Surat

મનપાના પાડોશી અધિકારીએ આઘાત ન લાગે તે રીતે સમયસર હોસ્પિટલની સારવાર અપાવી- ફરીદખાન

  • પહેલો સગો તે પાડોશી’ કહેવત સાકાર થઈઃ
  • ઓક્સિજનનું પ્રમાણ ખુબ ઓછું, પણ સ્મીમેરની સારવાર અને મજબૂત મનોબળથી ફરીદખાને
  • માત્ર પાંચ દિવસમાં કોરોનાને હરાવ્યો
  • મહાનગરપાલિકાના અધિકારીની સમયસૂચકતા અને સ્મીમેરની સમયસરની સારવારે  
  • કોરોનાગ્રસ્ત દર્દીને નવ જીવન આપ્યું- ફરીદખાન પઠાણ
  • ઓકસિજનનું ઓછું પ્રમાણ ધરાવતા ફરીદખાને મજબુત મનોબળ અને સ્મીમેરની સારવારથી કોરોનાને હરાવ્યો
Surat

રિપોર્ટ: મહેન્દ્ર વેકરીયા, સુરત

સુરત:મંગળવાર: ‘માશાલ્લાહ ફરીદભાઈ, તમારૂં ઓક્સિજન લેવલ એકદમ સરસ છે. તમને તો કશું જ નથી થયું..’ ખરાબ તબિયત અને શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવી રહેલાં ફરીદખાન પઠાણે જ્યારે પડોશમાં રહેતા સુરત મહાનગરપાલિકાના અધિકારીશ્રી એસ.આર.ખાનને ફોન કરી ઘરે બોલાવ્યાં, ત્યારે તેમણે પલ્સ ઓક્સિમીટરથી ફરીદખાન પઠાણનું ઓક્સિજન લેવલ ચેક કરતાં આ શબ્દો કહ્યાં, અને દર્દીને જરાય ચિંતા ન કરવા કહ્યું. ડિસ્પ્લે પર ઓક્સિજન લેવલ ૮૦ નોંધાયું હતું, એટલે પરિસ્થિતિની ગંભીરતા પારખી જઈને ફરીદખાનને ખ્યાલ ન આવે એ રીતે બહાર આવી તરત જ સ્મીમેર અને ૧૦૮ ઈમરજન્સીને કોલ કર્યો. ફરીદખાન સાથે થોડો સમય વાતચીતમાં પરોવાયા એટલામાં ૧૦૮ એમ્બ્યુલન્સ આવી ગઈ.
           પાલિકાના અધિકારીએ સમયસૂચકતાથી ફરીદખાનને આંચકો ન લાગે એમ પરિસ્થિતિ સંભાળી લીધી. ફરીદખાનનું સામાન્ય વ્યક્તિમાં ઓક્સિજન લેવલ હોય એના કરતાં એકદમ નીચે હતું. સ્થિતિ ચિંતાજનક હોવાનું જણાતાં માનસિક આઘાત ન લાગે અને તેમની હાલત વધુ ખરાબ ન થાય એ હેતુથી ‘બાજી સંભાળી લીધી’.
            આ ઘટનામાં મુગલીસરાના મદની એપાર્ટમેન્ટમાં રહેતા ૪૬ વર્ષીય ફરીદખાન કોરોના પોઝિટિવ હતાં. તા.૧પમી જુલાઈના રોજ તબિયત ખરાબ હતી, બે દિવસમાં તબિયતમાં સુધારો ન થવાથી તેમણે તા.૧૭મી જુલાઈના રોજ સિટી સ્કેન કરાવતા રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. શહેરની આઠ જેટલી ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનવાળા બેડની તપાસ કરતા બેડ ખાલી ન મળતાં તેમણે પડોશમાં રહેતા સુરત મહાનગરપાલિકાના અધિકારી અને ગાંધીસ્મૃતિ ભવનના મેનેજરશ્રી એસ.આર.ખાનને ફોન કરી આ અંગે જણાવ્યું હતું. ‘ઓક્સિજન લેવલ માપી દર્દીની શારીરિક સ્થિતિનો સચોટ અંદાજ લગાવી શકાય છે’ એવા મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીના કથનને અનુસરતા પાલિકાના અધિકારી તરીકે આરોગ્યલક્ષી કામગીરીમાં સારી રીતે વાકેફ હોવાથી એસ.આર.ખાન તાબડતોબ પલ્સ ઓક્સિમીટર લઈને ફરીદખાનના ઘરે પહોંચ્યા હતા.
             ઘટનાક્રમનું વર્ણન કરતાં ફરીદખાન પઠાણ જણાવે છે કે, મારા ભાઈ સમાન પાડોશી એસ.આર.ખાને મારી હાલત ચિંતાજનક હોવા છતાં મને કંઈ જ નથી એમ કહ્યું એટલે હું નિશ્ચિંત હતો. પરંતુ અચાનક ૧૦૮ એમ્બ્યુલન્સ મારા ઘર નીચે આવીને ઊભી રહેતા મને ખુબ નવાઈ લાગી, પરંતુ તેમણે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં જવાનું છે એમ કહી મને ૧૦૮માં બેસવા જણાવ્યું.
           મને તાકીદે સ્મીમેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરી ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફે તુરંત મારી સારવાર શરૂ કરી, જ્યાં મને ઓક્સિજન આપવામાં આવ્યો હતો. સ્મીમેરના ડોકટરો અને સ્ટાફે સતત મોનિટરીંગ અને સારવાર આપી. મારૂ ઓક્સિજન લેવલ ૭૮ થી ૮રની વચ્ચે રહેતું હતું, પરંતુ સ્મીમેર હોસ્પિટલની ઉમદા સારવાર સેવાના કારણે માત્ર પાંચ જ  દિવસમાં ૯૮ થયું. ડોકટરોની સારી સારવારના કારણે ઝડપી રિકવરી આવતાં મને નોન-કોવિડ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો. મારો કોવિડ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પાંચ દિવસના ટૂંકા ગાળામાં મારી તબિયતમાં ઘણો સુધારો થતાં દવાઓ અને સુચનાઓ આપી મને તા.ર૧મી જુલાઈએ હોસ્પિટલથી રજા આપવામાં આવી હતી.
           શ્રી ફરીદખાને વધુમાં જણાવ્યું કે, મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીની સીધી નિગરાની હેઠળ સ્મીમેર હોસ્પિટલમાં પૌષ્ટિક ભોજન, સાફ સફાઈ અને નિ:શુલ્ક સારવારની ઉત્તમ વ્યવસ્થાનો પ્રત્યક્ષ અનુભવ થયો. સ્મીમેર હોસ્પિટલના ડોકટરોએ મને મારી ગંભીર હાલતમાંથી ઉગાર્યો અને કોરોનામુક્ત કરી સુખરૂપ ઘરે મોકલવાં બદલ આરોગ્ય સ્ટાફનો ઋણી છું.
             હોસ્પિટલથી ઘરે આવ્યાં બાદ હકીકત જાણી ત્યારે મને અપાર ખુશી થઈ કે પાડોશી, મહાનગરપાલિકાની સમયસૂચકતા અને સારવારે મારો જીવ બચાવ્યો. કોરોનાના દર્દીનું મનોબળ ટકાવી રાખવું જરૂરી હોય છે, એવુ ફરીદખાન જણાવે છે.
વિનમ્ર ભાવે ફરીદખાન કહે છે કે, કોઈ અસ્વસ્થ વ્યક્તિને ખાસ કરીને કોરોના પોઝિટીવ દર્દીનો આત્મવિશ્વાસ અને જુસ્સો વધે એવા હકારાત્મક શબ્દોથી હિંમત આપવામાં આવે તો તેની તબિયતમાં ઘણો જ જલ્દી સુધારો થઇ શકે છે. મારા પાડોશી પ્રતિકુળ સ્થિતિમાં મારૂં મનોબળ ટકાવી રાખવામાં મદદરૂપ થયા, જેના કારણે મને સમયસર સારવાર મળી અને હું સંપૂર્ણ સ્વસ્થ થયો છું એમ ફરીદખાન ઉમેરે છે.
              ‘પાડોશી ધર્મ’ નિભાવનારા એસ.આર.ખાને જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિ પાની પાલિકાના તમામ અધિકારી-કર્મચારીઓને માનવીય અભિગમ સાથે હકારાત્મક કામ કરવાની પ્રેરણા આપે છે. ઉપરાંત કોરોનાની સ્થિતિમાં દર્દીનું મનોબળ જળવાઈ રહે એ માટે સંવેદનશીલ વ્યવહારનો પણ આગ્રહ રાખે છે. કારણ કે કોઈ પણ મુશ્કેલી કે બિમારીનો મજબુત મનોબળથી સામનો કરવામાં આવે તો અડધો જંગ એમ જ જીતી જઈએ છીએ એવું દ્રઢપણે માનતા કમિશનરશ્રી હંમેશા શહેરીજનોને લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ચેક કરતાં રહેવા અનુરોધ કરતાં રહે છે, તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી મને આજે મારા પડોશીનું જીવન બચાવવામાં નિમિત્ત બન્યો તેનો આનંદ છે.