webinar 2

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પર વેબીનાર યોજાયો

 શિયાળના અધ્યક્ષ સ્થાને યોજાયો નવી રાષ્ટ્રીય શિક્ષણ  નીતિ 2020 પર વેબીનાર, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના રીજનલ આઉટરીચ બ્યુરો,અમદાવાદ દ્વારા આયોજન

webinar 2

જીવન મુલ્યોને ટકાવી રાખે તેવી સર્વગ્રાહી અને સર્વ સમાવેશક છે નવી શિક્ષણ નીતિ – સાંસદ શ્રીમતી ર્ડા. ભારતીબેન શિયાળ

રિપોર્ટ:જગત રાવલ
અમદાવાદ,૧૭ ઓગસ્ટ:ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગૂજરાત પ્રદેશના રીજનલ આઉટરીચ બ્યુરો, અમદાવાદ તેમજ સૌરાષ્ટ્ર ઝોન કચેરી ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢ દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ  નીતિ2020 વિષય પર વેબીનારનું આયોજન કરવામાં આવ્યું. વેબીનારમાં અતિથી વિશેષ તેમજ વક્તા વિશેષ તરીકે ભાવનગર અને બોટાદ લોકસભાક્ષેત્રના સાંસદશ્રી ડૉ.ભારતીબેન શિયાળની ઉપસ્થિતિ રહી. વક્તા વિશેષ તરીકે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના વડા એડીજી ડૉ.ધીરજ કાકડીયા, રીજનલ આઉટરીચ બ્યુરો,અમદાવાદના નિદેશક શ્રીમતી સરિતાબેન દલાલ, વરિષ્ઠ પત્રકાર અને પ્રસિધ્ધ કટાર લેખક શ્રી ભવેન કચ્છી તેમજ ડીપાર્ટમેન્ટ ઓફ જર્નાલીઝમ અને માસકમ્યુનીકેશન,સુરતનાં પ્રોફેસર ડૉ.કિરણબેન મિત્તલ રહ્યાં હતાં.


ગાંધીજીની નઇ તાલીમ શિક્ષણ પધ્ધતિ અને બુનયાદી શિક્ષણ પધ્ધતિને યાદ કરતાં સાંસદશ્રી ડૉ.ભારતીબેન શિયાળે નવીશિક્ષણ  નિતિને સર્વગ્રાહી અને સર્વસમાવેશક શિક્ષણ નિતિ ગણાવી હતી. શિક્ષણમાં બંધન ન હોવું જોઇએ એ તો મુક્તપણે થતી કેળવણી હોવી જોઇએ તેવું જણાવતાં સાંસદશ્રીએ જણાવ્યું કે ભારતના ગૌરવવંતા ભવ્ય સાંસ્કૃતિક વારસાને સાથે લઇ જીવનમૂલ્યોના સિંચન સાથેની આ નવી શિક્ષાનિતિ રાષ્ટ્રના વિકાસમાં પોતાનો ફાળો આપી શકે તેવા આદર્શ નાગરિકોને તૈયાર કરવાનું પણ કાર્ય કરશે. વધુંમાં તેમણે જણાવ્યું કે આ નવી નતિની અનેક બાબતોને વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષણવીદો પાસેથી પણ ઘણી સરાહના પ્રાપ્ત થઇ રહી છે. જે ખૂબ આનંદની વાત છે.

webinar


પીઆઇબી અને આરઓબીના અપર મહાનિર્દેશક ર્ડા.ધીરજ કાકડીયાએ માતૃભાષામાં પ્રારંભિક શિક્ષણ ને લાગુ કરવાની નવી શિક્ષણ નીતિની વાત ને બિરદાવતા જણાવ્યું હતું કે આમ થવાથી વિદ્યાર્થીઓનો પાયો મજબુત થશે ભાષા ક્યારેય પણ અભ્યાસમાં બાધારૂપ બનતી નથી. માતૃભાષામાં શિક્ષણ મેળવનાર વિદ્યાર્થી માનસિક રીતે વધુ સક્ષમ હોય છે અને તે ઉચ્ચ શિક્ષણ કોઈપણ ભાષામાં મેળવી શકે છે. એટલું જ નહીં તે માટે અવ્વલ પણ આવે છે.
વરિષ્ઠ પત્રકાર અને કટાર લેખક શ્રી ભવેન કચ્છીએ નવી શિક્ષણ નીતિ ને આવકારતા કહ્યું કે રોજગારીનું સર્જન કરી શકે તેવા યુવાનો ને તૈયાર કરી શકે તેવી આ શિક્ષણ પ્રણાલી ના પાયા માં યુવાનોમાં સર્જનાત્મક શક્તિનો વિકાસ કરવો તે બાબત મુખ્ય રહી છે . સાથે જ કોઈ પણ ક્ષેત્રમાં પોતાની કારકિર્દીના ઘડતર સાથે યુવાનો રાષ્ટ્રના વિકાસમાં પણ સહભાગી બને તે માટે તેમનામાં સંવેદના, રાષ્ટ્રભાવના તેમજ માનવતાના ગુણો નો વિકાસ થાય તે પ્રકારની શિક્ષણ નીતિ  તૈયાર કરવામાં આવી છે  એ સરાહનીય છે.


વેબીનારના તમામ વક્તાઓએ નવી શિક્ષણ નિતી પર પોતાના વિચારો પ્રગટ કરવાની સાથે વેબીનારમાં જોડાયેલા લોકોને આ નવી નિતિ વિશે જાણકારી સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી નું ડીપાર્ટમેન્ટ ઓફ જર્નાલીઝમ એન્ડ માસ કમ્યુનિકેશન વેબીનારનું સહ આયોજક રહ્યું હતું. ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જુનાગઢના સૌરાષ્ટ્ર ઝોનલ અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ વેબીનારનું સંચાલન કર્યું હતું.વેબીનારના અંતિમ તબક્કામાં પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. વેબીનારમાં ભાગ લીધેલ સહભાગીઓએ રજૂ કરેલ પ્રશ્નોનો વિશેષજ્ઞોએ સંતોષકારક જવાબ આપી તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિશેષજ્ઞો દ્વારા ઉંડાણપૂર્વક વિષયવસ્તુની છણાવટ સાથે આપેલ માર્ગદર્શન અને પત્રકારત્વના વિદ્યાર્થીઓના રસપૂર્વક ભાગ લેવાથી આ વેબીનાર સફળ રહ્યો હતો.