લોકડાઉનમાં કામ બંધ હતું છતાં પણ પુરતી કાળજી લેવાઇ હતી, વતન પરત જવાનો વિચાર પણ નથી આવ્યો”

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બાંધકામના કામો શરૂ

લોકડાઉનમાં કામ બંધ હતું છતાં પણ પુરતી કાળજી લેવાઇ હતી, હવે તો કામ પણ શરૂ થઇ ગયું છે. વતન પરત જવાનો વિચાર પણ નથી આવ્યો”

  • બાંધકામ શ્રમિક રાધેશ્યામ રહે. ઉત્તરપ્રદેશ
    શહેરી વિસ્તારમાં ૯૮ બાંધકામના કામો શરૂ થતાં જ ૨૬૩૯ જેટલા શ્રમિકોને મળ્યો રોજગાર
  • લોકડાઉનની વિકટ પરિસ્થિતીમાં રોજગારીએ રોજનું કમાઇને ગુજરાન ચલાવતા શ્રમિકો માટેનો પ્રાણપ્રશ્ન બની રહ્યો છે. સમગ્ર દેશમાં રોજગારી બંધ થતાં શ્રમિકો વતન પરત જવા લાગે છે. આ શ્રમિકોનું સ્થળાંતર અટકે અને રોજમદાર કારીગરોને કામ મળી રહે તે માટે રાજયસરકાર દ્વારા ગાઇડલાઇન સાથે અનેક રોજગારલક્ષી નિર્ણાયો અમલી બનાવાયેલ છે. આ સંવેદનશીલ નિર્ણયો અન્વયે રાજયભરમાં બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને રોજગારી ઉપલબ્ધ કરાવવા ખાનગી બિલ્ડર્સોને બાંધકામના કામો શરૂ કરવા મંજૂરી અપાઇ રહી છે.
    મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ ઓફિસર શ્રી સાગઠીયાએ આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે માર્ગદર્શિકા મુજબની શરતોના પાલન સાથે ખાનગી બિલ્ડર્સના કુલ ૧૨૫ કામોને પુનઃ શરૂ કરવા મંજૂરી અપાઇ છે. જે પૈકિ ૯૮ કામો શરૂ થઇ ગયા છે. આ કામો થકી બાંધકામ ક્ષેત્રે કાર્યરત ૨૬૩૯ જેટલા શ્રમિકોને રોજગારી મળી રહી છે.
    રાજકોટ સ્થિત સુંદરમ ગ્રુપ દ્વારા ચાલી રહેલ બાંધકામ સાઇટના વ્યવસ્થાપક રાજેશ વોરા જણાવે છે કે રાજય સરકારની ગાઇડ લાઇન મુજબ અહીં કામે આવતા દરેક શ્રમિકનું સવારે કામ શરૂ થયા પહેલા અને દિવસના અંતે થર્મલ ટેમ્પ્રેચર માપવામાં આવે છે. આ ઉપરાંત તેઓના પરિવહન, ભોજન અને પીવાના પાણી સહિતની સુવિધા બિલ્ડર્સ દ્વારા અપાઇ રહી છે. અહીં સોશિયલ ડિસ્ટન્સીંગનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
    હાલ પ્લમબીંગ વર્ક, મિસ્ત્રી કામ, પુટ્ટી કામ સહિત બાંધકામને લગતા વિવિધ કામોના ૧૦૦થી વધુ કારીગરો દરરોજ કામ કરી રહયા છે. આ કારીગરોમાં ગુજરાતના અન્ય જિલ્લાઓના તથા અન્ય રાજયોના કારીગરો પણ રોજગારી મેળવી રહ્યા છે. વિશેષમાં બિલ્ડર્સ એશોસિએશન દ્વારા લોકડાઉન દરમિયાન પણ આ કારીગરોને ભોજન અને જીવનજરૂરી ચીજવસ્તુઓ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવાઇ હોવાથી તેઓ પોતાના વતન ભણી ન જતાં રાજકોટ ખાતે જ રોકાયા હતા. રાજય સરકાર દ્વારા બાંધકામ શરૂ કરવાની મંજુરી આપવામાં આવતા આ રોજમદાર કામદારોને કામ મળી રહેતા તેઓમાં રાહત સાથે સંતોષની લાગણી જોવા મળે છે.
    પાના નંબર- ૨

શહેરી વિસ્તારમાં ૯૮ બાંધકામના કામો પાના નંબર- ૨

વતન પરત જવાની ઇચ્છા બાબતે જણાવતાં મુળ ઉત્તરપ્રદેશના રહેવાસી એવા શ્રમિક રાધેશ્યામે રાજયસરકાર પ્રત્યે સંતોષ સાથે આનંદની લાગણી વ્યકત કરતા જણાવ્યું કે રોજગારી માટે વતનથી દુર આવ્યા છીએ. લોકડાઉન દરમિયાન પણ કામ બંધ હોવા છતાં અમારી પુરતી કાળજી લેવાઇ હતી. અમને કોઇ જ બાબતનો અભાવ ન હતો. દરરોજ ભોજન સહિતની તમામ જીવનજરૂરી વસ્તુઓ ઉપલબ્ધ કરાવાઇ હતી. હવે તો કામ પણ શરૂ થઇ ગયું છે. આથી વતન પરત જવાનો વિચાર નથી.
આવા જ ઓરિસ્સાથી રોજગારી અર્થે આવેલા પ્રહલાદભાઇ આ સાઇટ પર કામ કરે છે. અહીંના બિલ્ડર્સના પોતિકાપણાના લાગણીભીના વ્યવહારથી તેઓ ખુબજ ભાવવિભોર થયા છે. તેઓ લાગણીને વ્યકત કરતા જણાવે છે કે લોકડાઉનના કારણે કામ બંધ હતું ત્યારે પણ તેઓએ અમારી રહેવાની, ભોજનની તથા રોજીંદા ખર્ચ સહિતની તમામ જરૂરીયાતોનું ધ્યાન રાખ્યું હતું. અમને વતનથી દુર હોવાનો અહેસાસ પણ થવા દીધો નથી. હવે મંજુરી મળતાં જ કામ શરૂ થઇ ગયું હોવાથી રોજગારી પણ ચાલુ થઇ ગઇ છે.
કોન્ટ્રાકટર એવા કિશનભાઇ મોરીદ્રા જણાવે છે કે વર્ષોથી એક સાથે કામમાં જોડાયેલા રહેવાથી શ્રમિકો અમારી સાથે પોતીકાપણું અનુભવે છે અમે પણ તેઓની તકેદારી માટે માસ્ક, સેનેટાઇઝર સહિતની તમામ બાબતોનું ધ્યાન રાખી રહ્યા છીએ.
એલ્યુમિનીયમ સેકશનનું કામ કરતાં કારીગર નિતિનભાઇ બિલ્ડર દ્વારા અપાતી સુવિધા અને સુરક્ષા બાબતે સંતોષ વ્યકત કરતાં જણાવે છે કે માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડીસ્ટનસીંગ સાથે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ રહી છે. હવે તો કામ પણ ચાલુ થઇ ગયું છે. રોજગારીનો પ્રશ્ન હલ થઇ ગયો છે.
રાજયસરકારની સંવેદનશીલ રાહતો સાથે બાંધકામ અને ઉદ્યોગોના માલીકોએ લાગણીભીના વ્યવહાર થકી લોકાડાઉનની પરિસ્થિતીમાં પણ શ્રમિકોમાં સલામતી સાથે સુરક્ષાની લાગણી વ્યાપક બનાવી છે. આ છે ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતીઓનો આગવો આશ્રયધર્મ.

રિપોર્ટ:રશ્મિન યાજ્ઞિક, માહિતી બ્યુરો, રાજકોટથી