જામનગર નજીક થાવરિયા પાસે એસ.ટી.બસ અને બાઇક વચ્ચેના અકસ્માતમાં પિતા-પુત્ર ના કમકમાટીભર્યા મૃત્યુ

છરી ઘસવાનું કામ કરી રહેલા પિતા-પુત્ર ના એકી સાથે મૃત્યુ નિપજતાં પરિવારજનોમાં ભારે શોકનું મોજું
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૭ નવેમ્બર: જામનગર નજીક થાવરીયા ગામના પાટીયા પાસે ગઇકાલે મોડી સાંજે એક એસ.ટી. બસ તેમજ મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં આલિયાબાડા ગામ નજીક રહેતા અને છરી સજાવવાનું કામ કરતા પિતા પૂત્રના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજયા છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના આલીયાબાડા ગામ ના પાટિયા નજીક ના વિસ્તારમાં રહેતા અને છરી સજાવવાનું કામ કરતા રઘાભાઈ ધુડાભાઈ સિંધવ (ઉ.વ.૪૦) અને તેનો પુત્ર અજય રઘાભાઈ (ઉ.વ.૧૪) જે બંને છરી સમજાવવા ના કામ માટે જામનગર આવ્યા હતા અને પોતાના મોટરસાઇકલ પર અલિયાબાડા પરત જવા માટે નીકળ્યા હતા.

તે દરમિયાન મોટા થાવરીયા ગામ પાસે મોડી સાંજે ગમખ્વાર અકસ્માત નડયો હતો, પૂરપાટ વેગે આવી રહેલી એક એસ.ટી.બસ સાથે મોટરસાયકલ સામસામે અથડાઈ પડતાં પિતા-પુત્ર બંને ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ ગયા હતા. અને બંનેના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યા હતા.
આ બનાવ અંગે ની સૌપ્રથમ ૧૦૮ની ટીમે જાણ થતાં ૧૦૮ ની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પરંતુ બંનેના મૃત્યુ નિપજયા હોવાથી પોલીસને જાણ કરી દેવાઈ હતી. અને પંચકોશી એ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને પિતા-પુત્રના મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને લઇને મૃતકના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે આક્રંદ કર્યું હતું.
આ અકસ્માતના કારણે પિતા-પુત્રના બાઈક ને પણ ભારે નુકસાન થયું હતું, સાથોસાથ છરી સજાવવા માટે નું મશીન પણ સાથે હતું અને તેનો પણ ભૂક્કો બોલી ગયો હતો.
અકસ્માતના બનાવ પછી એસ.ટી.નો ચાલક એસ.ટી.બસને માર્ગ પર છોડીને ભાગી છૂટ્યો હતો. આ અકસ્માતના બનાવ અંગે મૃતક રઘાભાઈ ના મોટા પુત્ર રવિ રઘાભાઈ સિંધવે પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૨૨૭૧ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પંચકોશી એ ડીવીઝન પોલીસે બન્ને મૃતદેહોનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યા છે, અને મૃતદેહો પરિવારજનોને સુપરત કરી દીધા છે, તેમજ એસટી બસના ચાલકની શોધખોળ હાથ ધરી છે.