Prachi Jadhav 2

માર્શલ આર્ટ ક્ષેત્રે અન્યો માટે પ્રેરણારૂપ બનતી રાજકોટની પ્રાચી જાધવ

Prachi Jadhav 2

અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ

રાજકોટ, ૦૫ નવેમ્બર: ગોજુ-રયુ, સાનકુકાઈ, શિટો-રયુ, શોટોકાન અને વાડો-રયુ આવાં શબ્દો સાંભળીએ કે વાંચીએ ત્યારે સૌથી પહેલાં આપણને જાપાન પ્રદેશ યાદ આવ્યા વિના ન રહે. આ તમામ જાપાનીઝ શબ્દો એક જ રમત સાથે સંકળાયેલા છે અને એ રમત છે – “કરાટે”. અંદાજે ૧૯૬૦ – ૭૦ ના દાયકામાં જાપાનમાં ઉદ્દભવેલી આ કરાટે રમત આજે સમગ્ર વિશ્વમાં માત્ર રમત તરિકે જ નહી પરંતુ આત્મરક્ષા માટેની કળા તરીકે પણ પ્રચલિત બની છે. તેમાંય આ રમતે મહિલાઓમાં સ્વરક્ષણની સાથે આત્મવિશ્વાસ વધારવા ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે. માર્શલ આર્ટ તરિકે જાણીતી આ રમતના ક્ષેત્રમાં આગળ વધવા માટે આજે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ અનેક ખેલાડીઓ તાલીમ મેળવી રહ્યાં છે, જેમાં આગળ પડતું નામ ધરાવી રહી છે, રાજકોટની પ્રાચી જાધવ.

૧૧ માં ધોરણમાં અભ્યાસ કરતી રાજકોટની પ્રાચી ૨૦૧૬ થી કરાટેની તાલીમ લઈ રહી છે. અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ ચુકેલી પ્રાચીને તાજેતરમાં જ રાજકોટનાં કલેકટર સુશ્રી રેમ્યા મોહન દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. કરાટે શીખવાની જીજ્ઞાસા ક્યાંથી જન્મી ? એ વિશે વાત કરતાં પ્રાચીએ જણાવ્યું હતું કે, ” હું નાની હતી ત્યારથી જ મારા પપ્પાની ઇચ્છા હતી કે, સ્વરક્ષણ માટે હું માર્શલ આર્ટ શીખું અને એમની પ્રેરણાથી જ મેં સચીન સર પાસેથી કરાટેની તાલીમ આરંભી. શરૂઆતમાં તો રમત અને ભણતરમાં એકસાથે ધ્યાન દેવામાં ખૂબ મુશ્કેલી પડી પરંતુ મનમાં મેં ગાંઠ વાળી હતી કે કરાટે તો હું શીખીને જ રહીશ અને મારા પિતા દશરથભાઈ અને માતા સંગિતાબેનના માર્ગદર્શન, દ્રઢ મનોબળ અને યોગ્ય ટાઈમ મેનેજમેન્ટને કારણે જ હું આજે આ સ્થાને છું. આજે કરાટેના કારણે જ મારામાં સ્પોર્ટસમેનશીપ, ધીરજ અને સહનશીલતા જેવા ગુણો વિકસિત થયાં છે.”કરાટે ન શીખ્યાં હોત તો ? એ સવાલનો જવાબ આપતાં પ્રાચી કહે છે કે, ” કરાટે ન શીખી હોત તો હું વેઈટ લીફટીંગ ક્ષેત્રે આગળ વધી હોત કારણકે આ બન્ને ક્ષેત્રમાં અંતે તો આત્મબળ અને શારીરિક સ્ફૂર્તિ જ મહત્વનાં છે.”

Prachi Jadhav

દિલ્હી ખાતે એશિયન માર્શલ આર્ટ ટુર્નામેન્ટ, કડીમાં સ્ટેટ લેવલ ટુર્નામેન્ટ, રાજકોટમાં ડિસ્ટ્રિક્ટ લેવલની ટુર્નામેન્ટ, અમદાવાદમાં પ્રાઇવેટ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ અને મધ્યપ્રદેશના જબલપુર ખાતે સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની નેશનલ લેવલની ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચુકેલી પ્રાચીએ પોતાનાં સંસ્મરણો વાગોળતાં કહ્યું હતું કે, ” જ્યારે આપણાં રાજ્યની બહાર આપણે રમવા જતાં હોઈએ ત્યારે એક અલગ જ અનુભવ થતો હોય છે. મધ્યપ્રદેશમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહેલાં મારી સહિત અંદાજે ૩૦ જેટલા ખેલાડીઓ જ્યારે ગેમમાં રમવા ઉતરે ત્યારે અન્ય ખેલાડીઓ તેમને એટલાં બધાં પ્રોત્સાહિત કરે કે એમ જ લાગે કે અમે સૌ એક જ પરિવારના સભ્યો છીએ.”

પ્રાચી જાધવે અત્યાર સુધીમાં એક ગોલ્ડ મેડલ, ૨ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. એમ.પી. ખાતેની કરાટે અં-૧૭ નેશનલ લેવલની સ્પર્ધામાં સિલ્વર મેડલ વિજેતા થતાં રાજ્ય સરકાર દ્વારા પણ તેને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. લોકડાઉન પૂર્વે અમદાવાદ ખાતે સ્ટેટ લેવલ ચેમ્પિયન્સને સન્માનિત કરવાં રાજ્ય સરકાર દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં પ્રાચીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ રાજ્ય સરકાર દ્વારા રાજ્યનાં રમતવીરોને પ્રોત્સાહિત કરવાં સ્કોલરશીપ આપવામાં આવે છે, તેનો લાભ પણ પ્રાચીને મળ્યો છે. તેઓ જણાવે છે કે, ” રાજ્ય સરકાર દ્વારા બાળકો અને યુવાનો રમત-ગમત ક્ષેત્રે આગળ વધે તે હેતુસર ઘણી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે જે અમને ઘણી મદદરૂપ થાય છે.”

whatsapp banner 1

પ્રાચીએ જણાવ્યું હતું કે હાલ કોરોનાના કારણે તેઓ દરરોજ ૨:૩૦ થી ૩:૦૦ કલાક ઘરે જ પ્રેક્ટિસ કરે છે. ભવિષ્યમાં નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કરવાની મહેચ્છા ધરાવતી પ્રાચી કહે છે કે, ભણતરની સાથે રમત – ગમત જીવનમાં ખૂબ જ ઉપયોગી બને છે. શારીરિક સાથે માનસિક તંદુરસ્તી જાળવવા માટે સ્પોર્ટ્સનું દરેકના જીવનમાં અનેરું મહત્વ છે. તેમા પણ માર્શલ આર્ટ તરિકે જાણીતી આ રમત મહિલાઓ માટે રમતની સાથે આત્મરક્ષા માટે પણ મહત્વની પુરવાર થઈ રહી છે.