IMG 20210109 WA0021

માસ્ક વિશે A to z લેખક – બકુલ ડેકાટે

૧૯૧૫-૧૯૧૮ના અરસામાં સ્પેનમાંથી ફાટી નીકળેલા રોગચાળા માટે જવાબદાર વાઇરસ/બીમારીને ઉદગમસ્થાન પરથી નામ આપવામાં આવ્યું ‘સ્પેનિશ ફ્લુ’. ૧૯૭૬માં એક કાળમુખા વાઇરસે આફ્રિકામાં રોગચાળો ફેલાવ્યો હતો. વૈજ્ઞાનિકો હજી પણ તેના ઉદગમસ્થાન વિશે અંધકારમાં છે. છતાં સર્વમાન્ય થિયરી પ્રમાણે તે વાઇરસ ઇબોલા નદી પાસેથી અસ્તિત્વમાં આવ્યો અને ફેલાયો. હાલ તે વિસ્તાર ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો તરીકે ઓળખાય છે. ફક્ત અટકળના આધારે તે વાઇરસને નામ અપાયું ‘ઇબોલા’. તે જ પ્રમાણે ૧૯૭૭-૧૯૭૮ના સમયગાળા દરમ્યાન રશિયામાં મહામારી માટેનું નિમિત્ત બનનાર વાઇરસ ‘રશિયન ફ્લુ’ તરીકે જગવિખ્યાત થયો. ત્યારબાદ વિદેશ જનાર કોઈ NRI ભારતમાં એક નવી બીમારી લઈ આવી. તે બીમારીને ‘ઇન્ડિયન સ્વાઈન ફ્લુ’નું નામ મળ્યું. આટલી પૂર્વભૂમિકા બાંધી એક પ્રશ્નના ઉત્તર માટે!

ચીનના વુહાન ટાઉનમાંથી ફાટી નીકળેલી બીમારી કોવિડ 19માટે જવાબદાર વાઇરસને WHO એ ચાઈનીઝ વાઇરસ કે વુહન વાઇરસ નામ કેમ ના આપ્યું? ઉપરોક્ત દાખલાઓ જોતા તો વુહાન/ચાઈનીઝ વાઇરસ નામ વધુ બંધબેસતું આવે છે. અમેરીકા તો આજે પણ SARS-COV-2 માટે ચાઈનીઝ વાઇરસ શબ્દ પ્રયોજે છે. અમેરીકાની અનેક રજૂઆતો છતાં WHO એ વાઇરસ માટે SARS-COV-2 અને બીમારી માટે કોવિડ 19 શબ્દ પસંદ કર્યો. પરિણામ સ્વરૂપ અનેક બહાનાબાજી બાદ અમેરીકાએ WHO સાથે છેડો ફાડી નાખ્યો છે. ગ્રાન્ટ આપવાનું બંધ કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે WHO ચાઈનીઝ સત્તા દ્વારા ફેલાયેલી મહામારીમાં નિષ્ફળ રહ્યું છે. તેની ભૂમિકા અને વલણ શંકાસ્પદ છે.

વુહાનમાં પ્રથમ કેસ નોંધાયો ત્યારથી જ અમેરીકાએ પીપુડી વગાડવા માંડેલી કે અમેરીકા જેવા દેશોને આર્થિક રીતે પાયમાલ કરવા માટેનું ચીનનું આ પૂર્વઆયોજિત કાવતરું હતું. એટલે જ સ્તો, દુનિયામાં સૌથી વધુ માસ્ક બનાવનાર દેશની નામના મેળવનાર, છંછેડાયેલા ચીને પેન્ડેમીક કાળમાં જાપાનને ૧.૧ મિલિયન, સાઉથ કોરિયાને ૭.૧ મિલિયન, ઈરાનને ૧.૨૫ મિલિયન માસ્ક પહોંચાડીને મદદ કરી. યદપિ, અમેરીકાને આવી કોઈ મદદ કરી નહિ. પાછળથી અલીબાબા ગ્રુપના ફોર્મર ચેરમેન જેક માએ સ્વખર્ચે પાંચ લાખ ટેસ્ટ કીટ અને ૧ લાખ માસ્ક અમેરિકાને મદદ સ્વરૂપે મોકલ્યાં હતાં. ભારતે પણ હાઇડ્રોક્સીક્લોરોકવીન દવાનો ખૂબ મોટો જથ્થો અમેરીકાને મોકલ્યો હતો.

ચીનની અવળચંડાઈને કારણે અને અમેરીકામાં અકલ્પનિય હદે વધી રહેલા કેસોની સંખ્યા જોતા ત્યાંની સરકારે N95 માસ્કની ક્વોલિટી, ક્વોન્ટીટી અને ડિસ્ટ્રિબ્યુશન પર વિશેષ ધ્યાન આપ્યું. પરિણામે અમેરીકન N95 એ ચાઈનીઝ KN95 માસ્કને માર્કેટમાં જબરદસ્ત ટક્કર આપી. એ જ રીતે માસ્કની કટોકટીને પહોંચી વળવા અને આફતને અવસરમાં બદલવામાં માનતી ભારતીય પ્રજાએ હોમ મેડ કાપડના માસ્ક બનાવવામાં પાવરધા મેળવી. અલબત્ત, કાપડના માસ્ક કેટલા સલામત છે એ સંશોધનનો વિષય છે. ફક્ત કાપડના માસ્ક જ શું કામ? સર્જીકલ માસ્ક અને N95 માસ્કની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠી રહ્યાં છે. તેમની સલામતી ફીચર્સ પર આંગળીઓ ઉઠી રહી છે. ત્યારે માસ્ક વિશે જાણકારી મેળવવી રસપ્રદ થઈ રહેશે.

1) માસ્કના પ્રકાર.

માસ્કને ત્રણ વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે.

★ હોમ મેડ કલોથ માસ્ક.

★ 3લેયર સર્જીકલ માસ્ક.

★ રેસ્પીરેટર્સ.

2) સર્જીકલ માસ્ક.

મોટાભાગે ઓપરેશન વખતે ડૉક્ટર્સ જે વાદળી રંગનો રેક્ટેન્ગલ માસ્ક પહેરે છે એ સર્જીકલ માસ્ક છે. શસ્ત્રક્રિયા વખતે ડૉક્ટરના પરસેવા કે છીંક, ઉધરસ વખતે હવામાં ફેંકાયેલા ડ્રોપલેટ્સ(પ્રવાહી બિંદુઓ) દર્દીના કપાયેલા અંગને ચેપ ના લગાડે એ માટે સર્જીકલ માસ્કનો ઉપયોગ થતો હોય છે. Polypropylene/પોલીપ્રોપેલિન મટીરીયલમાંથી બનેલા સર્જીકલ માસ્ક સાર્સ-કોવ-2 માટે બેસ્ટ વિકલ્પ નથી. કારણ કે સર્જીકલ માસ્ક ડ્રોપલેટ્સને રોકી શકે છે પણ Aerosol/એરોસોલને નહિ. સરળતા ખાતર એમ કહી શકાય કે, છીંક અથવા ઉધરસ વખતે ફોર્સપૂર્વક જે હવા ફેંકાય છે એ એરોસોલ અને સાથે જે પ્રવાહી બિંદુઓ ફેંકાય એ ડ્રોપલેટ્સ. મતલબ કે કોરોના પોઝિટિવ વ્યક્તિએ ફેંકેલા ડ્રોપલેટ્સને સર્જીકલ માસ્ક રોકી શકે છે. પણ એરોસોલ બેરોકટોક માસ્કના લેયરને વીંધીને સામે રહેલી માસ્કધારી વ્યક્તિને ચેપ લગાડી શકે છે. એથી ઊલટું, જો પોઝિટિવ વ્યક્તિ સર્જીકલ માસ્ક ધારણ કરે તો તે અન્ય વ્યક્તિઓને ચેપ નથી લગાડી શકતો.

3) રેસ્પીરેટર્સ.

N95, N99 અને N100 પ્રકારના માસ્ક રેસ્પીરેટર્સ છે. સિન્થેટિક પ્લાસ્ટિક ફાઇબર મટીરીયલમાંથી બનેલા, નાક અને મોઢા પર ચુસ્તપણે ફિટ બેસે એવાં ગોળાકાર માસ્ક જેમના લેયર પોલીપ્રોપેલિનના બનેલા હોય, નાકના ભાગમાં ફિટિંગ માટે સ્ટીલ અથવા એલ્યુમિનિયમની પ્લેટ આપી હોય અને જે એરોસોલને 95% સુધી રોકવા સક્ષમ હોય એવા માસ્કને રેસ્પીરેટર્સ કહેવાય. નોવેલ કોરોનાથી બચવા માટે હેલ્થવર્કર રેસ્પીરેટર્સનો ઉપયોગ કરતા હોય છે. વર્તમાન સમયમાં કોવિડ 19થી બચાવ માટે રેસ્પીરેટર્સ બેસ્ટ છે. યદપિ, WHO એ તાજેતરમાં જણાવ્યું છે કે વાલ્વવાળા અને વાલ્વ વગરના N95 માસ્ક પણ સંપૂર્ણપણે સુરક્ષિત નથી.

4) માસ્ક અને રેસ્પીરેટર વચ્ચેનો તફાવત.

★માસ્ક ચહેરા પર ફિટ બેસતા નથી. જરાંક ઢીલા હોય છે. રેસ્પીરેટર ટાઈટ ફિટ હોય છે.

★માસ્કમાં રેસ્પીરેટર પર હોય છે એવી નોઝ પ્લેટ નથી હોતી.

★માસ્ક પોલીપ્રોપેલિન અથવા કપડાંના બનેલા હોય છે. જ્યારે રેસ્પીરેટર સિન્થેટિક પ્લાસ્ટિક ફાઇબરના બનેલા હોય છે. જેમના લેયર પોલીપ્રોપેલિનની બનાવટના હોય છે.

★માસ્ક ફક્ત ડ્રોપલેટ્સ રોકી શકે છે. જ્યારે રેસ્પીરેટર ડ્રોપલેટ્સ ઉપરાંત એરોસોલ પણ રોકી શકે છે.

★માસ્કમાં કિનારી પરથી હવા અંદર પ્રવેશી શકે છે. જ્યારે રેસ્પીરેટરમાં હવાને અંદર જવા માટે ફિલ્ટર થવું પડે છે. આકારે ગોળ અને ચુસ્ત ફિટિંગવાળા હોવાથી હવા કિનારીએથી અંદર પ્રવેશી શકતી નથી. એટલે જ કલોથ અને સર્જીકલ માસ્ક કરતાં રેસ્પીરેટર વધુ સલામત છે.

5) રેસ્પીરેટરના પ્રકાર.

રેસ્પીરેટરમાં લગાવવામાં આવેલા ફિલ્ટરની કાર્યદક્ષતા પ્રમાણે તેમના ત્રણ પ્રકાર છે : 95 (FFP1), 99 (FFP2), 100(FFP3).

મતલબ એવા માસ્ક જેમના ફિલ્ટર હવાના સૂક્ષ્મ પાર્ટીકલને અનુક્રમે 95, 99 અને 99.99% સુધી રોકી શકે. આવા માસ્કને આપણે N95, N99 અને N100 તરીકે ઓળખીએ છીએ.

ઉપરાંત આ પ્રકારના માસ્ક પર N, R અને P અક્ષરો હોય છે. જેના આધારે રેસ્પીરેટરના બીજા ત્રણ પ્રકાર છે. જે નીચે પ્રમાણે છે.

★ N – not oil proof

★ R – oil resistant.

★ P – oil proof.

6) માસ્કની ક્વોલિટી.

જે માસ્કને નીચેની સંસ્થા પ્રમાણિત કરે તેમની ક્વોલિટી બાબતે કહેવાપણું હોતું નથી.

★ NIOSH – National institute for occupational safety & health.

★ NPPTL – National personal protective technology laboratory.

7) રીયુઝ.

કપડાંના માસ્ક ધોઈ શકાતા હોવાથી તેમનો પુનઃ ઉપયોગ કરી શકાય. જ્યારે સર્જીકલ માસ્ક ડિસપોસેબલ હોય છે. આથી સિંગલ યુઝ બાદ ફેંકી દેવું હિતાવહ છે. રેસ્પીરેટર એકાંતરે વાપરી શકાય. જોકે ૧૦-૧૫ વાર યુઝ કર્યા બાદ તેમનો પણ નિકાલ કરી દેવો.

8) માસ્ક કેટલાં સુરક્ષિત?

આ સવાલના જવાબ માટે એ જાણવું જરૂરી છે કે માસ્ક કેટલી સૂક્ષ્મ કદના પાર્ટીકલ્સને અંદર આવતા અવરોધી શકે છે. કેટલાક ઉદાહરણ પરથી સમજીએ. ઓક્સિજન પાર્ટીકલની સાઈઝ ૦.૫ નેનોમીટર (૦.૫ × ૧૦૯) હોય છે. જ્યારે વાઇરસની રેન્જ ૨૦-૨૦૦ નેનોમીટર હોય છે. સરખામણીમાં ઓક્સિજન કરતા લગભગ ૧૦૦૦ ગણા મોટા. જ્યારે બેક્ટેરિયાની સાઈઝ ૧,૦૦૦-૨,૦૦૦ નેનોમીટર હોય છે. ઈન્ફ્લુએન્ઝા વાઇરસની સાઈઝ ૧૭૦ નેનોમીટર છે. રેડીઓએક્ટિવ પાર્ટીકલ્સનું કદ ૫૦૦૦ નેનોમીટર હોય છે. આટલી પૂર્વભૂમિકા બાદ જણાવવાનું કે છીંક, ઉધરસ વખતે હવામાં ફેંકાતા ડ્રોપલેટ્સ ૧૦,૦૦૦ નેનોમીટર જેટલા સૂક્ષ્મ હોય છે. જ્યારે એરોસોલ ૧૦,૦૦૦ કરતા સૂક્ષ્મ. હવે તમને એ જાણીને ઝાટકો લાગશે કે N95 માસ્ક ફક્ત ૩૦૦ નેનોમીટર જેટલી સાઈઝના પાર્ટીકલ્સને ૯૫% સુધી જ રોકી શકે છે. જ્યારે N100 માસ્ક એટલા જ કદના પાર્ટીકલ્સને ૯૯.૯૭% સુધી રોકે છે. પણ આપણે અગાઉ જોયું એમ સામાન્ય ફ્લુના વાઇરસ તો ૧૭૦nm ના હોય છે. તો સ્પષ્ટ જવાબ છે સાર્સ-કોવ-2 સામે બધાં માસ્ક પાણી ભરે છે. માટે જ સ્તો, WHO એ કહેવું પડ્યું કે કોઈ પણ માસ્ક નોવેલ કોરોના સામે રક્ષણ નથી આપતું.