WhatsApp Image 2020 07 24 at 7.20.24 PM 2

અભયમની મધ્યસ્થીથી પતિપત્નીનો સંસાર તૂટતાં બચી ગયો

દારૂ પીને પત્નીને ત્રાસ આપતાં પતિને તેની જવાબદારીનું ભાન કરાવતી અભયમ ટીમ

WhatsApp Image 2020 07 24 at 7.20.24 PM

સુરત: સુરતની મહિલાને શરાબી પતિના રોજબરોજના ત્રાસથી મુક્તિ આપવાની સાથે ૧૮૧ અભયમ હેલ્પલાઈને બેજવાબદાર પતિને તેની જવાબદારીનું ભાન કરાવ્યું હતું.

અશ્વિનીકુમાર વિસ્તારમાં રહેતાં મહિલા આશાબેન (નામ બદલ્યું છે)એ અભયમને કોલ કરીને દારૂડિયા પતિના ત્રાસથી મુક્તિ અપાવવા વિનવણી કરતા જણાવ્યું કે, હું પાંચ મહિનાના બાળક સાથે પતિ સાથે રહું છું. મારો રિક્ષાચાલક પતિ રિક્ષા ચલાવવામાં જે પૈસા આવે તેમાંથી એક પણ પૈસો ઘરખર્ચ માટે ન આપતાં દારૂ પીવામાં ઉડાવી દે છે. ઘરમાં અનાજ કે શાકભાજી ખરીદવા પૈસા આપતો નથી. પાંચ મહિનાના નાના બાળકના ઉછેર માટે જરા પણ ધ્યાન આપતાં નથી, આવારા મિત્રો સાથે અડધી રાત્રે પત્નીને એકલી મૂકી શરાબ પીવા બહાર જતા રહે છે. પતિની હરકતોથી જીવવું મુશ્કેલ થઈ ગયું છે. જેથી પતિના અસહ્ય ત્રાસમાંથી ઉગારવા અરજ કરી હતી.

આશાબેનના જણાવ્યા મુજબ તે પત્નીને પરેશાન કરવા ઉપરાંત અલગ રહેતાં પોતાની માતાના ઘરે જઈ ‘મારી પત્ની મને જમવાનું બનાવી આપતી નથી, અને ઘરમાં પણ રહેવા દેતી નથી, ઘરની બહાર કાઢી મૂકે છે’ આવું હળાહળ જૂઠું બોલી સાસુ સામે બદનામી કરે છે. જેથી તેના સાસુ આવીને આશાબેન સાથે અવારનવાર ઝઘડો અને ગાળાગાળી કરે છે. હાલમાં આશાબેન દશામાનું વ્રત હોવાથી તેણે પતિને ફરાળ અને દૂધ લાવી આપવા કહ્યું તો તેના પતિએ ફરીવાર રોજની ટેવ મુજબ ઝઘડો કર્યો હતો.

સમસ્યાને સાંભળ્યા બાદ અભયમ ટીમે મહિલાના ઘરે જઈ પતિનું કાઉન્સેલિંગ કરી દારૂ પીવાથી થતા નુકસાન વિશે અને દારૂ ન પીવા માટે સમજાવ્યું. દારૂ પીવાથી થતી કાયદાકીય સજા અંગે માહિતગાર કર્યો, અને કાયદાકીય પગલાં લેવાથી થતાં નુકસાન અંગે વિગતવાર જણાવ્યું. નાના બાળક અને પત્નીની જવાબદારી નિભાવવી એ એક પતિ અને બાળકના પિતા તરીકે નૈતિક ફરજ છે, આ મુજબ સમજાવટથી કામ લેતા શરાબી પતિને તેની જવાબદારીનું ભાન થયું હતું.

તેણે અભયમને ખાતરી થતા આપતાં કહ્યું કે, ‘હવેથી હું મારા બાળક અને પત્નીનું ધ્યાન રાખીશ, દારૂની લત છોડીને ઘરની સંપૂર્ણ જવાબદારી નિભાવીશ.

આમ, અભયમની મધ્યસ્થીથી પતિપત્નીનો સંસાર તૂટતાં બચી ગયો હતો.

*******