5e8b0dae 9063 4f5e b338 7b3a9f8d6b335HUE 1

કોવિડ-19ના કારણે લાગુ લૉકડાઉન દરમિયાન જન ઔષધી કેન્દ્રો પર એપ્રિલ 2020માં રૂ. 52 કરોડના ટર્નઓવર સાથે વિક્રમી વેચાણ

નવી દિલ્હી, પી આઈ વી

કોવિડ19ના કારણે લાગુ કરવામાં આવેલા  લૉકડાઉન દરમિયાન ખરીદી અને લોજિસ્ટિક્સની સમસ્યાઓ હોવા છતાં પણ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રો –PMBJAKએ એપ્રિલ 2020માં રૂ52 કરોડના ટર્ન ઓવર સાથે વિક્રમી વેચાણ  કર્યું છે જ્યારે માર્ચ 2020માં રૂપિયા 42 કરોડનું  વેચાણ થયું હતું. એપ્રિલ 2019માં જન ઔષધી  કેન્દ્રો પર રૂ. 17 કરોડનું વેચાણ થયું હતું.

અત્યારે આખો દેશ કોવિડ19 મહામારીના કારણે  ઉભા થયેલા વિરાટ પડકારનો સામનો કરી રહ્યો  હોવાથી, દવાઓ અને તબીબી ઉપકરણોની માંગમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે અને આ માંગને  પૂરી કરવા માટે જન ઔષધી કેન્દ્રોએ એપ્રિલ  2020ના મહિનામાં રૂપિયા 52 કરોડની પરવડે  તેવા દરે અને ગુણવત્તાપૂર્ણ દવાઓનું લોકોમાં  વેચાણ કર્યું છે. આ કારણે દેશવાસીઓને રૂપિયા  300 કરોડની બચત થઇ છે કારણ કે, જન  ઔષધી કેન્દ્રોની દવાઓ સામાન્ય બજાર કિંમતની તુલનાએ 50 થી 90 ટકા સુધી સસ્તી હોય છે.

ભારત સરકારના કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડી.વી સદાનંદ ગૌડા તેમજ રસાયણ અને ખાતર રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આટલા  મોટા ટર્નઓવરનો આંકડો હાંસલ કરવા બદલ  અને વિપરિત સંજોગોમાં જ્યારે દેશ જરૂરિયાતની સ્થિતિમાં આવીને ઉભો છે તેવા સમયે અવિરત  અને અથાક પરિશ્રમ કરવા બદલ જન ઔષધી  સ્ટોરના સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી ગૌડાએ ખાતરી આપી હતી કે, તેમનું મંત્રાલય પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના  (PMBJP) દ્વારા સમગ્ર દેશના લોકોને પરવડે તેવી કિંમતે વિના અવરોધે દવાનો જથ્થો પૂરો પાડવા  માટે પ્રતિબદ્ધ છે.

કોવિડ-19 સામેની લડાઇમાં ભારત સરકાર  PMBJP જેવી નોંધનીય યોજનાઓ દ્વારા આરોગ્ય  સંભાળ તંત્રના ચહેરામાં ક્રાંતિકારી પરિવર્તન લાવી રહી છે. આ યોજના દ્વારા 900થી વધુ જેનેરિક  દવાઓ અને 154 સર્જિકલ ઉપકરણો તેમજ  કન્ઝ્યુમેબલ ચીજો પરવડે તેવી કિંમતે દેશના  નાગરિકોને પૂરી પાડવામાં આવે છે.

બ્યૂરો ઓફ ફાર્મા PSU ઓફ ઇન્ડિયા (BPPI)ના  CEO સચિનકુમાર સિંહે જણાવ્યું હતું કે, BPPI દ્વારા જન ઔષધી સુગમ મોબાઇલ એપ્લિકેશન‘ તૈયાર કરવામાં આવી છે જે લોકોને પોતાની આસાપાસના વિસ્તારોમાં જન ઔષધી કેન્દ્ર  શોધવા માટે તેમજ પરવડે તેવી કિંમતે જેનેરિક  દવાઓની ઉપલબ્ધતા ચકાસવા માટે ખૂબ જ  મોટાપાયે મદદરૂપ થઇ શકે છે. 325000થી વધુ લોકો આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ આ એપ્લિકેશનની મદદથી જન ઔષધી કેન્દ્રના સ્થળ માટે ગૂગલ મેપ દ્વારા દિશાસૂચન, જન ઔષધી જેનેરિક દવાઓ શોધવી,  જેનેરિક દવાઓ અને બ્રાન્ડેડ દવાઓ વચ્ચે MRP અને એકંદરે થતી બચતના સંદર્ભમાં તુલના કરવી વગેરે જેવા યુઝર ફ્રેન્ડલી વિકલ્પોનો ઉપયોગ કરી શકે છે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને આઇ-ફોન બંને પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ છે.

વર્તમાન સમયમાં, સમગ્ર દેશમાં 726 જિલ્લામાં  PMJAKના 6300થી વધુ કેન્દ્રો કાર્યરત છે.  લૉકડાઉનના સમયમાં PMBJP દ્વારા પણ સોશિયલ મીડિયા પર માહિતીપ્રદ પોસ્ટરોની મદદથી લોકોમાં કોરોના વાયરસ અંગે જાગૃતિ અને તેનાથી પોતાને કેવી રીતે સુરક્ષિત  રાખવા તેની માહિતીનો પ્રસાર કરવામાં આવી રહ્યો છે.