WhatsApp Image 2020 09 25 at 5.19.04 PM 2

ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા રાજ્યમાં ૧.૭૬ લાખ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે: રાજ્ય મંત્રી શ્રી

  • પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વડોદરા શહેરના ગોરવામાં નિર્માણ થયેલા ૯૭૬ આવાસોનો ગાંધીનગરથી ઇ-કોમ્પ્યુટરાઇઝડ ડ્રો યોજાયો
  • ગોરવામાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા રૂા.૧૦૦ કરોડ ઉપરાંતના ખર્ચે ઇ.ડબલ્યુ.એસ-૨ પ્રકારના ૧૫૬૦ આવાસોનું નિર્માણ થઇ રહયું છે
  • ગુજરાત હાઉસીંગ બોર્ડની વડોદરા કચેરી દ્વારા ૨૦૧૪ થી આજદિન સુધી કુલ ૩૪૨૧ આવાસોનું નિર્માણ કરી લાભાર્થીઓને રહેણાંક માટે ફાળવવામાં આવ્યા

વડોદરા,૨૫ સપ્ટેમ્બર: ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા વડોદરા શહેરના ગોરવા ખાતે નિર્માણ થઇ રહેલા કુલ ૧૫૬૦ ઇ.ડબલ્યુ.એસ-૨ પ્રકારના આવાસો પૈકી ૯૭૬ આવાસો માટેનો ઇ-કમ્પ્યુટરરાઇઝ ડ્રો નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રીશ્રી યોગેશભાઇ પટેલ તથા બોર્ડના ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા,ધારાસભ્ય શ્રી જીતુભાઈ સુખડિયાના હસ્તે ગાંધીનગરથી સંપન્ન થયો હતો. વડોદરા શહેરમાં ગોરવા-લક્ષ્મીપુરા રોડ ખાતે રૂ.૧૦૦ કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ થઇ રહેલ ૧૫૬૦ ઇ.ડબલ્યુ.એસ-૨ પ્રકારના મકાનો પૈકી ૯૭૬ આવાસોનો પ્રાયોરીટી તથા નંબરીંગ ડ્રો આજે યોજવામાં આવ્યો હતો. રાજ્ય મંત્રી શ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા રાજ્યમાં અત્યાર સુધી ૧,૭૬,૮૩૦ આવસનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે હાઉસીંગ બોર્ડ દ્વારા ૨૦૧૪ થી આજ દિન સુધી વડોદરા કચેરી દ્વારા કુલ ૩૪૨૧ જેટલા જુદી જુદી કેટેગરીના લાભાર્થીઓ માટેના આવાસોનું બાંધકામ પુર્ણ કરી ફાળવણીના નિયમો અનુસાર ફાળવણી કરી લાભાર્થીઓને રહેણાંક હેતુસર ફાળવવામાં આવ્યા છે.

શ્રી પટેલે જણાવ્યું કે સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગૃહ યોજના તથા મુખ્યમંત્રી ગૃહ યોજનાની જાહેરાત અંતર્ગત વધતા જતા શહેરીકરણને કારણે શહેરી સુવિધાઓની માંગ-જરૂરીયાતમાં આવાસોનો ઘણો વધારો થયો છે.

ગુજરાત જેવા રાજયમાં જયાં શહેરી વિસ્તાર અન્ય રાજયોની સરખામણીએ ઘણો વધારે છે. ત્યાં આ સમસ્યા વધુ જટીલ બનતી જાય છે. તેથી જ રાજ્ય સરકારે આ સમસ્યાના નિરાકરણ માટે સુવ્યવસ્થિત વિકાસના હેતુસર મિશન-૨૦૨ર સુધીમાં શહેરોને ઝુપડપટ્ટી મુકત બનાવવા તેમજ શહેરી ગરીબ તેમજ ઓછી આવક જુથના લાભાર્થીઓને વ્યાજબી કિંમતે આવાસો પુરા પાડવા માટે પ્રધાનમંત્રી ગૃહ તથા મુખ્યમંત્રી ગૃહ યોજના અમલમાં મૂકી છે. તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા અત્યારની જરૂરીયાત મુજબ બોર્ડના માળખામાં બાંધકામની પ્રવૃતિમાં અને પધ્ધતિઓમાં ધરમુળથી ફેરફારો કરી નવી યોજનાઓ આધુનિક સમયની જરૂરીયાત મુજબ સુદ્રઢ તેમજ ગુણવત્તાયુક્ત બનાવવામાં આવી છે.

મંત્રી શ્રી એ વડોદરા અને સુરતના આવાસના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ અવસરે મેયર જિગીષા બેન શેઠ,નગર સેવકો, પદાધિકારીઓ, ગુજરાત હાઉસીંગ બોર્ડના જાગીર વ્યવસ્થાપક શ્રી મૌલિક કટારિયા અને હવાલાના કાર્યપાલક ઇજનેરશ્રી હિમાંશુ રાય ,લાભાર્થીઓ વડોદરા શહેરમાં યોજાયેલ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.