કેન્દ્રના આર્થિક પેકેજની થયેલ ઘોષણા બાદ ત્વરિત નિર્ણયોથી પેકેજનું થઇ રહ્યું છે સુચારુ અમલીકરણ

આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફ થઇ રહી છે આગેકૂચ, કેન્દ્રના આર્થિક પેકેજની થયેલ ઘોષણા બાદ ત્વરિત નિર્ણયોથી પેકેજનું થઇ રહ્યું છે સુચારુ અમલીકરણ

આત્મનિર્ભર ભારત અભિયાનના સફળતાના માર્ગને કંડારી રહી છે આર્થિક પેકેજની પ્રગતિ, માત્ર દોઢ થી પોણા બે મહિનાના ટૂંકા ગાળામાં પેકેજનું પૂરજોશમાં અમલીકરણ

16 JUL 2020 by PIB Ahmedabad

કોરોના મહામારીને પહોંચી વળવા અને દેશના અર્થતંત્રને પુનઃધમધમતું કરવાં  પ્રધાનમંત્રીશ્રીએ 12 મે 2020ના રોજ દેશના જીડીપીના 10 ટકા જેટલી રકમનું રૂપિયા 20 લાખ કરોડના આર્થિક પેકેજની ઘોષણા કરી હતી. જેની વિગતો દેશના  કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે 13 થી 17 મે,2020 સુધીમાં પત્રકાર પરિષદના માધ્યમથી  જાહેર કરી હતી. આ પ્રકારે આત્મનિર્ભર ભારત પેકેજથી દેશના લોકો માહિતગાર થયા હતા. જાહેરાત બાદ તુરંત જ આ પેકેજના સુચારુ અમલીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા કવાયત આરંભી દેવાઇ છે. આત્મનિર્ભર ભારત પેકેજની નિયમિત સમીક્ષાઓ અને અમલીકરણ પર દેખરેખની કામગીરી કેન્દ્રીય નાણામંત્રીશ્રી સંભાળી રહ્યાં છે. ત્વરિત નિર્ણયો થકી પેકેજના અમલીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી છે. જેનું પરિણામ છે કે 12 મે ના રોજ પેકેજની જાહેરાત કર્યા બાદ 9 જુલાઇ સુધીમાં એટલે કે માત્ર બે મહિનાથી પણ ઓછા સમયગાળામાં પેકેજના અમલીકરણમાં ઘણી પ્રગતિ જોવા મળી છે.  જે સંતોષકારક અને સરાહનીય પણ છે. તાજેતરમાં જ કેન્દ્રીય નાણામંત્રીશ્રીએ તેની સમીક્ષા કરી પેકેજની પ્રગતિની વિગતો પણ જાહેર કરી છે.

19X67
2XZM1

પેકેજની પ્રગતિની મુખ્ય બાબતો પર એક નજર કરીએ તો પેકેજમાં એમએસએમઇ સહિતના વ્યવસાયો માટે રૂપિયા 3 લાખ કરોડના જામીનમુક્ત સ્વયંસંચાલિત ધિરાણની જાહેરાત કરવામાં આવી હતી. જેની ઘણી સરાહના પણ થઇ છે. જે માટે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા 20 મે,2020ના રોજ મંજૂરી આપ્યા બાદ તેના નિયમો અને માર્ગદર્શિકાઓને અનુસરીને બેંકો દ્વારા ધિરાણ આપવાની બાબતે નોંધનીય પ્રગતિ થઇ છે. જાહેરક્ષેત્રની બેંકોએ રૂપિયા 68,145.40 કરોડના ધિરાણની મંજૂરી આપી છે જેમાંથી રૂપિયા 38,372.88 કરોડનું ધિરાણ આપી દેવાયું છે. ખાનગી ક્ષેત્રની બેંકોએ રૂપિયા 51,953.97 કરોડના ધિરાણને મંજૂરી આપી દીધી છે. જેમાંથી રૂપિયા 23,615.02 કરોડનું ધિરાણ આપી દેવાયું છે. આ આંકડાઓ મૂજબ કુલ રૂપિયા 1,20,099.3 કરોડના ધિરાણને મંજૂરી અપાઇ ચૂકી છે જેમાંથી રૂપિયા 61,987.90 કરોડનું ધિરાણ આપી દેવાયું છે. જે દર્શાવે છે કે એમએસએમઇ ક્ષેત્રના ઝડપી વિકાસ માટેનો કેન્દ્રનો લેવાયેલ નિર્ણય ઉચિત નિવડ્યો છે જેને આવકાર પણ મળ્યો છે અને જેના ઉપયોગ થકી આ ક્ષેત્ર ફરી ધમધમતું પણ થઇ રહ્યું છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલ બીજી મહત્વની જાહેરાત હતી કે રૂપિયા 200 કરોડ સુધીની સરકારી ખરીદીના ટેન્ડરોમાં વૈશ્વિક ટેન્ડરોને મંજૂરી આપવામાં આવશે નહી. જેના અમલીકરણ માટે ખર્ચ વિભાગ દ્વારા સાધારણ આર્થિક અધિનિયમ,2017ના વર્તમાન કાયદા 161(iv)  અને જીએફઆર કાયદામાં વૈશ્વિક ટેન્ડરો બાબતે સુધારો કરી દેવામાં આવ્ચો છે. જેનાથી એમએસએમઇ ક્ષેત્રને બહુ મોટી રાહત મળી છે. અન્ય મહત્વની જાહેરાત મુજબ રાજ્ય સરકારોને સહકાર આપવાના ભાગરૂપે વર્ષ 2020-21 માટે રાજ્યોને ધિરાણ લેવાની મર્યાદા 3 ટકાથી વધારીને 5 ટકા કરવાની વિનંતી સ્વીકારવાનો નિર્ણય પણ કેન્દ્ર દ્વારા લેવામાં આવ્યો છે.

3IT0P
4SBAT

કૃષિક્ષેત્રની વાત કરીએ તો પેકેજમાં નાબાર્ડ દ્વારા ખેડૂતો માટે રૂપિયા 30 હજાર કરોડની વધારાની કટોકટીની કાર્યકારી મૂડી ભંડોળની જાહેરાત કરવામાં આવી હતી. જેનું અમલીકરણ ત્વરિત ધોરણે કરી શરૂ દેતાં લણણી પછી અને ખરીફ વાવેતરની મોસમમાં ખેડૂતો તેમની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળે તે માટે નાના અને સીમાંત ખેડૂતો સહિત દેશના 3 કરોડથી વધુ ખેડૂતોને વિશેષ લાભ આપવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત રૂપિયા 24,876.87 કરોડની ચૂકવણી 6 જુલાઈ 2020 સુધીમાં કરી દેવામાં આવી છે. જેનાથી ખરીફ મોસમનું વાવેતર કરતાં ખેડૂતોને મોટી રાહત મળી છે. જેથી ખેડૂતો આનંદ સાથે સરકારના આ પેકેજની સરાહના કરી રહ્યાં છે.

અન્ય મહત્વના નિર્ણયોમાં મહેસૂલ વિભાગે જાહેરાત કરી છે કે 14 મે 2020થી 31 માર્ચ 2021 દરમિયાનના નાણાકીય વ્યવહારો દ્વારા નિવાસીઓને કરવામાં આવેલ ચૂકવણી પર કાપવામાં આવતાં ટીડીએસ અને નિર્દિષ્ટ ટીસીએસ દરોમાં 25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અન્ય પ્રત્યક્ષ કરવેરા સંબંધિત પગલાંમાં 3 જુલાઇએ જાહેર કરેલા આંકડા મુજબ 8 એપ્રિલ થી 30 જૂન દરમિયાન કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ દ્વારા 20.44 લાખથી વધુ કેસોને રૂપિયા 62,361 કરોડથી વધુની ચૂકવણી કરવામાં આવી છે. બાકી રહેલા રીફંડની કામગીરી પણ ચાલુ જ છે. વધુમાં નાણાકીય વર્ષ 2019-20(આકરણી વર્ષ 2020-21) માટે આવકવેરા રીટર્ન જમા કરવાની અંતિમ તારીખ વ્યક્તિગત માટે 31 જુલાઇ,2020 અને કંપનીઓ માટે 31 ઓક્ટોબર 2020 હતી તે લંબાવીને 30 નવેમ્બર 2020 કરવામાં આવી છે. જેનાથી કરદાતાઓને રાહત મળી છે.

પેકેજના અમલીકરણની વિગતો અને વર્તમાન સમય સુધીમાં થયેલ પ્રગતિ એ દર્શાવે છે કે કેન્દ્ર સરકારે જાહેર કરેલ આત્મનિર્ભર ભારત પેકેજનું અમલીકરણ ત્વરિત, ઝડપી ગતિએ તેમજ સુચારુ રીતે આગળ વધી રહ્યું છે. જે આત્મનિર્ભર ભારતના નિર્માણના રસ્તાને કંડારી રહ્યું છે. જેમાં દેશની જનતાનો પરિશ્રમ અને સહયોગ ભળતાં આપણે સૌ ચોક્કસથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકીશું.