સ.સં. ૧૭૨૭ મનીષભાઈ ત્રિવેદી 1

કોરોના કાળમાં સરકારે પ્રજાના માવતરની ભૂમિકા અદા કરી છે: દર્દી

સ.સં. ૧૭૨૭ મનીષભાઈ ત્રિવેદી
  • ઓક્સિજન લેવલ અને પલ્સ રેટ ૫૦-૫૦, પર્સનલ હેલ્થ ઇન્શ્યોરન્સનું કવચ છતાં સરકારી સેવામાં મુકેલો વિશ્વાસ સાર્થક-મનીષભાઈના મક્કમ મનોબળ સામે કોરોનાની શરણાગતિ
  • પ્રાતઃ ધ્યાન, સ્નેહીજનોની પ્રાર્થના અને સિવિલ હોસ્પિટલના કર્મયોગીઓની કર્તવ્યનિષ્ઠાને જોરે જ આજે હું બચ્યો છું: મનીષભાઈ ત્રિવેદી

અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ

રાજકોટ, ૦૮ ઓક્ટોબર: “કોરોનાનાં કારણે એક સમય એવો આવ્યો કે મારી હાલત ખૂબ જ ગંભીર હતી, સિવિલ હોસ્પિટલમાં ૪ દિવસ ઓક્સિજન પર રહેવા છતાં હોસ્પિટલમાં ફરજપરસ્ત દર્દીઓના જીવન રક્ષક એવા કોરોના વૉરીયર્સની અવિરત સેવા-સુશ્રુષા અને સ્નેહીજનોની પ્રાર્થનાના જોરે જ આજે હું સંપૂર્ણ સ્વસ્થ છું.” આ લાગણીસભર પ્રતિભાવ છે તાજેતરમાં જ કોરોનાને હરાવનારા મનીષભાઈ નટુભાઈ ત્રિવેદીનો. 

પોતાનાં અનુભવોનું વર્ણન કરતાં મનીષભાઈએ કહ્યું હતું કે, “મને સખત તાવ આવતાં અમે સૌએ કોરોના ટેસ્ટ કરાવ્યો અને પરિવારમાંથી મારો અને મારા માતાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો. શરૂઆતમાં તબિયત સારી હોવાથી અમને બન્નેને સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યા પરંતુ બે દિવસ બાદ મારી તબિયત ખૂબ બગડી ગઈ. શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને પલ્સ રેટ પણ ઘટી ગયા અને મને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. મારુ ઓક્સિજન લેવલ અને પલ્સ રેટ અંદાજે ૫૦-૫૦ સુધી ડાઉન થઈ ગયા હતાં. પરંતુ તેમ છતાં સિવિલ હોસ્પિટલમાં કાર્યરત આરોગ્યકર્મીઓની અવિરત સેવા અને કર્તવ્યનિષ્ઠાને કારણે આજે હું બચી શક્યો છું.

સ.સં. ૧૭૨૭ મનીષભાઈ ત્રિવેદી 2 edited

સિવિલ હોસ્પિટલમાં મને  સ્ટાફના તમામ લોકો પરિવારના સભ્યની જેમ સાચવતાં, ફળ સમારી આપે, પરાણે જમાડે જાણે સિવિલ મારુ ઘર જ છે, તેવો અનુભવ થતો. સિવિલમાં દરરોજ પાંચ વખત અને સમરસ ખાતે દરરોજ ૪ વખત ડોકટર્સ અમારું ચેકઅપ કરવાં આવતા. માત્ર મેડિકલ સ્ટાફ જ નહીં, પરંતુ ગ્રાઉન્ડ લેવલે કામ કરતાં તમામ કર્મચારીઓનો પણ ખૂબ જ સારો સહકાર પ્રાપ્ત થયો. મારા માતાને તો કેન્સર, બીપી તેમજ ડાયાબીટીસ જેવા અનેક અસાધ્ય રોગ હોવા છતાં તેઓએ કોરોના સામે હાર ન માની અને સમરસ ખાતે તેમને અતિ ઉત્તમ સારવાર મળતાં હવે તેઓ એકદમ તંદુરસ્ત છે. 

કોરોનાની મહામારીમાં સરકારની ભૂમિકાની પ્રશંસા સાથે અહોભાવ વ્યક્ત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, હું એક ઇન્સ્યોરન્સ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છું તેથી મેં મારું હેલ્થ ઇસ્યોરન્સ તો લીધું જ હોય પરંતુ તેમ છતાં કોરોના થયો ત્યારે મેં સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાનો નિર્ણય કર્યો અને ત્યાં ગયા પછી મને લાગ્યું કે મારો આ નિર્ણય એકદમ યોગ્ય હતો. આપણી સરકાર કોરોના પીડિત લોકોના માવતર બનીને તેમને કોરોનામાંથી બહાર લાવવા જે મહેનત કરી રહી છે તે ખરેખર સરાહનીય છે. હવે મને લાગે છે કે આપણે જે ટેક્સ ભરી રહ્યા છીએ, એ સાર્થક છે.”

loading…

મનીષભાઈએ વધુમાં કહ્યું હતું કે, “હું દરરોજ સવારે ૩:૧૫ કલાકે બ્રાહ્મમુહૂર્તમાં જાગીને બે કલાક ધ્યાન કરતો. સિવિલમાં પણ સવારે ૩ વાગ્યે સંગીતમય મંત્રોજાપ વગાડવામાં આવતા જેથી શાસ્ત્રોક્ત વાતાવરણ સર્જાતું. ગાયત્રીમંત્ર સહિતના મંત્રો સાંભળી મન પ્રફુલ્લિત થઈ જતું. સાથે જ મારા પરિવારજનો અને સગાંવહાલાંઓની પ્રાર્થના પણ મને સાજા કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ.” 

મનીષભાઈ કહે છે કે, ” બસ હવે ૨૮ દિવસ બાદ હું પ્લાઝમા ડોનેટ કરવાનો છું, જો કોરોનાના કોઈ ગંભીર દર્દીને હું થોડો પણ મદદરૂપ થઇ શકું તો મારુ જીવન સફળ માનીશ.”

આજે કોરોના બાદ સ્વસ્થ થયાં પછી મનીષભાઈ જેવાં અનેક દર્દીઓ પ્લાઝમા ડોનેશન માટે તત્પર છે. જે અન્ય લોકો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યાં છે.