ડભોઇ તાલુકાના બારીપુરાના વયોવૃદ્ધ મનુભાઈ પાટણવાડીયા માટે સયાજી હોસ્પિટલની કોવિડ ટ્રાએજ સુવિધા આશીર્વાદ રૂપ બની

શંકાસ્પદ કોવીડના લક્ષણો સાથે આવેલા શ્રમિક પરિવારના આ પ્રથમ દર્દીને ટ્રાએજ ખાતે એક કલાકની સઘન અને તાત્કાલિક સારવાર કામિયાબ નીવડી
વડોદરા, ૧૨ ડિસેમ્બર: ડભોઇ તાલુકાના થુવાવી પાસે નાનકડું બારિપુરા ગામ આવેલું છે.ત્યાં નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારના વયોવૃદ્ધ વડીલ મનુભાઈ મોહનભાઈ પાટણવાડીયા માટે સયાજી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલી ગુજરાતની સહુ થી મોટી કોવીડ ટ્રાએજ સુવિધા આશીર્વાદ સમાન બની રહી હતી. શ્વાસની તકલીફ સહિત શંકાસ્પદ કોવીડના લક્ષણો ધરાવતા અને અંદાજે ૮૦ વર્ષ જેટલી વયના આ દર્દીને ૧૦૮ ના કર્મચારીઓએ સમયસૂચકતા દાખવી સીધા જ કોવીડ ટ્રાએજ ખાતે લાવ્યા હતા જ્યાં પરિસ્થિતિની ગંભીરતા સમજીને તુરત જ ઓક્ષિજન સહિત સઘન સારવાર આપવામાં આવતા દર્દીનું ઓકસીજન લેવલ લગભગ સામાન્ય ગણાય તેટલું ઊંચું આવવાની સાથે તેમની તબિયત પ્રથમ એક કલાકની સારવારમાં જ સ્થિર થતાં તેમનું કોવિડ ચકાસણી માટે જરૂરી સેમ્પલ આરટીપીસીઆર પદ્ધતિ લેવામાં આવ્યું જેના પરિણામ પછી તેમને આગળની સારવાર માટે યોગ્ય વોર્ડમાં લઈ જવામાં આવશે.
દર્દી વયોવૃદ્ધ હોવાથી સામાન્ય માંદગી હોય તો પણ રિસ્ક ફેક્ટર ઊંચું ગણાય તેવી લાગણી વ્યક્ત કરતાં કોવીડ સારવાર સુવિધાના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે અહી લાવવામાં આવ્યા ત્યારે મનુદાદાનું ઓકસીજન લેવલ ૮૨/૮૪ હતું અને બી.પી.લગભગ ૯૦ જેટલું નીચું હતું.તેમને ખૂબ શ્વાસ ચઢતો હતો,તાવ,ખાંસી અને શરદી પણ હતા.
સર્વ પ્રથમ તો એમનું ઓકસીજન લેવલ નોર્મલ સ્તરે લાવવું જરૂરી હતું એટલે એમને માસ્ક વાટે પ્રતિ મિનિટ ૬ કિલોગ્રામ જેટલો ઓકસીજન આપવાનું શરૂ કર્યું અને જરૂર પ્રમાણે પ્રતિ મિનિટ ૧૦ લીટર પર મીનીટ ઓકસીજન આપ્યો.પરિણામે તેમનું ઓકસીજન લેવલ વધીને ૯૮ જેટલું થતાં સહુએ રાહત અનુભવી.જરૂરી દવા અને ઇન્જેક્શન આપવાના પગલે બી.પી.પણ સુધર્યું.તબિયત સ્થિર થતાં તેમનો એક્ષરે કરાવ્યો અને કોવીડ ટેસ્ટ માટે જરૂરી સેમ્પલ અને બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે.

હાલ તેમને ઓછા પ્રમાણમાં ઓકસીજન આપવામાં આવી રહ્યો છે.આમ,ખૂબ મોટી ઉંમરના અને વિવિધ તકલીફો ધરાવતા પ્રથમ દર્દી માટે આ ટ્રાએજ સુવિધા લગભગ જીવન રક્ષક બની રહી છે.તેમના પગે ઇજા થયેલી હોય એવું જણાતા અહી જ આવશ્યક ડ્રેસિંગ પણ કર્યું છે.
ટ્રાએજ સાથે ડેડિકેટેડ દર્દી વાહિની ની પણ સુવિધા છે.જરૂર પડ્યે તેની મદદ થી તેમનું કેમ્પસ માં જ પરિવહન કરીને સિટી સ્કેન પણ કરી શકાશે.આ દર્દિવાહિની ને પ્રત્યેક ઉપયોગ પછી , દર્દી કોવીડ પોઝિટિવ હોય કે નેગેટિવ , સેનીટાઈજ કરવાનો નિયમ રાખ્યો છે.આ સુવિધા ખાતે ડેડીકેટેડ મોબાઈલ નં.9313361091 પણ ફાળવવામાં આવ્યો છે.
આ દર્દીને જો સરકારી સિવાયના અન્ય દવાખાનામાં લઈ જવામાં આવ્યા હોત તો આ શરૂઆતના ત્રણ કલાકમાં જ અંદાજે ૪૦ હજાર જેટલો ખર્ચ થાય એવું એક અનુમાન છે.સરકારી દવાખાનામાં આ સારવાર વિનામૂલ્યે થતાં નબળી આર્થિક સ્થિતિના શ્રમિક પરિવારને ખૂબ જ રાહત થઈ છે.રાજ્ય સરકારે કોવીડ સારવારની અદ્યતન સુવિધાઓ સયાજી જેવી સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરાવી છે જે જીવન રક્ષક અને આરોગ્યના આશીર્વાદ સમાન પુરવાર થઈ રહી છે.