VDR Teacher award

વડોદરા જિલ્લામાં પ્રથમવાર શ્રેષ્ઠ શિક્ષક તરીકે મુકેશ કે.શર્માની પસંદગી

VDR Teacher award
પ્રાથમિક શિક્ષણ ની ગુણવત્તા સુધારણા અને ગુણોત્સવ સહિતના રાજ્ય સરકારના શૈક્ષણિક કાર્યક્રમોના પરિણામ દાયક અમલની નિષ્ઠા સભર સેવાઓની કદર રૂપે એવોર્ડ માટે પસંદગી

આનંદ દાયક ઘટના: મુકેશ કે.શર્માની બી.આર.સી.કેડર માં રાજ્યમાં અને વડોદરા જિલ્લામાં પ્રથમવાર શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી

તેઓ સાવલી તાલુકાના ભાદરવા ક્લસ્ટરના સી.આર.સી. કો – ઓર્ડીનેટર તરીકે કાર્યરત છે

સાવલી તાલુકાના શિક્ષક આ એવોર્ડ માટે પસંદ થયા હોય એવી ૨૦ વર્ષ પછી બીજી ઘટના

અહેવાલ: સુરેશ મિશ્રા

વડોદરા,૧૯ ઓગસ્ટ:શિક્ષક કેળવણી દ્વારા સમાજ ઘડતરનું અગત્યનું કામ કરે છે.એટલે ગુરૂજનની નિષ્ઠાની કદર થાય એ સમાજ માટે આનંદભર્યા ગૌરવનો પ્રસંગ ગણાય.આવી જ આનંદ ઘટના વડોદરા જિલ્લા માટે બની છે.સાવલી તાલુકાના ભાદરવા ક્લસ્ટર માં સી.આર.સી. કો – ઓર્ડીનેટર તરીકે કાર્યરત મુકેશ કે.શર્માની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોની યાદીમાં પસંદગી થઈ છે.

VDR Teacher award 2 edited

અત્રે નોંધ લેવી ઘટે કે રાજ્ય સરકાર દર વર્ષે વિવિધ શ્રેણીઓમાં શ્રેષ્ઠ શિક્ષકો તરીકે કર્મનિષ્ઠ ગુરૂજનો ની પસંદગી કરે છે અને આજીવન શિક્ષકની ઉજ્જવળ મિશાલ પ્રસ્તુત કરનારા પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ.રાધાકૃષ્ણન સાહેબને આદર અંજલિ રૂપે તા.૫ મી સપ્ટેમ્બરના રોજ આ ગુરૂજનોને સન્માનિત કરે છે.શ્રી મુકેશ શર્માની આ એવોર્ડ માટે બી.આર.સી.કેડર માં પસંદગી થઈ છે અને ખાસ નોંધ લેવી પડે કે તેઓ આ શ્રેણીમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ થનારા ગુજરાતના અને વડોદરા જિલ્લાના વર્ષ ૨૦૨૦ ના પ્રથમ શિક્ષક છે.તો સાવલી તાલુકામાં ૨૦ વર્ષ પછી તાલુકાના શિક્ષકની આ એવોર્ડ માટેની પસંદગીની ઘટનાનું પુનરાવર્તન થયું છે.


શ્રી મુકેશ શર્માને પ્રજ્ઞા અભિગમ,ગુણોત્સવ, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવા રાજ્ય સરકારના શિક્ષણ ને વ્યાપક બનાવવાના અને ગુણવત્તાનું સંવર્ધન કરવાના અભિગમો અને કાર્યક્રમોના પરિણામ દાયક અમલીકરણ ની ધગશની કદર રૂપે આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.

સાવલી અને ડેસર તાલુકાઓની ૨૫૦ પ્રાથમિક શાળાઓના ૧૨૦૦ થી વધુ શિક્ષકોને છેલ્લા ૯ વર્ષથી શિક્ષણ ગુણવત્તાના સંવર્ધન,શાળાઓમાં શૈક્ષણિક વાતાવરણના નિર્માણ ,લોકોને શાળાઓ સાથે જોડવા અને સમાજના સહયોગ થી શાળાઓમાં વિવિધ સુવિધાઓ કરવી,ભાષા શિક્ષણને અસરકારક બનાવવું જેવી બાબતોમાં ટ્રેનર તરીકે સતત માર્ગદર્શન આપી રહ્યાં છે.

તેમણે નવીદિલ્હી અને ભોપાલ ખાતે આયોજિત વિવિધ રાષ્ટ્રીયસ્તર ના પરિસંવાદોમાં ભાગ લઈને રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે અને માસ્ટર ટ્રેનર તરીકે સેવાઓ આપી છે.

VDR Student Teacher

શ્રી શર્મા જણાવે છે કે ૨૭ વર્ષ થી પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રમાં કર્મ હિ ધર્મના સૂત્રને અનુસરીને કાર્યરત રહ્યો છું.માત્ર શિક્ષણ નહિ કુદરતી આફતો,વિવિધ સ્તરે યોજાતી ચુંટણીઓ જેવા પ્રસંગોએ સરકારે સોંપેલી ફરજો નિષ્ઠા સાથે અદા કરી છે.આ પસંદગી થી નવા જોશ સાથે કમૅયોગને પ્રબળ બનાવવાની પ્રેરણા મળી છે.
ડેસર તાલુકામાં કન્યા શિક્ષણનું સાતત્ય જાળવવા વડોદરા જિલ્લાની પ્રથમ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શરૂ કરવામાં આવી છે.શ્રી શર્માએ તેમાં નામાંકન સહિત ની વિવિધ કામગીરીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.


શ્રી શર્મા કોરોના વોરિયર તરીકે પણ કાર્યરત છે અને શિક્ષણ સચિવશ્રી ની પ્રેરણા થી ગઠિત થયેલી શિક્ષકોની કોવિડ આર્મીના જિલ્લામાં સંકલન અને તાલીમની સેવાઓ આપી છે. તેમણે વાચન,લેખન,ગણન કૌશલ્યો માં અભિવૃદ્ધિ,મિશન વિદ્યા, તાશ પદ્ધતિના અમલીકરણ,આર.ટી.ઇ.ના અમલીકરણ જેવા ક્ષેત્રોમાં નક્કર યોગદાન આપ્યું છે,તો શિક્ષક જ્યોતિ સહિતના વિવિધ શિક્ષક ઉપયોગી સામયિકોમાં લેખો દ્વારા શિક્ષકોના માર્ગદર્શક સાથી બની રહ્યાં છે. તેઓ અગાઉ ૨૦૧૫ માં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક કેડરના બી.આર.સી.કો – ઓર્ડીનેટર તરીકે અને ૨૦૧૭ માં નેશનલ કોન્ફરન્સ ઓન ઇનોવેશન માટે પસંદ થયા હતા.


તેઓ જણાવે છે કે શિક્ષકના હૃદય અને મનમાં સતત વિદ્યાર્થી રહેવો જોઈએ.વિદ્યાર્થીઓ ના સર્વાંગી વિકાસ ના લક્ષ્ય સાથે કામ કરવા થી શિક્ષક ધર્મ સફળ બને.તેઓ આ સિદ્ધિ માટે જિલ્લા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી,શિક્ષણ સમિતિના પદાધિકારીઓ સહિત સર્વના સતત માર્ગદર્શનને પ્રેરક ગણાવવાની સાથે તેમનામાં વિશ્વાસ મૂકનારા વિદ્યાર્થીઓ,તેમના વાલીઓ,ગ્રામજનો અને સાથી શિક્ષકોનો આ તકે આભાર માને છે.

તેમની પસંદગી થી ભાદરવા ગામ અને સાવલી તાલુકામાં આનંદની લાગણી પ્રસરી છે.