ખાસ લેખ ૧૩૭ હીંગોળગઢ અભયારણ્ય્ 0109 1

ચાર દાયકા પૂર્ણ કરતું હિંગોળગઢ -પ્રાકૃતિક શિક્ષણ અભ્યારણ્ય

ખાસ લેખ ૧૩૭ હીંગોળગઢ અભયારણ્ય્ 0109 1

૬૫૪ હેક્ટરમાં ફેલાયેલા અભ્યારણ્યમાં ૧૫૫ જાતની વનસ્પતિ અને ૨૨૯ પ્રકારના જોવા મળતા વિવિધ પક્ષીઓ

આલેખનઃ રાજ લક્કડ,રાજકોટ

વિશ્વ વિખ્યાત પક્ષીવિદ્ સલીમ અલીએ લીધેલી હિંગોળગઢ અભ્યારણ્યની મુલાકાત

૧૯૮૨ થી આજ દિન સુધીમાં કુલ ૩,૯૫૦ જેટલા કેમ્પ દ્વારા ૨,૨૦,૨૯૩ જેટલા યુવાઓએ લીધો છે પ્રાકૃતિક શિક્ષણનો લાભ

ભારતીય સંસ્કૃતિના પૌરાણિક ગ્રંથો વેદો, પુરાણ અને ઉપનિષદમાં માનવ સમાજ, વન્ય અને પાલતુ વન્યજીવો, વૃક્ષો, પક્ષીઓ વચ્ચેના સબંધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પૌરાણિક કાળમાં આપણા પૂર્વજોનો વસવાટ પ્રકૃતિના સાનિધ્યમાં જ હતો. બદલાતા સમય અને વિશ્વના દેશોમાં વધતા જતા શહેરીકરણની અસરને કારણે પ્રકૃતિના કાર્યોમાં વિક્ષેપ થવા લાગ્યો હતો. આ વાતને ધ્યાને રાખીને વન્યજીવ સૃષ્ટિના સંરક્ષણ અને સંવર્ધન કરવા સરકારશ્રી દ્વારા આજથી ૪૦ વર્ષ પહેલા તા. ૨૯-૦૮-૧૯૮૦ના રોજ રાજકોટ જિલ્લાના હીંગોળગઢને વન્યપ્રાણી (સંરક્ષણ) અધિનિયમ ૧૯૭૨ કલમ 33/B હેઠળ અભ્યારણ્ય  તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

અભ્યારણ્ય  જાહેર કર્યા અગાઉ આ વિસ્તાર “મોતીસરી વીડી” તરીકે ઓળખાતો હતો. તેના વહીવટી સંચાલનનો હક્ક રાજાશાહી વખતમાં જસદણના રાજ્ય પાસે હતો. ૧૯૭૩માં સરકારે ખાનગી જંગલોને પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો અને ત્યાર પછી આ વિસ્તાર વન વિભાગને સોંપવામાં આવ્યો. વર્ષ ૧૯૭૩માં આ વિસ્તારને સરકારે અનામત વન તરીકે જાહેર કર્યો અને ત્યાર બાદ વર્ષ ૧૯૮૦માં તેને અભ્યારણ્યનો દરજ્જો આપવામાં આવ્યો. હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય એક એવું અભ્યારણ્ય  છે જે ખાસ પ્રાકૃતિક શિક્ષણ આપવા માટે સ્થાપવામાં આવ્યું છે. વર્ષ ૧૯૭૭ના સપ્ટેમ્બર માસ દરમિયાન વિશ્વ વિખ્યાત પક્ષીવિદ્ સલીમ અલીએ પણ આ હિંગોળગઢ અભ્યારણ્ય ની મુલાકાત લીધી છે.

Hindol gadh 2

ગીર ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા સંયુક્તપણે સંચાલિત હિંગોળગઢ વન્યજીવ અભ્યારણ્ય  રાજકોટ શહેરથી ૭૮ કિ.મી. દુર આવેલુ છે. જૈવ વિવિધતા અને વન્ય સંપદાઓથી ભરપુર હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભ્યારણ્ય  ૬૫૪ હેક્ટર જમીનમાં ફેલાયેલુ છે. વર્ષ ૧૯૮૨થી દર વર્ષે શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે પ્રાકૃતિક શિક્ષણ શિબિરની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત આજ દિન સુધીમાં કુલ ૩,૯૫૦ જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો લાભ ૨,૨૦,૨૯૩ જેટલા વિવિધ સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓ અને યુવાઓએ લીધો છે. પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં ભાગ લેનારને વનભ્રમણ, વિવિધ વનસ્પતિની ઓળખ, પક્ષી દર્શન અને તેનો વિસ્તૃત અભ્યાસ, રાત્રીના આકાશ દર્શન, કેમ્પફાયર, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે કરાવવામાં આવે છે.

હિંગોળગઢ વન્યજીવ અભ્યારણ્યમાં આજ સુધીમાં કુલ ૬૬ કુળની ૧૫૫ જેટલી વનસ્પતિની પ્રજાતિઓ નોંધાયેલી છે. જંગલની વૃક્ષ ઘનતા ૭.૧ વૃક્ષ/ હેક્ટર છે. જેમાં મુખ્યત્વે ગોરડ, હરમો, ઈંગોરીયો, દેશીબાવળ, મદીઠ, કાંચનાર, લીમળો, ખીજળો, મીંઢળ, રોહિડો, સંડેસરો, ગરમાળો, અસિત્રો, રગતરોપડો, વડલો, અરબીસાગર, કદમ, બુલબુલ, બહેડા, રાયણ, ગુલમહોર, રણમાં ઉગતી એક પ્રકારની જાર – પીલુ, અર્જુનસાગર, અંજીર વગેરે પ્રકારના વૃક્ષો જોવા મળે છે. ઓછી ઉંચાઈ ધરાવતા શાખીત ક્ષુપો શાકાહારી પશુ-પક્ષીઓને ખોરાક પુરો પાડે છે. જેમાંવિકળો, સિસોટી, થોર, ખપાટ, થૂમરી, આવળ, ચણીબોર, ગૂગળ, જેઠીમધ, વજ્રદંતી, મકરોડી, મામેજવો (ડાયાબીટીસના નિયંત્રણમાં લાભદાયક), કળાયો (એક જાતનો ગુંદર છે જેનો ફાર્માસ્યુટીકલ અને ટેક્સટાઈલમાં ઉપયોગ થાય છે), ઈન્દ્રજવ(ડાયાબીટીસ અને પેટની તકલીફમાં ઉપયોગી), અરડુસી, નગોળ (પેટના દર્દમાં અને ફેક્ચરમાં તેના પાંદળા વીંટાળવાથી રાહત થાય) જેવા ઔષધિય ક્ષુપો ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

ચણોઠી, સાટોડી, બટકણી, ખજવણી, શતાવરી, કારોડી, પડવેલ, નોડવેલ, દૂધિયો, પેશી, અમરવેલ, વેવડી વગેરેના વેલા જોવા મળે છે. અહીંયા ૩૧ પ્રકારના ઘાસ જોવા મળે છે. જેમાં લાપડુ, રાતળ, ફોફલુ, શનિયર, ફાટેલુ, અજાન, કણેરૂ, ધ્રપડો, ખારિયું, બરૂ, ચકલુ, સરવાડી, જીંજવો, રોસા વગેરેનો સમાવેશ થાય છે.

અહીંયા ચોમાસાની ઋતુ અને શિયાળાની ઠંડી હવા, વિવિધ જાતની વનસ્પતિ અને આંખોને ગમે તેવી નયનરમ્ય હરીયાળી પક્ષીઓના વસવાટની આગવી પસંદગી રહી છે, જેને કારણે અહીં ૨૨૯ પ્રકારના પક્ષીઓની વિવિધતા જોવા મળેછે.નવરંગ, દુધરાજ, અધરંગ, ચાતક, દૈયડ, પરદેશી કોયલ, પચનક લટોરો, કાઠીયાવાડી લટોરો, શોબીગી, નાનો રાજાલાલ, કાબરો રાજાલાલ સહિતના અનેક પક્ષીઓ જોવા મળે છે. ચોમાસાની ઋુતુમાં પ્રજનન માટે આવતુ નવરંગ પક્ષી (Indian Pitta) તેના અવાજથી સૌ કોઈને મોહિત કરી દે છે. દુધરાજ (Indian paradise flycatcher) મધ્ય એશિયાના દક્ષીણ-પૂર્વીય ચીન, નેપાળ, દક્ષીણ ભારત, શ્રીલંકા, મ્યાનમારમાં જોવા મળતું મહત્વનું પક્ષી છે. તેની પાંખો ૮૬-૯૨ મીમી લાંબી અને તેની પુંછડી ૨૪ થી ૩૦ સે.મી. સુધી લાંબી હોય છે. દુધરાજને જોવો તે પણ એક અલૌકિક લ્હાવો છે. છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા હળવી થતા સુગરીએ આ વિસ્તારને પોતાનું હેબિટેટ(રહેઠાણ) બનાવતા તેના માળાઓ આ વિસ્તારમાં મોટા પાયે જોવા મળે છે.

અહીંયા કુલ ૬૨ પ્રકારના પ્રાણીઓની પ્રજાતિઓ જોવા મળે છે, જે પૈકી ૨૧ પ્રકારના સસ્તન પ્રાણીઓની પ્રજાતિ, ૮ પ્રકારના ઉભયજીવી પ્રાણીઓની પ્રજાતિ, ૩૩ જાતના સરિસૃપ પ્રાણીઓની પ્રજાતિ જોવા મળે છે. જેમાં મૃગ કુળનું ચિંકારા અને નીલગાય મુખ્ય પ્રાણીઓ છે. વર્ષ ૨૦૧૯-૨૦ની ગણતરી મુજબ ચિંકારાની વસ્તી ૧૫૦ જેટલી નોંધાઈ છે. વર્ષના ૮ મહિના લીલોતરીના કારણે શાહુડી, સસલા, નોળિયા વણીયર, જેવા તૃણાહારીઓનો વસવાટ જોવા મળે છે. આ  ઉપરાંત શિયાળ, ઝરખ, ક્યારેક વરૂ અને દિપડા જેવા જંગલી પશુઓ પણ ક્યારેક જોવા મળી જાય છે.

ખાસ લેખ ૧૩૭ હીંગોળગઢ અભયારણ્ય્ 0109 3

હિંગોળગઢ અભ્યારણ્યમાં છેલ્લા ૩ વર્ષથી આર.એફ.ઓ. તરીકે ફરજ બજાવતા શ્રી આરીફ ઠેબા જણાવે છે કે, આ વિસ્તારમાં જમીન ખડકાળ હોવાના કારણે વરસાદનું પાણી નદી-નાળામાં વહી જતુ હતું. જેને અટકાવવાના નવતર અભિગમરૂપે માટી પાળા, પથ્થર પાળા, વન તળાવ અને ચેકડેમની કામગીરી કરવામાં આવી છે. સમગ્ર અભ્યારણ્યની અંદર વરસાદના પાણીને અટકાવીને ૧૫૦ જેટલા પાણીના નવા જળસ્ત્રોત ઉભા કરવામાં આવ્યા છે. જે પૈકી ૩૫૦ જેટલા માટી પાળા, પથ્થર પાળા અને વન તળાવ સમગ્ર અભ્યારણ્યમાં બનાવવામાં આવ્યા છે. જેની ઉંડાઈ ૧ મિટર જેટલી હોય છે. ઉંચાઇવાળા વિસ્તારમાં વરસાદના કારણે પાણી વહીને પાળામાં એકઠું થાય છે. આ એકઠું થયેલુ પાણી નિતરતુ-નિતરતુ છેક નીચેના પાળામાં આવે છે. જેનાથી જમીનનું ધોવાણ અટકે અને પાણીનો સંગ્રહ થાય છે. તેમજ ચાલુ વર્ષે ૮૫ જેટલા માટી પાળા બનાવવામાં આવ્યા છે. આ જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારની જમીનના તળ ઉંચા આવી રહ્યા છે.

ગીર ફાઉન્ડેશનના નિયામકશ્રી રવિદત્ત કંબોજ, વન વિભાગના નાયબ નિયામક શ્રી આઈ.કે.બારડ, મદદનીશ નિયામક ગીર ફાઉન્ડેશન શ્રી વિભાબેન ગોસ્વામીના નેજા હેઠળ આદર્શ કામગીરી કરવામાં આવી રહી છે. ચોમાસામાં જોયેલું અહીંનું કુદરતી સૌદર્ય માનવીના મન પર અમીટ છાપ છોડી જાય છે.

Reporter Banner FINAL 1