વરિષ્ઠ નાગરિકોના આરોગ્યની કાળજીમાં વેગવંતો બનેલો પાટણ સહિત સમગ્ર ગુજરાતનો આરોગ્ય વિભાગ

કોરોના મહામારીના સમયમાં વિશેષ જોખમ ધરાવતા દેશના ત્રણ કરોડ વરિષ્ઠ નાગરિકોને ઘેર બેઠાં મળી રહેલી આરોગ્ય સેવાઓ

પ્રધાનમંત્રીના 7 વચનોની અપીલના પગલે વરિષ્ઠ નાગરિકોના આરોગ્યની કાળજીમાં વેગવંતો બનેલો પાટણ સહિત સમગ્ર ગુજરાતનો આરોગ્ય વિભાગ

05 MAY 2020 by PIB Ahmedabad

દેશમાં કોરોના મહામારીનો ફેલાવો વધુ ન પ્રસરે એ માટે આરોગ્ય તંત્ર ખડેપગે છે. એમાં પણ વરિષ્ઠ નાગરિકોને ચેપ લાગવાની વધુ સંભાવનાના પગલે આ લોકોની સવિશેષ કાળજી આરોગ્ય વિભાગ રાખી રહ્યો છે. પાટણ જિલ્લામાં પણ આરોગ્ય વિભાગના ૭૫ જેટલા કોમ્યુનિટી હેલ્થ ઑફિસર્સ દ્વારા ૬૦ વર્ષથી વધુ વયના નાગરીકોની રૂબરૂ મુલાકાત દ્વારા તેમના આરોગ્ય તપાસ કરી જરૂરી દવાઓ ઘેર બેઠા પૂરી પાડવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા તેમના સંદેશમાં સમાવિષ્ઠ સાત વચનોમાં વરિષ્ઠ નાગરિકો સ્વસ્થ અને નિરોગી રહે તે માટે વિશેષ કાળજી લેવા અપીલ કરાઈ છે. દેશભરમાં હાલ ત્રણ કરોડ જેટલા વરિષ્ઠ નાગરિકો છે, જેમને કોરોના મહામારીના સમયમાં વધુ ધ્યાન રાખવાની જરૂર છે. સંક્રમણની સૌથી વધુ શક્યતાઓ અને જોખમ સિનિયર સિટીઝન્સને છે ત્યારે કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરના વરિષ્ઠ નાગરિકોને પણ જરૂર પડે ઘેર બેઠાં આરોગ્ય સેવા પૂરી પડાઇ રહી છે.

પાટણ જિલ્લામાં એપ્રિલના મહિના દરમ્યાન કરવામાં આવેલા સર્વેલન્સમાં ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦,૯૪૪ પુરૂષ અને ૧૨,૨૪૭ સ્ત્રીઓ મળી કુલ ૨૩,૧૯૧ સિનિયર સિટીઝન્સનો સર્વે કરવામાં આવ્યો, જે પૈકી ૩,૬૩૭ વ્યક્તિઓને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરની બિમારી હોવાનું સામે આવ્યું. કૉમ્યુનિટી હેલ્થ ઑફિસર્સ દ્વારા શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણોવાળા ૧,૩૬૪ વ્યક્તિઓની પણ તપાસ કરાઈ, તે પૈકી પ્રમાણમાં વધુ તકલીફવાળા ૪૯ વ્યક્તિઓની મૅડિકલ ઑફિસર્સ દ્વારા સારવાર કરવામાં આવી હતી. આ સર્વે દરમ્યાન ૧૭,૦૬૭ વ્યક્તિઓ સંપૂર્ણ સ્વસ્થ જણાયા હતા.

18TXH
ખેંગારભાઇ યોગી

પાટણ જિલ્લાના હારીજના વરિષ્ઠ  ૬૨ વર્ષિય સિનિયર સિટીઝન ખેંગારભાઇ યોગી કહે છે કે, એક બાજુ આ કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે ત્યારે મને બી.પી.ની તકલીફ છે એટલે હું ચિંતામાં હતો ત્યારે પ્રધાનમંત્રી મોદીની અપીલ અમારા જેવા વૃધ્ધોનો સહારો બની છે. પરિણામે સરકારી દવાખાનાના આરોગ્ય કર્મચારી મારા ઘરે આવી મારી તપાસ કરી વિશેષ કાળજી લીધી છે ત્યારે મોદીજીનો હું આભારી છું.

2XUJV
રામભાઇ વઢેર

જિલ્લાના રવદ ગામના રામભાઇ વઢેરે પી.આઇ.બી. ના પ્રતિનિધિને જણાવ્યું કે લોકડાઉનમાં અમે બહાર દવાખાને જઈ નથી શકતા, ત્યારે તબીબી અધિકારીએ ઘરે આવી મારા આરોગ્યની સંભાળ લીધી, એથી ભારે રાહત મળી છે.

3UMRX
ભરતભાઈ રાવલ

એ જ રીતે ચંદૄમાણા ગામના વરિષ્ઠ નાગરિક ભરતભાઈ રાવલે પણ ઘર આંગણે આરોગ્ય સેવા મળી રહેતાં સરકારનો આભાર માન્યો હતો.

ડિસ્ટ્રીક્ટ ક્વોલિટી એસ્યોરન્સ મૅડિકલ ઑફિસર ડૉ.એમ.આર.જીવરાણીએ જણાવ્યું હતું કે, જિલ્લાના વરિષ્ઠ નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરી આરોગ્યકર્મીઓ સતત તેમને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા કર્તવ્યબદ્ધ છે. કોરોના વાયરસ સંક્રમણનું જોખમ ઘટાડી શકાય તે માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓ સિનિયર સિટીઝન્સની રૂબરૂ તપાસ કરી યોગ્ય સારવાર દ્વારા તેઓ નિરોગી રહે તે કોરોના વોરીયર્સ તરીકે તેમના આરોગ્યનું રક્ષણ કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ કેન્દ્ર તથા રાજ્યના આરોગ્ય વિભાગના માર્ગદર્શનથી વરિષ્ઠ નાગરીકોની આરોગ્ય સેવા માત્ર ચકાસણી પૂરતી સિમિત ન રહેતાં આરોગ્યકર્મીઓ દ્વારા તેમને ઘેર બેઠા દવા પણ પૂરી પાડવામાં આવી રહી છે. આરોગ્ય તપાસ સમયે જણાયેલી તકલીફની દવા ઉપરાંત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ધરાવતા વરિષ્ઠ નાગરીકોને એકથી દોઢ માસ સુધી ચાલે તેટલી દવા આરોગ્ય વિભાગ દ્વારા રૂબરૂ પહોંચાડી, કોરોના મહામારીના આ વિકટ સમયમાં રાહત પહોંચાડવાની પ્રશંસનીય પહેલ કરાઈ છે.