RJT Dr Mukesh Patel

પોતાના પરિવાર પહેલાં અન્યોના પરિવારના સ્વાસ્થ્યના કલ્યાણની ચિંતા કરતાં:ડો. મુકેશ પટેલ

RJT Dr Mukesh Patel

અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ

રાજકોટ,૦૫ સપ્ટેમ્બર: “પરિવાર” શબ્દ બોલતા કે સાંભળતાની સાથે અનેક સુખ-દુ:ખની ભાવનાઓના અદ્શ્ય સ્પર્શની કંપારી પગથી લઈને ધડ સુધી પ્રસરી જતી હોય છે. વિકટ પરિસ્થિતિમાં વ્યક્તિની તાકાત અને નબળાઈ બનતો પરિવાર તેના માટે સર્વસ્વ હોય છે. અને જો આ સર્વેસર્વા પરિવારમાંથી કોઈ એકપણ સદસ્યને મુશ્કેલી કે સમસ્યા અનુભવાઈ તો આપણે વિચલિત થઈ જતા હોઈએ છીએ. પરંતુ આ કોરોના કાળમાં આપણી સામે એવા તબીબકર્મીઓ ઉભરીને સામે આવ્યા છે, જેઓ પોતાના પરિવાર કરતાં અન્ય પરિવારના સ્વાસ્થ્યના કલ્યાણ માટે કર્તવ્યનિષ્ઠાને પ્રાધાન્ય આપીને ફરજ અદા કરી રહ્યા છે. જેમનું નામ છે ડો. મુકેશ પટેલ.

 રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મનોચિકિત્સક વિભાગમાં હેડ તરીકે ફરજ નિભાવતા ડો. મુકેશ પટેલ કોરોનાથી સંક્રમિત દર્દીઓને નવજીવન બક્ષવા માટે પોતાની ટીમ સાથે યુધ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. તેવા સમયે જૂનાગઢમાં રહેતા પોતાના બહેન-બનેવી કોરોનાથી સંક્રમિત થયાના સમાચાર સાંભળીને પણ સંપૂર્ણ સ્વસ્થતા સાથે ફરજને પ્રાથમિકતા આપતા ડો. મુકેશ પટેલએ આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, “બહેન-બનેવી અને બે નાની ભાણકીઓ કોરોનાથી સંક્રમિત થયાના સમાચાર સાંભળીને જ હું વ્યથિત થઈ ગયો હતો. પારિવારીક પ્રેમ-મોહ અને ફરજએ મને અસમંજસમાં મુકી દીધો હતો. કારણ કે અન્ય કોરોના દર્દીઓની સારવાર માટે હું બહેન-બનેવી પાસે જૂનાગઢ જઈને તેમના ખબર-અંતર પુછી શકું તેવો સમય નહોતો.”     

 અનેક મહિનાઓથી કોરોના સામે લડાઈ લડી રહેલા ડો.મુકેશ પટેલએ દર્દીને આપવામાં આવતી સારવાર અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, ” લોકોને એમ થતું હોય છે કે ડોક્ટર્સ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના પરિવારજનોને ખાસ સુવિઘા સાથે સારવાર આપવામાં આવતી હોય છે. પરંતુ એવું કશું જ નથી. જે સારવાર સામાન્ય જનતાને આપવામાં આવે છે તે જ સારવાર ડોક્ટર્સ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના પરિવારજનોને આપવામાં આવે છે. તેમના માટે કોઈ અલાયદા સુવિધા કે સ્પેશ્યિલ વોર્ડ નથી. આજે કોરોનાથી સંક્રમિત દરેક વ્યક્તિ શ્વાસ માટે લડાઈ લડી રહ્યો છે. તેને આ લડાઈમાં જીત અપાવવા માટે દરેક આરોગ્યકર્મી સંનિષ્ઠતાથી કામ કરી રહ્યો છે.”

પરિવારથી દૂર રહીને પણ હોસ્પિટલનો દરેક સ્ટાફ મેમ્બર્સ માનવીય અભિગમ અને આત્મીયતા સાથે સારવાર કરી રહ્યો છે. રાઉન્ડ ધી કલોક કામ કરતો સમગ્ર હોસ્પિટલ સ્ટાફ ઘણીવાર થાકના કારણે ધીરજ ખોઈ બેસે છે પરંતુ લોકોએ એ સમજવું જરૂરી છે કે તે પણ સામાન્ય માણસ છે. અનેક દર્દીઓની  દિવસ-રાત સારવાર કરતો હોવાથી તેને પણ દર્દી તરફથી આત્મીયતા અને સહકારની જરૂર હોય છે. તેમ ડો. મુકેશ પટેલએ જણાવ્યું હતું.

રાષ્ટ્રહિત માટે પોતાની ખુશીઓને નેવે મુકીને દરેક મોરચે કામ કરેલી રહેલા આરોગ્ય વિભાગને સો-સો સલામ.