108 Surat

કોરોના વોરિયર્સ:૧૦૮ના ૧૨૦ કર્મચારીઓ રજા લીધા વિના ૨૪ કલાક ફરજ બજાવી રહયા છે

૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ

૧૨૦ કર્મચારીઓ રજા લીધા વિના ૨૪ કલાક ફરજ બજાવી રહયા છે

પરિવાર પછી, દર્દી પ્રથમ: ૧૦૮ ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન રાધિકા ઝાલા

વિના વિલંબે દર્દીને હોસ્પિટલાઇઝ કરવા કર્મયોગીઓ ભોજનની પણ ચિંતા કરતા નથી: સુરત ૧૦૮ના હેડ રોશન દેસાઈ

રિપોર્ટ: ગુજરાત સરકાર માહિતી બ્યુરો, સુરત

સુરતઃ સુરતમાં માર્ચ મહિનામાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો ત્યારથી નવી સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ ઈમરજન્સી ટીમના ૧૨૦ કર્મયોગીઓ ૨૪ કલાક ફરજ પર તૈનાત છે. કોરોના દર્દીઓને સારવાર માટે કોવિડ-૧૯ હોસ્પિટલમાં લઇ આવવાની કામગીરી નિષ્ઠાપૂર્વક કરી રહ્યાં છે. સામાન્ય જનતા માટે કોઈ પણ ઈમરજન્સીમાં મેડિકલ સેવા પૂરી પાડતા ૧૦૮ના કર્મચારીઓ કોરોના
સામેના જંગમાં સાચા અર્થમાં કોરોના વોરિયર્સ યોદ્ધા સાબિત થયાં છે. સિવિલની ૧૦૮ની ટીમનો મહત્તમ સ્ટાફ પરિવારથી ચાર મહિનાથી દુર રહી પોતાની ફરજ નિભાવી રહ્યો છે.

સુરત ૧૦૮ના હેડ રોશનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ‘સુરતમાં કોરોના સંક્રમણના પ્રારંભથી જ અમારી ૧૦૮ ઈમરજન્સી સેવાના ૧૨૦ કર્મીઓએ આજ સુધી એક પણ દિવસની રજા લીધી નથી. ૨૪ કલાક પોતાની ફરજ બજાવી રહયા છે. અમારી પાસે કુલ ૨૮ એમ્બ્યુલન્સ છે, જેમાંથી ૧૫ એમ્બ્યુલન્સ કોવિડ-૧૯ ની સેવામાં તૈનાત છે. શરૂઆતમાં કોરોના દર્દીને લાવવા લઈ જવામાં સ્ટાફના સભ્યોને ડર જરૂર લાગતો હતો, પરંતુ કોઈ પણ વિકટ સ્થિતિમાં ફરજને પ્રાધાન્ય આપવું એ અમારી ફરજ છે. કર્મચારીઓ પી.પી.ઈ. કીટ પહેરવા સાથે તમામ સલામતીના પગલાંઓને અનુસરી કોરોના દર્દીને લેવા સુરતના વિવિધ વિસ્તારમાં પહોંચે છે અને વિના વિલંબે દર્દીને હોસ્પિટલાઇઝ કરે છે. સ્ટાફને ‘વિટામિન ડી’ ની દવાનું સેવન કરાવીએ છીએ. જ્યાં સુધી સુરત કોરોનામુક્ત નહીં થાય ત્યાં સુધી અમે અમારી ફરજ આજ પ્રમાણે નિભાવીશું,તેવું ખાતરીપુર્વક રોહન દેસાઇ જણાવે છે.

૧૦૮ના પાયલોટ કલ્પેશ રબારીએ જણાવ્યું હતુ કે ‘અમને કોરોના પોઝિટિવ દર્દીઓને તેમના ઘરેથી સિવિલ હોસ્પિટલમાં લાવવાની કામગીરી સોંપવામાં આવી છે. દર્દીને લેવા જતાં સમયે સરકારની ગાઈડલાઈન મુજબ પી.પી.ઈ.કીટ પહેરીને તેમજ અન્ય સલામતીના પગલાં સાથે જઈએ છીએ. હેડઓફિસથી ફોન આવે એટલે તરત જ દર્દીનો સંપર્ક કરી હોસ્પિટલ સુધી પહોંચાડવાની
ફરજ અદા કરીએ છીએ. ૧૦૮ની ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન રાધિકાબેન ઝાલાને પરિવાર પછી, પ્રથમ દર્દી છે. તેઓ જણાવે છે કે, ‘‘હું મૂળ સૌરાષ્ટ્રની વતની છું, અને મારો પરિવાર નવસારી રહે છે. છેલ્લા ૪ વર્ષથી ૧૦૮ સેવામાં ફરજ બજાવું છું. છેલ્લાં ચાર મહિનાથી કોરોના
કટોકટીમાં મને ૧૦૮ની ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન તરીકેની ફરજ સોંપવામાં આવી છે. પરિવારને કોરોનાનું સંક્રમણ ના લાગે

એટલા માટે ચાર મહિનાથી ઘરથી દુર રહીને સુરતમાં રહી ફરજ નિભાવી રહી છું. પરિવારનો ફોન રોજ આવે છે, પૂછે છે કે, ‘બેટા, ઘરે ક્યારે આવવાની..? ત્યારે હું એમને કહું છું કે ‘અત્યારે નહિ, પણ હું જલ્દી આવી જઈશ.’’

અમે દર્દીના ઘરે તેમને લેવા જઈએ છીએ ત્યારે પરિવાર ઊંડી ચિંતામાં ડૂબેલો હોય છે, આવી સ્થિતિમાં એમને સધિયારો અને આશ્વાસન આપીને ચિંતા ન કરવા જણાવીએ છીએ. આટલા દિવસોમાં મોટી ઉંમરના ઘણાં દર્દીઓને આંસુ સારતા અમે જોયા છે, જેથી કોરોનાને ગંભીરતાથી લઈ જરૂરી કામ માટે જ ઘરની બહાર નીકળવા અને સાવચેતી, સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું અમે લોકોને અપીલ કરીએ છીએ, એમ રાધિકાબેન જણાવે છે.

૧૦૮ના ફિલિટ પાયલોટ જિજ્ઞેશભાઈ રોહિત જણાવે છે કે, હું કોવિડ-૧૯ માટે ઉપયોગમાં લેવાતી ૧૦૮ એમ્બ્યુલન્સમાં સેનેટાઈઝેશન અને મેન્ટેનન્સનું કામ કરું છું. કોરોના દર્દીને સિવિલમાં લાવ્યાં બાદ એમ્બ્યુલન્સને ખુબ જ કાળજીપૂર્વક સેનિટાઈઝેશન કરૂં છું. જેથી કોઈ અન્યમાં સંક્રમણ ન ફેલાય. આ સિવાય દરેક એમ્બ્યુલન્સને દિવસમાં બે વાર સેનિટાઈઝેશન કરવામાં આવે છે.ઇમરજન્સી ૧૦૮ ની એમ્બ્યુલન્સ સાથે સ્ટાફની સેવા હાલની કોરોના મહામારીમાં ખૂબ જ વધી છે. તેમ છતાં કર્મને જ સેવા માની પોતાની મુશ્કેલીઅને નજર અંદાજ કરી દર્દીને સમયસર સારવાર મળી રહે તે માટે પુર્ણતઃ યોગદાન આપી રહયા છે.