CM Central Team covid 7

કોવિડ-19 સામે લડવા માટે ગુજરાત પૂર્ણ રૂપે સુસજ્જ : વરિષ્ઠ તજજ્ઞોની કેન્દ્રિય ટીમની પ્રતિક્રિયા

CM Central Team covid 7
  • કોરોના સામેની લડતનું ગુજરાત મોડેલ સમગ્ર દેશમાં પ્રચલિત કરવાના પ્રયત્નો કરાશે : ડૉ. વિનોદ પૌલ
  • મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કોરોના સામેની કટોકટીભરી લડાઈનું જે પ્રકારે નેતૃત્વ સંભાળી રહ્યા છે એ ઉદાહરણીય અને પ્રસંશનીય
  • આરોગ્ય વિભાગે અપનાવેલ સ્ટ્રેટેજી અને મહત્વપૂર્ણ પગલાંઓના અમલીકરણ થકી અમદાવાદમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે : ડૉ.રણદીપ ગુલેરિયા
  • વરિષ્ઠ તજજ્ઞોની કેન્દ્રિય ટીમની ગાંધીનગરમાં પત્રકાર પરિષદ
CM Central Team covid

ગાંધીનગર, ૧૭ જુલાઈ ૨૦૨૦

કોવિડ-19 સામે લડવા માટે ગુજરાત પૂર્ણ રૂપે સુસજ્જ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત કોરોના સામે અસરકારક લડત આપી રહ્યું છે. સુરત અને અમદાવાદમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સુયોગ્ય અને અસરકારક પગલાં લેવાઈ રહ્યા છે એમ નીતિ આયોગના સભ્ય અને એઈમ્સના ફેકલ્ટી શ્રી ડૉ. વિનોદ કે. પૌલે કહ્યું હતું. સુરત અને અમદાવાદની મુલાકાત પછી ગાંધીનગરમાં પત્રકારો સાથે વાત કરતાં ડૉ. વિનોદ પૌલે કહ્યું હતું કે, કોરોના જેવી અજાણી મહામારી સામે લડતાં લડતાં ગુજરાતે એવી અનેક પદ્ધતિઓ અને પ્રણાલિકાઓ શરૂ કરી છે જે સમગ્ર ભારત માટે અનુકરણીય અને અનુસરણીય છે. કોરોના સામેની લડતનું ગુજરાત મોડેલ સમગ્ર દેશમાં પ્રચલિત કરવાના પ્રયત્નો કરીશું એમ પણ શ્રી પૌલે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના આમંત્રણને સ્વીકારીને વિચારોના આદાન-પ્રદાન માટે ગુજરાત આવેલી તજજ્ઞોની ટીમના વરિષ્ઠ સભ્ય ડૉ. વિનોદ પૌલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સર્વેલન્સ અને કન્ટેન્ટમેન્ટ માટે ટેકનોલોજીનો જે પ્રકારે ઉપયોગ કરવામાં આવ્યો છે એ પ્રશંસનીય છે. આ કોમ્પ્રીહેન્સીવ સ્ટ્રેટેજીના ખૂબ સારા પરિણામો અમદાવાદ અને સુરતમાં જોવા મળ્યા છે.

CM Central Team covid 6

ગુજરાતમાં અપનાવાયેલા કોમ્યુનિટી કોવિડ આઈસોલેશન પ્રોજેક્ટની પ્રશંસા કરતા ડૉ. પૌલે જણાવ્યું હતું કે, ક્વૉરેન્ટાઈન એરિયામાં અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સર્વેલન્સ નું કામ કરી રહેલી ટીમોને ગુજરાતમાં પલ્સ ઑક્સિમીટર આપવામાં આવ્યા છે જે અનુસરણીય છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પરિણામલક્ષી પહેલ એવા ધનવંતરી રથ દ્વારા લોકોને ઘર આંગણે સારવાર પહોંચાડવામાં આવી રહી છે તેની પણ શ્રી પૌલે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોવિડ સીવાયના દર્દીઓની સારવાર માટેનું ગુજરાતનું અર્બન હેલ્થનું મોડલ ભારતમાં આગળ લઈ જવાશે.

CM Central Team covid 3

ડૉ. શ્રી વિનોદ પૌલે જણાવ્યું હતું કે, કોરોના દર્દીઓની સારવારની સાથો સાથ દેશ માટે જી.ડી.પી. પણ મહત્વનો અને ચિંતાનો વિષય છે. ત્યારે આપણે ભારતના શ્રમિકોની દિનચર્યામાં પણ ધરમૂળથી ફેરફાર લાવવો પડશે. શ્રમિકો પોતાનું અને પોતાના પરિવારજનોનું રક્ષણ કરતા થાય તેવી બાબતો અમલમાં મૂકવી પડશે. આ માટે ઉદ્યોગગૃહોમાં અને કામકાજના સ્થળો પર શ્રમિકોના આરોગ્યનું રક્ષણ થાય એવી બાબતો અપનાવવી પડશે. તેમણે કહ્યું હતું કે, ઔધોગિક ક્ષેત્રે અગ્રણી એવા ગુજરાતમાં ટેક્સટાઇલ્સ અને ડાયમંડ ફેક્ટરીઓમાં શ્રમિકો માટે નવી SOP – સ્ટાન્ડર્ડ ઑપરેટિવ પ્રોટોકોલ બનાવવામાં આવ્યા છે. ગુજરાતે તૈયાર કરેલા આ પ્રોટોકોલ ખૂબ અસરકારક છે. આ પ્રોટોકોલની જેનેરિક રૂપ આપવાનો પ્રયત્ન કરાશે. ભારતના અન્ય પ્રદેશો અને ઉદ્યોગોમાં ગુજરાતનું મોડેલ લાગુ કરવાના પ્રયત્નો કરાશે.

આરોગ્ય સેતુ અને ઇતિહાસ સોફ્ટવેર ના ઉપયોગ વિશે અત્યંત સંતોષ વ્યક્ત કરતા ડૉ. વિનોદ કે પૌલે જણાવ્યું હતું કે, ગુજરાતે માત્ર આ સેલફોન ટેકનોલોજી સારી રીતે અપનાવી છે એટલું જ પર્યાપ્ત નથી એને રિફાઇન્ડ પણ કરી છે. આવનારા સમયમાં કોરોનાનું સંક્રમણ કયા વિસ્તારોમાં વધી શકે છે તેના પર ધ્યાન આપવામાં ઈતિહાસ સોફ્ટવેર ઘણું ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતે કરેલી આ પહેલ અન્ય રાજ્યોમાં પણ મદદરૂપ થશે એનું અમને ગૌરવ છે.

ગુજરાતમાં કોરોનાના દર્દીઓને અપાઈ રહેલી સારવાર અને કોરોનાના દર્દીઓ માટે રાજ્ય સરકારે કરેલી આરોગ્ય વ્યવસ્થાઓ માટે પૂર્ણ સંતોષ વ્યક્ત કરતાં ડૉ. પૌલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોવિડ હોસ્પિટલ અને આઈ.સી.યુ. બેડ પર્યાપ્ત માત્રામાં છે. ગુજરાતે આગોતરી સજ્જતા રાખીને પૂરી તૈયારી કરી છે. દર્દીઓની સંખ્યા વધે તો પણ સંભાળી શકાય એ પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં છે. પ્રાઇવેટ હોસ્પિટલ અને ખાનગી ડોક્ટરો સાથે સરકારનો સુમેળભર્યો તાલમેલ પણ પ્રશંસનીય છે. રાજ્ય સરકારે બનાવેલી તજજ્ઞ ડોક્ટરોની ટાસ્ક ફોર્સને મળીને પણ ખૂબ સારું લાગ્યું. ગુજરાત સરકાર જેવી આ પહેલ અને આ પદ્ધતિ તમામ રાજ્યોએ પણ અપનાવવા જેવી છે એમ તેમણે કહ્યું હતું.

ગુજરાતમાં કોરોનાથી થતા મૃત્યુનો દર ભારતના મૃત્યુદર થી પણ ઓછો છે, એમ કહીને ગુજરાતની સારી સ્થિતિ વિશે સંતોષ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે અનેક બાબતોમાં પહેલ કરી છે. પ્લાઝમા ટ્રાન્સમિશન હોય કે આરોગ્ય ક્ષેત્રના કર્મયોગીઓને તાલીમ આપવાની બાબત હોય ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. ગુજરાતમાં દવાઓ કે જરૂરી સાધન સામગ્રીની પણ કોઈ અછત નથી એટલું જ નહીં ગુજરાતે આવનારા સમયને ધ્યાનમાં રાખીને દવાઓ અને અન્ય મેડિકલ જરૂરિયાતો માટે પૂરતું આયોજન કર્યું છે. 104 ની સેવાઓ હોય કે ટેલી મેડિસિન કે પછી કોમ્યુનિટીને અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને સર્વેલન્સની કામગીરી, કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં કામગીરી કે ટેકનિકલ બાબતોની કામગીરી આ તમામમાં ઉપયોગ કરવાની ગુજરાતે પહેલ કરી છે તે પ્રસંશનીય છે. વયસ્ક નાગરિકો અને અન્ય બીમારીઓ સાથે જીવતા વરિષ્ઠ નાગરિકોની સંભાળ અને સુશ્રુષા માટે ગુજરાતે સારું કામ કર્યું છે. આયુષ અંતર્ગત સેવાઓમાં પણ ગુજરાતમાં ખૂબ સારું કામ થયું છે.

CM Central Team covid 2

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સીએમ ડેશબોર્ડથી પ્રભાવિત ડૉ. વિનોદ પૌલે કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આ કટોકટીભરી લડાઈનું જે પ્રકારે નેતૃત્વ સંભાળી રહ્યા છે એ ઉદાહરણીય અને પ્રસંશનીય છે.

ડો. રણદીપ ગુલેરિયા, એઇમ્સ ડાયરેક્ટર

એઇમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી ગુજરાતમાં તેમની આ બીજી મુલાકાત દરમ્યાન ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિમાં ખૂબ જ સકારાત્મક બદલાવ જોવા મળેલ છે. અમદાવાદમાં કોરોના સંક્રમણની સંખ્યાનો ગ્રાફ ખૂબ જ નીચો આવી ગયો છે. રાજ્યના આરોગ્ય વિભાગે કોરોના સંક્રમણને ખાળવા અપનાવેલ સ્ટ્રેટેજી અને કેટલાક આરોગ્યલક્ષી મહત્વપૂર્ણ પગલાંઓના અમલીકરણ થકી આ શક્ય બન્યું છે. ડોર ટુ ડોર સર્વેલન્સ, દર્દીઓને આઈશોલેશન માટેની સુયોગ્ય વ્યવસ્થા સહિતના પગલાંઓના પરિણામે અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા તથા મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
મદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રશંસા કરતા ડૉ. ગુલેરિયા એ ઉમેર્યું હતું કે, ધનવંતરી રથનો પ્રોજેક્ટ કોરોના સંક્રમણને રોકવામાં ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થયો છે. હાલના તબક્કે દર્દીઓને હોસ્પિટલમાં જવાનો ડર લાગતો હોય છે ત્યારે નોન કોવિડ દર્દીઓને પણ તપાસીને ધન્વંતરી રથ થકી ઘરઆંગણે જ તેમનું નિદાન કરી દવાઓ આપવામાં આવી રહી છે તે ખરેખર પ્રશંસનીય બાબત છે. અમદાવાદની આ સ્ટ્રેટેજીનું દેશના અન્ય શહેરોમાં પણ અમલીકરણ કરવું જોઈએ તેવો મત તેમણે વ્યક્ત કર્યો હતો.
ડૉ. ગુલેરિયાએ કે, માત્ર ૧૫ મિનિટમાં જ રેપિડ એન્ટિજન્ટ ટેસ્ટ થકી કોવિડ-૧૯ ટેસ્ટનો રિપોર્ટ મેળવીને ઝડપથી સારવાર કરવાની પદ્ધતિ પણ પ્રશંસનીય છે. તેમ જણાવી ગુજરાતમાં 104 હેલ્પલાઇન, ઘરે જ અપાતી હેલ્થ કેર સેવા, સુરત અને અમદાવાદનું મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુરતમાં માત્ર બે જ અઠવાડિયામાં ઓકિસજન વ્યવસ્થા સાથે ઉભી કરાયેલી એક હજાર બેડની હોસ્પિટલ, સુરત ખાતે સ્થપાયેલી પ્લાઝમા ડોનેશન બેંક, સી.એમ ડેશ બોર્ડ થકી રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા આ સ્થિતિ ઉપર સતત કરાતું મોનિટરીંગ તથા પીપીપી મોડેલ અને હોસ્પિટલમાં કાર્યરત તજજ્ઞ તબીબોની પ્રશંસા કરી હતી.
ડો. ગુલેરિયાએ વધુમાં ઉમેર્યું હતું કે રાજ્યમાં કામદારો રોજગારી માટે વતનમાંથી પરત ફરી રહ્યા છે ત્યારે તેઓ સાવચેતી સાથે કામે લાગે તે ખૂબ જ જરૂરી છે. આ કામદારો કોવિડ ૧૯ થી સંક્રમિત ન થાય અને કોવિડનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે કામદારોને તકેદારી અર્થે તાલીમ આપી તેમનું મોનીટરીંગ પણ કરતા રહેવું જોઈએ.

ડો. ગુલેરિયા એ વધુમાં જણાવ્યું હતું કે, દરેક રાજ્યના કોવિડ સેન્ટર ફોર એકસેલન્સમાં વેબીનાર થકી તબીબોને આધુનિક માહિતી પુરી પાડવામાં આવે છે. ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા, આસામ, દિલ્હી અને બેંગલોરની હોસ્પિટલના તબીબો સાથે દર મંગળવાર અને શુક્રવારે ચર્ચા કરી નવી સ્ટ્રેટેજી માટે સૂચનો આપવામાં આવે છે.

શ્રીમતી આરતી આહુજા, અધિક સચિવ, કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ શ્રીમતી આરતી આહુજાએ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસને ફેલાતો રોકવામાં આરોગ્ય સેતુ એપ ખૂબ જ ઉપયોગી બન્યું છે તેનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આ ટેકનોલોજીના માધ્યમથી અમદાવાદ અને સુરત મહાનગર પાલિકા વિસ્તારોમાં કન્ટેન્ટમેન્ટ ઝોન નક્કી કરી તકેદારીનાં જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કોરોના સંક્રમિતોના કોન્ટેક્ટ ટ્રેસીંગની કાર્યવાહી સઘન બનાવી વોરરૂમમાં ઝડપથી તેની જાણકારી આપી કોવિડ ટેસ્ટ વધારવાની સાથે અન્ય રોગોથી પીડાતા કોમોર્બિડ દર્દીઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જે સરાહનીય છે.
ગુજરાતના આરોગ્ય તંત્ર દ્વારા ધન્વંતરી રથના માધ્યમથી ડોર ટુ ડોર સર્વેલન્સ અને રેપીડ ટેસ્ટની કામગીરી વધુ ઝડપી બનાવી કોરોના સંક્રમણને રોકવાના નોંધનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ શ્રીમતી આહુજાએ ઉમેર્યુ હતું.
સૂરત શહેરના નાગરિકોને કોરોના ચેપથી બચાવવા સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓના યોગદાનથી નમૂનારૂપ કોમ્યુનિટી કેર સેન્ટર કાર્યરત છે તેમ જણાવી શ્રીમતી આહુજાએ ગુજરાતમાં સમગ્ર આરોગ્યતંત્રની સાથે રાજ્ય પ્રશાશનના ઉચ્ચ અધિકારીઓ એક ટીમવર્કથી કોરોના સંક્રમણને અટકાવવા પ્રયત્નશીલ છે તેમ જણાવ્યું હતું.


આ પત્રકાર પરિષદ દરમિયાન અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતી રવિ ઉપસ્થિત રહ્યા હતા.