CCTV

અંકોડિયા ગ્રામ પંચાયત સુરક્ષાના સર્વેલન્સ માટે સ્થાપિત કરેલા સીસીટીવી નેટવર્ક દ્વારા કોરોના ગાઈડ લાઇનના પાલન પર નજર રાખે છે

CCTV Camera Ankodia village vadodara
  • એક પંથ દો કાજ: અંકોડિયા ગ્રામ પંચાયત સુરક્ષાના સર્વેલન્સ માટે સ્થાપિત કરેલા સીસીટીવી નેટવર્ક દ્વારા કોરોના ગાઈડ લાઇનના પાલન પર નજર રાખે છે
  • માસ્ક વગર ફરનારા અને ટોળે વળનારા ગ્રામજનોને પહેલા ચેતવણી અપાય છે અને પછી દંડ ફટકારાય છે

વડોદરા, ૩૦ નવેમ્બર: એક પંથ દો કાજ અથવા એક તીર બે નિશાનની ઉકિત જાણીતી છે.વડોદરાની લગભગ ભાગોળે આવેલા પ્રગતિશીલ અંકોડિયાએ આ ઉકિત સાર્થક કરી કોરોના ગાઈડ લાઇનના પાલનની નવી દિશા બતાવી છે. આ ગામની વિવિધ જગ્યાઓએ ગ્રામ પંચાયત દ્વારા સુરક્ષાની કાળજી લેવા અને ચોરી સામે તકેદારી રાખવા ૨૬ સીસીટીવી કેમેરાનું નેટવર્ક કાર્યરત કરવામાં આવ્યું છે. કોરોના કાળમાં આ ગામના સરપંચ અને પંચાયતે આ નેટવર્ક નો ઉપયોગ માસ્ક પહેરવા સહિત ની કોરોના અટકાવતી વિવિધ ગાઈડ લાઈનોના ગ્રામલોકો દ્વારા પાલનની તકેદારી લેવા માટે શરૂ કર્યો છે. આવા નેટવર્ક રાજ્યના ઘણાં ગામોમાં સ્થાપિત છે ત્યારે અંકોડિયાએ કોરોના સરવેલન્સ માટે તેના ઉપયોગની નવી દિશા ચીંધી છે.

whatsapp banner 1

અમારું સીસીટીવી કેમેરા નેટવર્ક કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરાવવામાં વરદાનરૂપ બન્યું છે એવી લાગણી વ્યક્ત કરતાં ગામ સરપંચે જણાવ્યું કે અમારો મૂળ આશય તો ચોરી અટકાવવા માટે નજર રાખવાનો હતો.પણ હાલમાં તેની મદદથી ગામમાં માસ્ક પહેર્યા વગર કોણ ફરે છે, ક્યાં લોકો ટોળે વળીને સોશીયલ ડિસ્ટન્સનો ભંગ કરે છે તેના પર નજર રાખવા પણ થઈ રહ્યો છે.
માસ્ક વગર ફરનારાઓને પહેલીવાર ચેતવણી આપવામાં આવે છે અને છતાંય તેનું પુનરાવર્તન થાય તો દંડ ફટકારવામાં આવે છે. ટોળા એકત્ર થયેલા જણાય તો તેમને પણ વિખરાય જવા સૂચના આપવામાં આવે છે. પાણીનો બગાડ કરનારાઓને પણ આ નેટવર્ક ની મદદથી પહેલીવાર ચેતવણી પછી ઉત્તરોત્તર વધુને વધુ દંડ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે દંડ ભરવામાં આનાકાનીનો પણ સવાલ નથી. આવા લોકોની દંડની પાવતી ફાડીને તેમના વેરાની રકમમાં ઉમેરી દેવામાં આવે છે. આ નેટવર્ક સાથે પ્રત્યેક કેમેરા ના સ્થળે જાહેર પ્રસારણની સુવિધા છે એટલે ભંગ થવાના પ્રસંગે તરત ચેતવણી આપી શકાય છે.પંચાયત દંડનું રજીસ્ટર પણ જાળવે છે.

પંચાયત દ્વારા ગામ લોકોને સતત માસ્ક પહેરવા,સામાજિક દૂરી પાળવા અને ઘરના વડીલો તથા બાળકોની ખાસ કાળજી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. કોરોના એક અણધારી આફત છે.તેનો મુકાબલો સરકારની મદદ ઉપરાંત પોતાના સાધન સ્ત્રોતો દ્વારા કરવાની કોઠાસૂઝ સહુ જુદી જુદી રીતે દર્શાવી રહ્યાં છે જેનો એક નવો આયામ અંકોડિયા ગ્રામ પંચાયતે ઉજાગર કર્યો છે.