પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાંથી કુલ 2,09,279 જેટલી કૃતિઓ પ્રાપ્ત થયેલ છે.પ્રથમ આવનાર વિદ્યાર્થીને રૂ.15.000/-પારિતોષિક આપવામા આવશે

ગુજરાત ગૌરવ દિન સ્પર્ધા ( પ્રાથમિક અને માધ્યમિક વિભાગ)

ગાંધીનગર, ૧૩,મે ૨૦૨૦

ગુજરાત સરકાર દ્વારા માન.મુખ્યમંત્રીશ્રીની સુચનાથી તારીખ 1લી મે, 2020 ના રોજ ગુજરાત ગૌરવ દિન નિમિત્તે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ગુજરાત ગૌરવ દિન નિમિત્તે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને કાવ્ય લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમાં ગુજરાતની તમામ પ્રકારની શાળાઓમાંઅભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ભાગ લેવા અપીલ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાની કૃતિ પોતે જે જિલ્લામાં અભ્યાસ કરતાં હોય તે જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને નિયત કરેલ ઈ-મેઈલ એડ્રેસ પર મોકલી આપવાની હતી.

તા.10/05/2020 સુધી યોજાયેલ આ સ્પર્ધામાં પ્રાથમિક વિભાગમાં ચિત્ર સ્પર્ધાની 70464, નિબંધ સ્પર્ધાની 38037 અને કાવ્ય લેખનની 15733 મળીને કુલ 1,24,534 કૃતિઓ મળેલ છે. જ્યારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ચિત્ર સ્પર્ધાની 42090, નિબંધ સ્પર્ધાની 31741 અને કાવ્ય લેખનની 10914 મળીને કુલ 84745 કૃતિઓ પ્રાપ્ત થયેલ છે. આમ, પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાંથી કુલ 2,09,279 જેટલી કૃતિઓ પ્રાપ્ત થયેલ છે. આ કૃતિઓની જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મારફતે ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. બંને વિભાગોમાં જિલ્લા કક્ષાએ દરેક સ્પર્ધામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને રૂ.15.000/- બીજા નંબરે આવનાર વિદ્યાર્થીને રૂ.10,000/- અને ત્રીજા નંબરે આવનાર વિદ્યાર્થીને રૂ.5,000/- નું પારિતોષિક આપવામા આવશે

લોકડાઉનની પરિસ્થિતિમાં પણ ગુજરાતના વિદ્યાર્થીઓએ ગુજરાત ગૌરવ દિનની કરેલ ઉત્સાહભેર ઉજવણી માટે શિક્ષણ વિભાગના તમામ અધિકારીશ્રીઓ/કર્મચારીઓ અને તમામ વિદ્યાર્થીઓને માન.મુખ્યમંત્રીશ્રીએ વિશાળ સંખ્યામાં ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. માત્ર સ્પર્ધા જ નહી પરંતુ તમામ ક્ષેત્રે ગુજરાતના ગૌરવને વધારવા તમામ ગજરાતીઓ પોતાનો સાથ અને સહકાર આપે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.