સૌરાષ્ટ્રમાં પ્રથમ પ્લાઝમા ડોનેશન ગુરુ ગોવિંદસિંઘ સિવિલ હોસ્પિટલ જામનગરમાં કરાયું

Jamnagar blood Plazma 5
ડો.પ્રિયાંક બત્રાએ પ્લાઝમાનું દાન કર્યુ

જી.જી.હોસ્પિટલના થર્ડયર રેસિડન્ટ ડો.પ્રિયાંક બત્રાએ પ્લાઝમાનું દાન કર્યુ

રિપોર્ટ:જગત રાવલ,જામનગર
જામનગરમાં હાલ કોરોનાનું સંક્રમણ ખૂબ વધ્યું છે. ત્યારે જી.જી.હોસ્પિટલ દ્વારા કોરોના ક્રિટીકલ દર્દીઓને બચાવવા અને નિરોગી બનાવવા પ્લાઝમાની સારવારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોરોનાના અતિગંભીર દર્દીઓ માટે પ્લાઝમા થેરેપી ઘણી આશિર્વાદરૂપ નીવડે છે. જી.જી.હોસ્પિટલની બ્લડ બેંક ખાતે થર્ડ યર રેસિડન્ટ ડો. પ્રિયાંક બત્રાએ પ્લાઝમા દાન કર્યા હતા. જામનગર જી.જી.હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.દિપક તિવારીએ ડોનરને અભિનંદન આપી તેમની પ્લાઝમા ડોનેશનની ભાવનાને બિરદાવી હતી.

Jamnagar blood Plazma 2


જી.જી.હોસ્પિટલની બ્લડબેંક ખાતે કોરોનાથી સારા થયેલા દર્દીઓ પાસેથી પ્લાઝમા ડોનેશન સ્વીકારવાના પ્રારંભ સાથે જ સૌરાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સારવારમાં વધુ સફળતા મળશે તેવી આશાનું કિરણ દેખાયું છે.
પોતાના પ્લાઝમા ડોનેટ કરનારા ડો. પ્રિયાંક બત્રાએ જણાવ્યું હતું કે, મને દર્દીઓની કોરોનાની સારવાર કરતા બે મહિના પહેલા કોરોના પોઝિટીવ આવેલ હતો અને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. માઇલ્ડ સિમ્પ્ટોમેટિક હોવાથી થોડા દિવસોમાં હું સ્વસ્થ થયો હતો. બે દિવસ પહેલાં મે ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને નવજીવન મળી રહે તે હેતુથી પ્લાઝમા ડોનેટ કર્યા છે.

Jamnagar blood Plazma 3


પ્લાઝમા ડોનેટ કરવાથી વ્યક્તિને કોઇ તકલીફ થતી નથી, બે દિવસમાં પ્લાઝમા રિપ્લેનીશ થઇ જાય છે. સામાન્ય રક્તદાનની જેમ પ્લાઝમા દાન કરી શકાય છે. ત્યારે હું તો સ્વસ્થ થયો છું પણ લોકોની સારવાર મારે મન પ્રથમ છે, પ્લાઝમા ડોનેશન કરી દર્દીઓને તંદુરસ્ત કરવા માટેની આ પહેલમાં અન્યો પણ સાથ આપે, કોવિડ-૧૯ માંથી સ્વસ્થ થયેલા દર્દીઓ વધુમાં વધુ પ્લાઝમા ડોનેટ કરે તેવી અપીલ ડો. પ્રિયાંક બત્રાએ કરી હતી.

Jamnagar blood Plazma


આ અંગે બ્લડ બેંકના ઈન્ચાર્જ ડો. જીતેન્દ્ર વાછાણીએ જણાવ્યું હતું કે, અદ્યત્તન મશીન મારફતે કોવિડના સાજાં થયેલાં દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેમની ઉમર ૧૮ થી ૬૦ વર્ષની વચ્ચે હોય, જેમનું વજન ૫૫ કિલો કે તેથી વધારે હોય, જેમણે થોડા સમય પહેલા જ કોવીડ-૧૯નો રોગ થયેલો હોય, તાવ અને ખાંસીના લક્ષણો હોય અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ સારા થયાના ૨૮ દિવસ પછી ડોનેટ કરી શકે છે.