આ વિસ્તારોની વર્ષો જૂની સિંચાઈની સમસ્યા ઉકેલાશે. આ ભગીરથ કાર્ય બદલ તેમણે રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે સરકારની કોવિડ ૧૯ની ગાઈડલાઇનનું સંપૂર્ણ પાલન કરાયું હતું. કાર્યક્રમ સ્થળે પૂરતી માત્રામાં માસ્ક, સેનિટાઈઝર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પ્રિતીબેન પટેલ, ઉમરપાડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ દરિયાબેન વસાવા, માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખશ્રી જગદીશ ગામીત, સુમુલ ડેરીના ચેરમેનશ્રી માનસિંગભાઈ પટેલ,ઉપપ્રમુખ રાજુભાઈ પાઠક, આદિજાતિ વિકાસ વિભાગના સચિવશ્રી અનુપમ આનંદ, જળસંપતિ વિભાગના સચિવ એમ.કે.જાદવ, જિલ્લા કલેક્ટરશ્રી ડો. ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.કોયા, ધારાસભ્યશ્રીઓ, સિંચાઈ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ, ખેડૂતો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…..