sri sri ravishankar

સમસ્યાનું સમાધાન આત્મહત્યા નથી: ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી

sri sri ravi shankar blessings 650 051315125058
આટલા ટૂંકા જીવન દરમ્યાન આપણે આપણો સમય પ્રસન્ન રહેવામાં અને અન્યને ખુશી આપવામાં વિતાવવો જોઈએ.

દુઃખથી દૂર ભાગવા માટે લોકો આત્મહત્યા કરે છે પણ તેમને ખબર નથી કે આવાં પગલાંથી તો તેઓ વધુ ઊંડા દુઃખમાં ડૂબી રહયાં છે. આ તો એવી વાત થઇ કે કોઈને ખૂબ ઠંડી લાગે છે અને ઠંડી સહન ન થતાં તે બહાર જઈને પોતાનો કોટ ઉતારે છે! આ રીતે ઠંડી દૂર થઇ શકે? ના! જેઓ આત્મહત્યા દ્વારા જીવન નો અંત આણે છે તેઓ વાસ્તવમાં જીવન પ્રતિ અત્યંત મોહ ધરાવે છે. તેમને જીવનમાં કોઈ વિશેષ ખુશી માટે એટલી હદે ઈચ્છા હોય છે કે તે ન મળતાં તેઓ પોતાનાં જીવનનો જ અંત આણવા ચાહે છે. અને જયારે તેઓ આત્મહત્યા કરીને પોતાના જીવનનો અંત લાવે છે, ત્યારે તેઓ વધુ ઊંડાં દુઃખનાં દરિયા ડૂબવાનો અનુભવ કરે છે. તેઓ અનુભવે છે કે ” ઓહ, જે બેચેની, જે ઈચ્છાઓ એ મારી અંદર તીવ્ર વ્યથા અને પીડા ઉત્પન્ન કરી, તે પીડા તો ગઈ જ નથી. માત્ર શરીરનો નાશ થયો, પરંતુ પીડા અને યાતના તો રહી જ ગઈ. ” ઊંડી પીડા થી છુટકારો મેળવવો હોય તો તે માત્ર અને માત્ર શરીરનાં માધ્યમ દ્વારા જ સંભવ બને છે, પરંતુ આત્મહત્યા કરનાર વ્યક્તિ પીડા દૂર કરનાર, શરીર રૂપી સાધન નો જ નાશ કરે છે.

આપની પ્રાણ શક્તિ પર ધ્યાન આપો: જયારે પ્રાણ શક્તિ ઓછી હોય છે ત્યારે વ્યક્તિ હતાશ થઇ જાય છે. પ્રાણ શક્તિ ખુબ જ ઓછી હોય છે ત્યારે વ્યક્તિને આત્મહત્યાના વિચારો આવે છે. જયારે પ્રાણ શક્તિ વધારે હોય ત્યારે આપ અન્ય પ્રત્યે કે સ્વયં પ્રત્યે હિંસક બની શકતા નથી. શ્વાસોચ્છવાસ ની પ્રક્રિયાઓ, પ્રાણાયામ , ધ્યાન અને યોગ્ય સંગત વડે પ્રાણશક્તિમાં વધારો કરી શકાય છે. જેમને આત્મહત્યાના વિચારો આવતા હોય તેમને તરત જ ધ્યાન, પ્રાણાયામ અને લયબદ્ધ શ્વસન નું શિક્ષણ આપતા પ્રશિક્ષક પાસે લઇ જવા જોઈએ. ધ્યાન અને પ્રાણાયામથી તેમની પ્રાણ શક્તિમાં ચોક્કસ વધારો થશે. સમાજ ને તણાવ અને હિંસા મુક્ત કરવા માટે ધ્યાન નું શિક્ષણ આપવું એ એક અસરકારક ઉપાય છે. ઘણી વાર આપણે ધ્યાનમાં બેસીએ છીએ તો મન સ્થિર રહી શકતું નથી અને વિચર્યા કરે છે. સુદર્શન ક્રિયા અને યોગ આ બંને દ્વારા મનને શાંત અને પવિત્ર બનાવી શકાય છે.

આંતરિક વિકાસ પ્રત્યે સજગ બનો : વ્યક્તિગત વિકાસ દરેક માટે ખુબ મહત્વપૂર્ણ છે. જીવનને એક વિશાળ દ્રષ્ટિકોણ થી જોવું જોઈએ. ૮૦ જેટલાં વર્ષનું આપણું આયુષ્ય છે. શું તે દુઃખી અને તણાવ માં રહેવા માટે છે? આટલા ટૂંકા જીવન દરમ્યાન આપણે આપણો સમય પ્રસન્ન રહેવામાં અને અન્યને ખુશી આપવામાં વિતાવવો જોઈએ.

જો આત્મહત્યા ના વિચારો આવે તો

  1. જાણો કે આપની પ્રાણ શક્તિ ઓછી છે, આપ વધુ ને વધુ પ્રાણાયામ કરો.
  2. આ પૃથ્વી પર, લાખો લોકો આપના કરતાં ખુબ વધુ દુઃખમાં છે, જયારે આપ, અન્યની સરખામણીમાં આપનું દુઃખ નાનું છે તે જોઈ શકશો ત્યારે આત્મહત્યાના વિચારો આપમેળે જતા રહે છે.
  3. જાણી લો કે પૃથ્વી પર આપની જરૂર છે. આપ અહીં ખુબ ઉપયોગી છો. આપ વિશ્વને બહેતર બનાવવા ઘણું કરી શકો તેમ છો.
  4. ભૂલી જાઓ કે લોકો આપના માટે શું વિચારે છે! વ્યક્તિ આત્મહત્યા કરે છે કારણ તે વિચારે છે કે તેની પ્રતિષ્ઠાને ધક્કો લાગ્યો છે, તેની આબરૂ ને ઠેસ પહોંચી છે. કેવી પ્રતિષ્ઠા? કોની પાસે સમય છે આપની પ્રતિષ્ઠા વિષે વિચારવાનો? લોકો પોતાના થી આગળ કશું વિચારી શકતાં નથી, ત્યાં આપના વિષે, આપની પ્રતિષ્ઠા વિષે વિચારવાનો એમની પાસે સમય જ ક્યાં છે? સમાજ શું વિચારશે તેની ચિંતા કરવી તે બિલકુલ વ્યર્થ છે.

જીવનને વિશાળ દ્રષ્ટિકોણ થી જુઓ : જીવન એટલે માત્ર સુખ, સુવિધા, સગવડ જ નથી. જીવન માત્ર ભૌતિક ઉપલબ્ધીઓ પૂરતું સીમિત નથી. લોકોના આરોપ કે પ્રશંસા ઉપર જ જીવન આધારિત નથી. કોઈ સંબંધ, વ્યવસાય કે નોકરી નું હોવું, એ જ જીવન એવું નથી. જીવન આ બધા કરતાં ખુબ મૂલ્યવાન છે. સંબંધોમાં નિષ્ફળતા, નોકરી-વ્યવસાયમાં નિષ્ફળતા કે કોઈ ઈચ્છા પુરી ન થવી જેવાં કારણો આત્મહત્યા માટે જવાબદાર હોય છે. આ બધાં કારણો કરતાં આપનું જીવન અતિ વિશાળ છે, બહુમૂલ્ય છે. મનમાં, ચેતનામાં ઉઠતી ઈચ્છાઓ કરતાં જીવન અતિ અગત્યનું છે. જયારે આપ નિરાશા અને નકારાત્મકતા થી ઘેરાયેલા હો ત્યારે ઉઠી જાઓ, અને આપના પરિવારમાં, સમાજમાં પૂછો કે હું આપના માટે શું કરી શકું? આપને કઈ રીતે મદદરૂપ થઇ શકું? અને આપ જોશો કે સેવા વડે આપ તરત જ નકારાત્મક લાગણીઓમાં થી બહાર આવી જાઓ છો. સેવા આપને પ્રસન્નચિત્ત અને સકારાત્મક બનાવે છે.