VDR Nature 11

પ પ્રકૃતિ નો પ, જ જંગલનો જ….

વડોદરા

VDR Nature 10 1

પ પ્રકૃતિનો પ, જ જંગલનો જ, ન નદીનો ન…કુદરતને પણ પોતાનો એક આગવો કક્કો છે. પહેલાં બચપણમાં ખેતર, વાડી નદી, તળાવો, વૃક્ષો …આ બધું ગ્રામ જીવનનું અભિન્ન અંગ હતું. એટલે બારાખડીના કક્કા સાથે પ્રકૃતિ સંસ્કાર ઘૂંટતા. હવે આ સેતુ તૂટી ગયો છે.

મધ્ય ગુજરાત પાસે કુદરતના વૈભવની અસીમ ના કહીએ તો પણ ખૂબ સમૃદ્ધ સંપદા છે. ચોમાસું એમાં પ્રાણ પૂરે છે. આ ઋતુ કુદરતના ખોળે જવાનું મૂક આમંત્રણ આપે છે. ભરપૂર ચોમાસું કુદરતને ઘેલી કરે છે. મનમાં મોજ ભરે છે. હૃદયમાં ઉમંગ પ્રસારે છે. નવ પલ્લવિત જંગલ,પાણી ભરેલી મોસમી નદીઓ, ક્યાંક ઝરણાં, ક્યાંક ઉભરાતા છલકાતા તળાવો રોજિંદા જીવનનો થાક હરે છે.

અહેવાલ : સુરેશ મિશ્રા/તસવીર : હાર્દિક પરમાર ,વડોદરા

અત્યારે જંગલ અને અભયારણ્યમાં પ્રવેશની મનાઈ હોય છે. પરંતુ મધ્ય ગુજરાતમાં એવા ઘણાં રસ્તા છે જે આવા રળિયામણા જંગલમાં થઈને જ નીકળે છે. ઝંડ હનુમાન જેવી જગ્યાઓ જંગલની વચ્ચે જ આવેલી છે. આ જંગલોની વચ્ચે ઘણી જગ્યાઓ છે જે ખૂબ પ્રાચીન અવશેષો ધરાવે છે. એ સંકેત આપે છે કે આ જગ્યાઓએ કુદરતને સાચવીને આપણા પૂર્વજો રહેતા હતા. એ દર્શાવે છે કે આ જંગલો ઘણાં જૂના છે, આપણા પૂર્વજોએ આપેલો હરિયાળો વારસો છે. એટલે પણ એને સાચવવાની જરૂર છે.

એટલે આ મોસમ પ્રકૃતિના પ્રવાસી બનવાની છે. જો કે પ્રતિબંધિત નથી તે સિવાયના વિસ્તારોમાં જંગલો, નદીઓ અને જળાશયોના કાંઠે જઈ શકાય. પરંતુ ત્યાં મોજમજા માટેના પ્રવાસી નહિ પ્રકૃતિના પ્રહરી બનીને જઈએ તો વધુ યોગ્ય રહે.

એના માટે આપણા વાહનને એકાદ કિલોમીટર દૂર મૂકી પગપાળા જવું ઉત્તમ ગણાય. વન ભોજનની મોજ માણીએ તો પ્લાસ્ટિકની થેલી અને ઝભલાથી જંગલને ન બગડતા આપણી સાથે પાછા લાવીએ અને સલામત નિકાલ કરીએ. વૃક્ષ વેલાને ખલેલ ન પહોંચાડીએ. અજાણ્યું પાણી જોખમી હોય છે એટલે સલામત અંતર રાખી જળ વૈભવને માણીએ. અને કુદરતના આનંદ વૈભવના ઊર્મિ તરંગો મનમાં, હૃદયમાં ભરી પાછા ફરીએ. તો કુદરત સચવાશે અને અન્ય ઋતુઓમાં પણ તેનો આનંદ અકબંધ રહેશે.

VDR Nature 6 1

અને હાલમાં કોરોના સંકટનો કાળ ચાલી રહ્યો છે એટલે નગર હોય કે જંગલ, માસ્ક પહેરવા, સામાજિક દૂરી પાળવી જેવી તકેદારીઓ તો પાળવી જ રહી. કોરોના કંઈ ફોરેસ્ટ ફ્રેન્ડલી નથી જ. પ્લાસ્ટિક નો પ અને કચરાનો ક એ ખોટો કક્કો છે. કુદરતનો સાચો કક્કો શીખીએ અને ભાવિ પેઢીને શીખવાડીએ.

Reporter Banner FINAL 1