Farmer RCF

પીએમ કિસાન સન્માન નિધિ યોજના, 10 કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂપિયા 90 હજાર કરોડની થઇ છે ચૂકવણી

ખેડૂતો માટે કલ્ણાણકારી યોજના એટલે પીએમ કિસાન સન્માન નિધિ યોજના, 10 કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂપિયા 90 હજાર કરોડની થઇ છે ચૂકવણી

કૃષિક્ષેત્રના વિકાસ અને ખેડૂતોના હિત માટે કટિબદ્ધ કેન્દ્ર સરકાર, ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર દ્વારા લાભાર્થી ખેડૂતોને મળી રહ્યો છે યોજનાનો સીધો લાભ

દેશના 8.5 કરોડ વધુ ખેડૂતોના ખાતામાં હસ્તાંતરિત થયો પીએમ કિસાન યોજનાનો છઠ્ઠો હપ્તો, રૂપિયા 17 હજાર કરોડની લાભાર્થી ખેડૂતોને થઇ સીધી ચૂકવણી

13 AUG 2020 by PIB Ahmedabad

કોરોના મહામારીને નાથવા લેવાતા અસરકારક પગલાંઓની સાથે-સાથે કેન્દ્ર સરકાર વિભિન્ન યોજનાઓના અમલીકરણમાં પણ સતત કાર્યશીલ રહી છે. દેશના અર્થતંત્રને ફરીપાછું બેઠું કરવા લેવાતા મહત્વના નિર્ણયો અને આર્થિક પેકેજમાં દરેક ક્ષેત્રના વિકાસની સાથેસાથે કૃષિક્ષેત્રના વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ભારત સરકારના કૃષિક્ષેત્ર માટેના આર્થિક પેકેજ અને મંત્રીમંડળની બેઠકમાં લેવાઇ રહેલાં ત્વરિત નિર્ણયોથી દેશના ખેડૂતોના ચહેરા પર ફરી એકવાર ખૂશી જોવા મળી રહી છે. ખેડૂતોના હિતલક્ષી નિર્ણયો ભારત સરકારની ખેડૂતોના કલ્યાણ માટેની પ્રતિબધ્ધતાને દર્શાવે છે. વિભિન્ન યોજનાઓ થકી દેશભરના ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, તેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખરા અર્થમાં ખેડૂતો માટે કલ્યાણકારી યોજના સાબિત થઇ રહી છે. ખેડૂતોને ખેતીમાં ઉભા થતાં ખર્ચરૂપી આર્થિક જરૂરિયાતને યોગ્ય સમયે પૂરી કરવા માટે વર્ષ દરમિયાન રૂપિયા 6 હજારની સહાય ભારત સરકાર તરફથી આ યોજના હેઠળ આપવામાં આવે છે. 

ઋતુ આધારિત ખેતીને ધ્યાનમાં રાખી ખેડૂતોને રૂપિયા 2 હજારનો એક એવા ત્રણ હપ્તામાં આ રકમ ચૂકવવામાં આવે છે. જરૂરિયાતના સમયે તુરંત જ આ યોજનાનો લાભ ખેડૂતો સુધી પહોંચે તે હેતુથી ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોના બેંકના ખાતામાં આ રકમ સીધી જમા કરવામાં આવે છે. કોરોના સંકટને ધ્યાનમાં રાખી લોકડાઉનના સમયગાળામાં જ ભારત સરકારે ખેડૂતોને ત્વરિત સહાય આપવાના ભાગરૂપે રૂપિયા 18,700 કરોડનું ફંડ ત્વરિત હસ્તાંતરિત કર્યું હતું. જે બાદ હાલ 9 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રીશ્રીએ આ યોજના હેઠળનો છઠ્ઠો હપ્તો ડીઝીટલ માધ્યમ દ્વારા માત્ર એક બટન દબાવીને તમામ લાભાર્થી ખેડૂતોને ચૂકતે કર્યો છે. ખેડૂતોના આધાર સાથે લિંક થયેલા બેંકના ખાતામાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર દ્વારા આ ચૂકવણી કરવામાં આવી છે. આ પ્રકારે દેશના 8.5 કરોડ લાભાર્થી ખેડૂતોના ખાતામાં રૂપિયા 17 હજાર કરોડની સીધી ચૂકવણી કરવામાં આવી છે.

1TW2Q
શ્રી ઘુઘાભાઇ ચભાડ

ખેડૂતોમાટે લાભદાયી આ યોજનાના અમલીકરણમાં રહેલી પારદર્શિતાને કારણે ખેડૂતોને સમયસર તેનો લાભ મળી રહ્યો છે. જેનાથી ખેડૂતો પ્રસન્ન છે. ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાના ખેડૂત ઘુઘાભાઇ ચભાડે અમારા પીઆઇબીના પ્રતિનિધિને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજના હેઠળ મળતી સહાયના તમામ હ્પ્તાઓ મને નિયમિત મળે છે. અને હાલ કોરોના સંકટના સમયમાં સરકાર તરફથી આ સહાયની ત્વરિત ચૂકવણી કરવામાં આવી છે. રૂપિયા બે હજારનો હપ્તો સીધો જ મારા બેંક ખાતામાં જમા થયેલ છે. જે બદલ હું ભારત સરકારનો આભારી છું.

2E79G
શ્રીમતી સવિતાબેન ચૌહાણ

અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામના મહિલા ખેડૂત સવિતાબેન ચૌહાણે અમારા પ્રતિનિધિને જણાવ્યું કે, પીએમ કિસાન યોજના ખેડૂતો માટે ખૂબ લાભદાયી યોજના છે. યોજના હેઠળની બે હજાર રૂપિયાની સહાય સીધી જ મારા બેંક ખાતામાં જમા થઇ છે. જરૂરિયાતના સમયે જ કોઇપણ પ્રકારની દોડધામ કર્યા સિવાય આ યોજનાનો લાભ સીધો જ મળી રહ્યો છે. જે ખૂબ સરાહનીય છે. ખેડૂતો માટે અતિ ઉપયોગી એવી આ યોજનાના આવા પારદર્શક અમલીકરણ માટે હું પ્રધાનમંત્રીશ્રીનો તેમજ ભારત સરકારનો ખૂબ-ખૂબ આભાર માનું છું.

3PWIU
શ્રી ભોજાભાઇ વેગડે

ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાના કોળિયાક ગામના ખેડૂત ભોજાભાઇ વેગડે અમારા પ્રતિનિધિને જણાવ્યું કે, કોરોનાના સમયમાં અત્યારે આર્થિક સંકડામણ ઘણી છે. ત્યારે પીએમ કિસાન યોજનાનો હપ્તો બેંકના ખાતામાં સીધો જમા થતાં હું મારું ખેતીનું કામ સમયસર કરી શકું છું. જે માટે હું ભારત સરકારનો આભાર વ્યક્ત કરું છું.

પીએમ કિસાન યોજના અને આ યોજનાનું અમલીકરણ બંને ખૂબ સરાહનીય રહ્યું છે. 1 ડિસેમ્બર, 2018થી આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારથી લઇને અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત દેશના 10 કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂપિયા 90 હજાર કરોડની ચૂકવણી કરી દેવામાં આવી છે. જે વિક્રમ જનક બાબત છે. સાથે જ કેન્દ્ર સરકારની ખેડૂત કલ્યાણ નીતિની પ્રતિબદ્ધતાને પણ પ્રદર્શિત કરે છે.