Caring Hands Abhiyan In Smimer Hospital 8 1

આફતને અવસરમાં ફેરવતા સ્મીમેર હોસ્પિટલના કોરોના વોરિયર્સે પંજાની છાપ છોડીને સેવાની મિશાલ રચી

સ્લાઈડ કરીને જુઓ “કેરીંગ હેન્ડ્સ” અભિયાનની ચિત્રકથા

“કેરીંગ હેન્ડ્સ” અભિયાન અંતર્ગત સ્મીમેર હોસ્પિટલની ૨૫૦૦ કોરોના યોધ્ધાઓએ ૮૦૦ ફૂટ લાંબા કપડા પર આપ્યું એકતાનું પ્રતીક

આફતને અવસરમાં ફેરવતા સ્મીમેર હોસ્પિટલના કોરોના વોરિયર્સે પંજાની છાપ છોડીને સેવાની મિશાલ રચી

‘કેરીંગ હેન્ડ્સ’ના સ્મૃતિચિન્હને જીવંત રાખવા કોરોના યોધ્ધાઓએ મનગમતા કલરમાં હાથોથી તસ્વીર બનાવી

અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત

સુરત, ૦૨ ઓક્ટોબર: તા. ૧૧મી માર્ચ ૨૦૨૦નાં રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા કોવિડ-૧૯ ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી. ૧૬મી માર્ચે સુરત શહેરમાં કોવિડ-૧૯ નો પહેલો કેસ નોંધાયો ત્યારથી સ્મીમેર હોસ્પિટલમાં ડોકટર્સ, કર્મચારીઓ જેમાં સફાઈ કામદાર, વોર્ડબોય, આયા બહેન, નર્સિંગ સ્ટાફ, વહીવટી સ્ટાફ તેમજ ઇન્ટર્ન વગેરેએ રજા લીધા વગર છેલ્લા ૬ મહિનાથી અવિરતપણે કોરોનાને લગતી વિવિધ કામગીરી બજાવી રહ્યા છે. આ સમગ્ર સમયગાળા દરમિયાન ઘણા સ્વાસ્થ્ય કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા, હોસ્પિટલમાં દાખલ થયા, સારવાર લઇ, કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં પુનઃ જોડાઈ પણ ગયા. ઘણા બધા સ્વાસ્થ્ય કર્મચારીઓના પરિવારજનોએ વિપત્તિઓનો સામનો કરીને પણ સ્વાસ્થ્ય કર્મચારીઓનો જુસ્સો બુલંદ રાખ્યો. ઘણા કર્મચારીઓએ પોતાના પરિવારજનોને પોતાનાથી અળગા રાખીને પોતાની ફરજ બજાવી. કોરોના સામેની લડાઈ માત્ર સ્વાસ્થ્ય કર્મચારીઓએ નહી પરંતુ તેમના સમગ્ર પરિવારે સાથે રહીને લડી છે.

આ મહામારી દરમિયાન પ્રત્યેક સ્વાસ્થ્ય કર્મીએ શારીરિક, માનસિક અને ભાવનાત્મક મુશ્કેલીઓ વેઠીને પણ સેવાની મશાલ સળગતી રાખી છે. એના માટે સ્મૃતિચિહ્ન બનાવવાનું નક્કી કર્યું કે જેમાં સૌની સરખી ભાગીદારી હોય અને સૌનું કોરોનાયોધ્ધા તરીકે નું કાર્ય લોકોના માનસ પર સદાય અંકિત રહે. આ માટે ઘણાબધા વિકલ્પો વિચાર્યા બાદ, ૭૪મા સ્વાતંત્ર્ય દિવસે “CARING HANDS“ અભિયાન સર્વ સંમતિથી શરુ કરવામાં આવ્યું.

“CARING HANDS“ અભિયાન અંતર્ગત અંદાજે ૮૦૦ ફૂટ લાંબા કાપડનાં પટ્ટા ઉપર સ્મીમેરના ૨૫૦૦થી વધુ સ્વાસ્થ્યકર્મીઓએ વિવિધ ઇકોફ્રેન્ડલી કલરથી હાથના પંજાની છાપ છોડી. જેને અનેક સ્થળે પ્રદર્શિત કરવાનું આયોજન છે.

“CARING HANDS“ અભિયાનમા સ્મીમેરના તમામ સ્વાસ્થ્યકર્મીઓએ કોઈપણ જાતના ભેદભાવ વગર એક જ કાપડ પર હાથના પંજાની છાપ આપી છે. જે હાથોએ દર્દીઓની સેવા કરી, મળમૂત્ર અને ઉલટીઓ સાફ કર્યા, કપડા બદલ્યા, જમાડ્યા, તપાસ કરી, સારવાર આપી, સમયસર દવા પહોચાડી અને સારા કરી સહીસલામત ઘરે પહોચાડ્યા, તે હાથોની પ્રતિકાત્મક તસ્વીર એટલે “CARING HANDS“ અભિયાન. એક કોરોના વોરિયર્સનો પ્રેરણાત્મક સંદેશ આપે છે. કોરોના મહામારી સામેની લડતમાં જોડાયેલા તમામ આરોગ્યકર્મીઓની ગૌરવની ગાથા ગાતું ગીત એટલે “CARING HANDS“ અભિયાન.બુલંદ જુસ્સો, હમ હારેગે નહી. ના નુતન સંદેશની સાક્ષી “CARING HANDS“ છે.

સ્મીમેર હોસ્પિટલના ખાસ ફરજ પરના અધિકારી અને નાયબ વન સંરક્ષકશ્રી પુનિત નૈયર, મેડીસીન વિભાગના એડીશનલ પ્રોફેસર ડો.દિપક શુકલા તથા ડો.નૈમેષ શાહના પ્રયાસોથકી કેરીંગ અભિયાન સફળ નિવડયું છે.

loading…
Reporter Banner FINAL 1