Banner Nilesh Dholakia

સદા તંદુરસ્ત હો તન, મન, ધન !

Banner Nilesh Dholakia

શું કરવાને રહેવું અવઢવ જેવું ? માણી લેવું બધું અવસર જેવું !
“મન”ને તો વાંધો રહેવાનો જ, ભલે થઇ જતું ચળવળ જેવું !
ભળીશું તે દિવસ જોયું જાશે ! આપણે વ્હેવું ખળખળ જેવું !
રોજે વ્હેરે છે જીવન થોડું થોડું, શ્વાસનું તો કેવું ? કરવત જેવું !
આથમવાની અહીં પરવા કોને ? જીવવુ ય જાણે ઝળહળ જેવું !

સાચે જ કહ્યું છે ને કોઈએ કે, સોશ્યલ નેટવર્કીંગ સાઇટ પર દોસ્તોના ઢગલા જડી આવે છે પણ વેદના ઠાલવવાના વિશ્વાસપાત્ર વિસામા ઘટતા જાય છે. પોતાના ગણી શકાય એવા લોકો જવલ્લે જ જડે છે. ઋતુ કરતાં પણ વધુ ઝડપે માણસ બદલાય છે. ટોળામાં માણસ એકલો પડી ગયો છે. ઘણી વખત લાગે કે આપણી આજુબાજુ કેટલા બધા છે પણ આપણને સમજે, સાંભળે અને સંભાળી રાખે એવા લોકો કાયમ આંગળીને વેઢે ગણાય તેટલા જ હોય છે ! અરે, કયારેક તો એટલા ય નથી હોતા !

ખોટી વ્યક્તિ પાસે વાત જાય તો આ ટેકનોલોજીના સમયમાં વાતનું વતેસર થતા વાર પણ ન લાગે અને એ ડર પણ અભિવ્યક્તિમાં મોટી રૂકાવટ લાવે છે. તકલાદી અને તકવાદી લોકો વચ્ચે દરેક જણ અહીં એકલો અટૂલો છે.

Whatsapp Join Banner Guj

દરેકના સંજોગો અલગ હોય છે એટલે ત્રાજવું લઈ તોલ્યા કરતાં, પૂછ્યા વગર, સમજ્યા વગર સલાહ શિખામણ આપનારાઓ કોઈને ગમતા નથી. કેટલાક એવા પણ હશે કે, પોતાની નાનકડી ભૂલ વિશે થતી જાહેર ચર્ચાઓ, મજાક વગેરે જીરવી નહી શકતા હોય, ડિપ્રેશનમાં આવી જતા હશે. શબ્દમાં ખૂબ વજન હોય છે. એ વજન ઘણી વખત જીવલેણ બને એ હદે ય ભારે હોય છે.

ખરેખર તો તમામને આડેધડ સંભળાવી દે એવાની નહીં પરંતુ સાંભળીને સંભાળી લે એવાની તાતી જરુર હોય છે. કોઈને નાસીપાસ, હતાશ કે ઉદાસ જોઈને તેમજ જીવનનો અંત આણતા જોઈને લાગે કે કાશ, એ નબળી ક્ષણોમાં કોઈ પ્રાણરક્ષક અડીખમ ખભો જડી આવ્યો હોત ! સંઘર્ષના સમયમાં કોઈ નજીક આવતું નથી અને સફળતા પછી કોઇને આમંત્રણ આપવું પડતું નથી !

માર્મિક વાત જાણીએ. સુવર્ણ અને લોખંડમાં અંતર શું છે !?
મોટે ભાગે બધાનો ઉત્તર સમાન હોય : સોનું બહુ મૂલ્યવાન છે. સોનાનું મૂલ્ય લોખંડથી ઘણું અધિક છે. વાત યોગ્ય પણ છે. પરંતુ આપણે એ વાત ભૂલવી ન જોઈએ કે સોનું શ્રૃંગારના કામમાં આવે છે જ્યારે લોખંડ સરહદે સામી છાતીએ ઉભા રહેતા સૈનિકોની ઢાલ અને તલવાર બનીને રક્ષા કરે છે, આપણા પ્રાણની રક્ષા કરે છે. સોનાનું મૂલ્ય વધારે હોવાથી લોખંડનું મૂલ્ય ઓછું નથી થતું, ક્યારેય નહીં !

એજ પ્રકારે જીવનમાં કેટલાય પ્રયાસો કેમ ના કરીએ – કંઇક ને કંઇક એવું હશે જે તમને ક્યારેય નહીં મળે તો તે કારણે પોતાને દુર્બળ સમજી લેવા એ અયોગ્ય છે. બની શકે, તમારી પાસે જે ગુણ છે એ સંસારમાં બીજા કોઈ પાસે ન પણ હોય. આ ગુણને સમજીએ, એને વધારીએ, એને સાચવી ને સજાવીએ. સંસારના પ્રત્યેક વ્યક્તિ વિશેષ છે. બધાને બધું નથી મળતું.

જે દુકાનમાં સોનાને સજાવીને રાખવામાં આવે છે એ જ દુકાનના તાળા લોખંડમાંથી બનેલા હોય છે ! Never under-estimate anything, anybody, Anytime. કોઇકની “ખામી“ શોધવા વાળા “માખી“ જેવા છે, જે આખું સુંદર શરીર છોડીને “ઘા“ ઉપર જ બેસતા હોય છે. તફાવતની તીવ્રતા જુઓ : ફૂલોને મુઠ્ઠીમાં દબાવશો તો ફૂલને ઇજા થશે અને કાંટાને દબાવશો તો મુઠ્ઠીને ઇજા થશે. Principle of Boomerang.

બીજાનું સુખ જોઈ આનંદ ન પામી શકીએ ત્યારે સમજવું કે આપણી બુદ્ધિ ઉપર ઇર્ષાનો કાટ ચડી ગયો છે. બીજાના દુઃખ જોઈ શોક ન થાય તો સમજવું કે આપણી માનવતા ઉપર કોરી અાંખનો, સ્વાર્થનો કાટ ચડી ગયો છે. જીવનમાં ક્યારેક કોઈ માણસ એવું આવી જતું હોય છે કે આપણી લાઇફ ચેંજ કરી નાંખે, વિચારો બદલી નાંખે, સ્વભાવ બદલી નાંખે. તેની સાથે વાતો ખુટે જ નહીં. મતલબ કે જીંદગી જ બદલાય જાય. જે નથી ગમતું તે પણ ગમવા લાગે. તે કહે તે જ કરવાનું મન થાય. તેની સાથે વાતો ન થાય તો ઝગડો કરવાનું મન થાય (પણ કરી ન શકીએ).

અમુક દિવા જેવી દેખીતી વાતો : દિવાનું પોતાનું કોઇ ઘર નથી હોતું પણ જયાં મુકો ત્યાં અજવાળું કરે છે ! ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી એકબીજાના વિચારો મળે ત્યાં જ સ્નેહ/દોસ્તી થાય છે. હીરા પારખું કરતાં પીડા પારખુનું સ્થાન ઉંચુ છે. ઓવરટેક કરવામાં થોડું ધ્યાન રાખવુ – સૌની આગળ થવામાં ક્યાંક એકલું ન થઇ જવાય ! કેમ કરીને રહી શકાય ફુટપટ્ટીમાં, ઈચ્છાઓ તો હંમેશા માપ બહારની જ હોય છે. દુનિયામાં જો કોઈ સમયસર આવતું હોય તો તે ખુદ સમય છે, પછી તે સારો હોય કે ખરાબ ! સમય જ સૌ વાતનો ઈલાજ છે.

ઘમંડ’ અને ‘ફાંદ’ જ્યારે વધે છે ત્યારે ‘વ્યકિત’ની ઇચ્છા હોવા છતાં પણ બીજાને ભેટી ન શકે. જબરી ચીજ છે “ધન” – જે મોટા ભાગના લોકોનું “ભેગુ” કરવામાં જ નિધન થઈ જાય છે. તન સ્વસ્થ રાખવા એકલા ચાલવું આમ તો અઘરું નથી, પણ કોઈની સાથે ચાલ્યા પછી એકલા પાછા ફરવું એ ખુબ જ અઘરું છે તેમજ મનમેળ સાધતા તો યુગો ય ઓછા પડી શકે છે !!

વીતી જશે આ સમય પણ. બસ ધીરજ રાખો વ્હાલા, સુખ ના ટકી શક્યું તો, દુઃખની શું ઔકાત છે !? ખુશ રહેવાનો મતલબ એ નથી કે તકલીફ નથી, એનો મતલબ એ છે કે તમે તકલીફથી આગળ વધવાનો નિર્ણય કરી લીધો છે !! કોઈની પાસેથી કશું શીખવા માટે, એ જે કહે છે તેની સાથે સહમત થવું જ બિલકુલ જરૂરી નથી. એની પાસેથી જ શીખી શકાય, જે અાપણને, અાપણી પાળી-પોષીને મોટી કરેલી માન્યતાઓને ચેલેન્જ કરે, અને એવો દ્રષ્ટિકોણ આપે કે ખુદના વિચારોમાં શંકા પડવા લાગે. તમે જેની સાથે સહમત થાવ એ લોકો તો તમે જે માનો છો, એનું જ કન્ફર્મેશન આપે છે. સહમતી-અસહમતી તો આમ પણ તમે જે માનો છો, એના મૂળિયાં મજબૂત કરવા માટે જ છે, શીખવા માટે હરગીઝ નહીં.

લગભગ દરેક વ્યક્તિને કંઈક કહેવું હોય છે. આજના સમયની એક તાતી માંગ, બે ખુલ્લા કાન અને એક બંધ મોઢાની છે. કોઈ મારી આપવીતી સાંભળે છે એ જ મોટો સધિયારો હોય છે. જીવનમાં રહેલા આશીર્વાદો વિશે જ લખ્યા કરો તો શક્ય છે કે, એ બધુ ભૂલી તમે ફકત ફરિયાદો પર ધ્યાન ન આપ્યું હોય.

કોઈ વાત કરે ત્યારે, “તમે નકારાત્મક બોલો છો” એમ કહી કયારેય એમને રોકવા નહી. શકય છે કે થોડી ઘણી નેગેટિવીટી બહાર આવી જાય પછી એ જ માણસ સાફ થઈ વધુ ચમકી ઉઠે. ફકત સારી બાબતોમાં જ સાંભળી સાથ આપવાનો અભિગમ દોસ્તીના કાંગરા ખેરવી નાખે છે. પછી ફકત ઔપચારિકતા બચે છે.

કોઈ આપણાં પર ભરોસો મુકે, પોતાની ખુશી કે પીડા કે ફરિયાદો આપણને કહે એના જેવો ઉત્સવ બીજો કયો હોય !?!

કેળવણી એટલે આપણો મિજાજ કે આત્મવિશ્વાસ ખોયા વિના લગભગ હરકોઈ વાત સાંભળવાની શક્તિ. સંબંધોમાં ક્યારેય પરીક્ષા ન લેવી, કારણ કે નાપાસ સામેવાળા થશે તો પણ રડશો તો તમે જ ને !? કારણ કે, સવાલો જીંદગીના એટલા તો અધરા ન હતા, મુશ્કેલી એ હતી કે મળેલા ઉત્તર બધા ગમતા ન હતા.

પાણીમાં પગલાં પડતાં નથી-
કવિતાના ચરણ જડતાં નથી,
ઝાંખીને જોયું અંતર મનમાં;
લાગણીના તાર મળતા નથી !

સંબંધ સાચવવાના લાખ પ્રયત્ન પછી પણ કોઈ વ્યક્તિ આપણી સાથે અવ્યવહાર કરે, જાણે એને કઈ પડી જ નથી – તો જતું કરો અને એ વ્યક્તિનો આભાર માનો. એ જ વ્યક્તિ એના વગર આપણને જીવતા શીખવાડી રહી છે ! જિંદગી ખરેખર બહુ એટલે બહુ જ સુંદર ને મજાની છે, દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ થોડો બદલવાની જરૂર છે.

બાકી એક વાત તો નક્કી જ છે કે આ દુનિયામાં બધાને બધા જ વગર જીવતા આવડે જ છે છતાં સૌને સૌની જરૂર છે જ ! એક બનીએ, નેક બનીએ !~~નીલેશ ધોળકીયા~~