Oldage Voter

ચૂંટણી પંચે વિવિધ પ્રકારની અશકતતા ધરાવતા મતદારોને ઘેર બેઠા ટપાલ મતદાનનો સરળ વિકલ્પ આપ્યો

  • કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી: ૩૧૧ મતદાન મથકો ખાતે નોંધાયેલા અબ્સેંટી વોટર શ્રેણીના ૪૫૨૦ મતદારોને ૩૧ સુપરવાઈઝરી અધિકારીઓની નિગરાની હેઠળ ૨૪૬ BLO ના માધ્યમથી પહોંચાડવામાં આવી રહ્યાં છે ટપાલ મતદાન કરવા માટેના અરજી પત્રો
  • ચૂંટણી પંચે ૮૦ વર્ષથી વધુ ઉંમરના મતદારો તેમજ વિવિધ પ્રકારની અશકતતા ધરાવતા નોંધાયેલા મતદારોને ઘેર બેઠા ટપાલ મતદાનનો સરળ વિકલ્પ આપ્યો છે
  • ૮૦ વર્ષથી વધુ ઉંમરના મતદારો તથા વિવિધ પ્રકારની અશક્તતા ધરાવતા(પરસન વિથ ડીસેબિલિટી – પીડબલ્યુડી વોટર) મતદારોમાં ચૂંટણીમાં મતદાન કરવાનો બહુધા યુવાનો કરતાં પણ વધુ ઉત્સાહ જોવા મળે છે.પરંતુ ઉંમરની અધિકતા અને શારીરિક ક્ષતિને લીધે ઘણીવાર લાચારીવશ તેઓને મતાધિકાર જતો કરવો પડતો હતો.

વડોદરા, ૧૧ ઓક્ટોબર: ભારતના ચૂંટણી પંચે એસેસિબલ વોટિંગ અને સુરક્ષિત મતદાર,શુદ્ધ લોકતંત્રના સૂત્રને અનુસરીને આવા લોકોને એબ્સેંટી વોટરની અલાયદી શ્રેણીમાં મૂકીને,ઘેર બેઠા સરળ ટપાલ મતદાનનો વિકલ્પ આપ્યો છે.આ વિકલ્પ અવશ્ય મતદાન,લોકશાહી ની સુરક્ષામાં યોગદાનનો તેમનો જુસ્સો અકબંધ રાખશે. હાલમાં ભારતના ચૂંટણી પંચે જાહેર કર્યા પ્રમાણે ૧૪૭ કરજણ વિધાનસભા બેઠકની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે.પ્રથમ તબક્કામાં ૧૬ મી સુધી ઉમેદવારી પત્રો સ્વીકારવાની સાથે બેઠકના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી,કરજણ ની કચેરી દ્વારા ઉપરોક્ત શ્રેણીના મતદારો પાસે ટપાલ મતદાનના વિકલ્પનો સ્વીકાર કરતા અરજીપત્ર ભરાવવામાં આવી રહ્યાં છે. કરજણ બેઠકના નિર્ધારિત ૩૧૧ મતદાન મથકો ખાતે વયોવૃદ્ધ તથા દિવ્યાંગ મળીને ઉપરોક્ત શ્રેણીના કુલ ૪૫૨૦ મતદારો નોંધાયેલા છે

તેવી જાણકારી આપતાં ચૂંટણી અધિકારી શ્રી કે.આર.પટેલે જણાવ્યું કે આ મતદારોએ ઘેર બેઠાં ટપાલ મતદાનની સુવિધા મેળવવા સારું ફોર્મ ૧૨ ડી માં વિકલ્પ ભરીને ઠરાવેલી સમય મર્યાદામાં ચૂંટણી તંત્ર સુધી પહોંચાડવાનો છે. જો કે આ શ્રેણીના મતદારો ખૂબ સરળતાથી અને ઘરમાં રહીને જ ફોર્મ ૧૨ ડી મેળવી શકે,ભરેલા ફોર્મ પરત આપી શકે,અધિકૃત ટપાલ મત પત્ર મેળવી શકે અને મતદાન કરેલું મત પત્ર બંધ કવરમાં ચૂંટણી તંત્ર સુધી પહોંચાડી શકે તે માટે પંચે ઘડેલાં નિયમો પ્રમાણેની ચુસ્ત અને સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે.

તે પ્રમાણે હાલમાં ૩૧૧ મતદાન મથકો ખાતે નોંધાયેલા ઉપરોક્ત શ્રેણીના ૪૫૨૦ મતદારો સુધી ૩૧ સુપરવાઈઝરી અધિકારીઓની દેખરેખ હેઠળ ૨૪૬ બી.એલ.ઓ. ના માધ્યમ થી ફોર્મ ૧૨ ડી પહોંચાડવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં આ પ્રકારના ૪૧૮૫ મતદારો સુધી આ ફોર્મ પહોંચી ગયાં છે. બી.એલ. ઓ. એ આજે રવિવારની રજા હોવા છતાં આ કામગીરી ચાલુ રાખી હતી.અત્યાર સુધીમાં ૧૪૯ મતદારોએ ટપાલ મતદાનનો વિકલ્પ સ્વીકારી ભરેલા ફોર્મ પરત કર્યા છે.હવે આ શ્રેણીના માત્ર ૩૩૫ મતદારોને ફોર્મ પહોંચાડવાના બાકી છે. બી. એલ. ઓ દ્વારા જ આવા મતદારો પાસેથી ભરેલા ફોર્મ પરત લેવામાં આવી રહ્યાં છે.સંબંધિત મતદારોએ ટપાલ મતદાનના સ્વીકારનો વિકલ્પ તા.૧૩ મી સુધીમાં ચૂંટણી તંત્રને આપી દેવાનો છે.

જેટલા મતદારો આ વિકલ્પ સ્વીકારશે અને ૧૨ ડી ફોર્મ યોગ્ય રીતે ભરીને સમય મર્યાદામાં પરત જમા કરાવશે, એ તમામ ફોર્મની ચૂંટણી અધિકારીની કચેરીમાં નિયમો પ્રમાણે ચકાસણી કરવામાં આવશે અને યોગ્ય જનાયેલા ફોર્મ માન્ય રાખવામાં આવશે. આમ તો હવે મતદાન યંત્ર દ્વારા થાય છે.પરંતુ ઉમેદવારો અંતિમ થઈ ગયાં પછી આ પ્રકારનો વિકલ્પ સ્વીકારનાર મતદારો માટે ટપાલ મત પત્ર છાપવામાં આવે છે. આ વ્યવસ્થા હેઠળ ચૂંટણી અધિકારીએ નીમેલી મતદાન ટુકડીઓ સંબંધિત શ્રેણીના,અરજી માન્ય રાખવામાં આવી હોય તેવા મતદારો સુધી સુરક્ષિત કરેલા પોસ્ટલ બેલેટ પહોંચાડશે અને સંબંધિત મતદારોએ મતદાન કરીને આ મત પત્રો મોડામાં મોડા તા.૨ જી નવેમ્બર સુધીમાં મતદાન ટુકડીને પરત કરવાના રહેશે.

યાદ રહે કે આ બેઠક માટે મતદાન તા.૩ જી નવેમ્બર,૨૦૨૦ ના રોજ સવારના ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી કરાવવામાં આવશે.કોરોના તકેદારીના ભાગરૂપે મતદાનનો સમય વધારવામાં આવ્યો છે. બેઠકની મત ગણતરી તા.૧૦ મી નવેમ્બર ના રોજ વડોદરા ખાતે પોલીટેકનિક કોલેજમાં રાખવામાં આવી છે.

***********

Reporter Banner FINAL 1
loading…