જામનગરના વિભાપરમાં પટેલ સમાજની વાડીમાં ફટાકડા સ્ટોલ નું ભવ્ય આયોજન

- વિભાપર ગામમાં બિમાર ગાયોની ગૌશાળા ના લાભાર્થે દિવાળીના તહેવાર દરમિયાન રાહત દરે ફટાકડા નું વેચાણ શરૂ કરાયું
- સમગ્ર વિભાપર ગામ ના ઉદ્યોગકારો- ખેડૂતો- સહિતના ૧૦૦ થી વધુ કાર્યકરો ગાયો માટેની સેવાયજ્ઞમાં ઉત્સાહ ભેર જોડાયા
- જામનગરના વિભાપરમાં તેત્રીસ કરોડ દેવતાઓ ની સેવાર્થે પટેલ સમાજની વાડીમાં ફટાકડા સ્ટોલ નું ભવ્ય આયોજન
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર,૧૦ નવેમ્બર: ગાય માતાને સનાતન સંસ્કૃતિમાં કામધેનું ની ઉપમા આપવામાં આવી છે, એટલે કે ગૌમાતા ના આશીર્વાદથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનો નિવાસ ની માન્યતા પણ પ્રચલિત છે, ત્યારે દિવાળીના તહેવારની ઉજવણી અને ગૌવંશની સેવાનું માધ્યમ બનાવી દેવાની અનોખી અને પ્રેરક પરંપરા જામનગર નજીક આવેલા વિભાપર ગામમાં જોવા મળી રહી છે.
જય વચ્છરાજ ગૌ સેવા ટ્રસ્ટ સંચાલિત બિમાર ગાયોની ગૌશાળા નો માસિક નિભાવ ખર્ચ અંદાજે રૂપિયા પાંચ લાખ જેટલું થવા જાય છે, જેને પહોંચી વળવા માટે ટ્રસ્ટની કમિટીના આગેવાનો દ્વારા જુદા જુદા કાર્યક્રમો રાખવામાં આવે છે, ઉપરાંત પ્રતિવર્ષ દિવાળી ના તહેવાર દરમિયાન વિભાપર ગામ માં રાહત દરે ફટાકડાના વેચાણનું મોટા પાયે સેલ ગોઠવવામાં આવે છે, જે ને અનુલક્ષીને આ વર્ષે સતત પાંચમા વખતે પણ આ પરંપરા આગળ વધારવામાં આવી છે. વિભાપર ગામ માં આવેલી લેઉવા પટેલ સમાજ ની વાડી ના પટાંગણમાં દરેક પ્રકારના ફટાકડા ના વિશાળ સેલ નું આયોજન કરવામાં આવ્યું છે. એને માત્ર છ રૂપિયાથી માંડીને ૧૦,૦૦૦ ની કિંમતના ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

જામનગર લોહાણા જ્ઞાતિના પ્રમુખ જીતુભાઈ લાલ ઉપરાંત એચ. જે.લાલ ટ્રસ્ટના મીતેશભાઇ લાલ કે જેઓ ઘણા વર્ષોથી વિભાપર ની ગૌશાળા ની પ્રવૃત્તિ થી પ્રભાવિત છે, તેમજ વિભાપર ગામ ના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ અનોખા સેવાયજ્ઞ નું ઉદ્ઘાટન રવિવારે કરવામાં આવ્યું હતું, અને ૧૪ નવેમ્બર સુધી ચાલનારા આ સેલમાં રાત્રિના ૧૨ વાગ્યા સુધી ગૌશાળાના લાભાર્થે ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં કોરોના કાળ ચાલતો હોવાથી સેલમાં આવતા દરેક મુલાકાતીઓનો થર્મલ સ્કેનિંગ કરીને અને સેનિટેશન થયા પછી અને માસ્ક ના હોય તો વીના મુલ્યે માસ્ક આપવાની સાથે જ પ્રવેશ આપવામાં આવે છે. સેલ મા ફટાકડા નું તદ્દન રાહત દરે વેચાણ થાય છે, અને દરેક પ્રકારના ફટાકડા ના પેકીંગ ઉપર તેની કિંમત અંકિત હોવાથી ગ્રાહકોને ભાવતાલ કરવાની કોઈ પણ પ્રકારની ઝંઝટ રહેતી નથી અને સ્વયં શિસ્ત ના માપદંડથી સુચારુ રૂપે લોકો સેવાના ભાવથી આ સેવાયજ્ઞમાં જોડાઈને ફટાકડા ની ખરીદી કરે છે.
દર વર્ષે જામનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આ ફટાકડાના સેલમાં અંદાજે પાંચ હજારથી વધુ લોકો આવીને ફટાકડા ની ખરીદી કરે છે, અને આ સેવાયજ્ઞમાં પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે સહભાગી બને છે. આર્થિક રીતે સમૃદ્ધ એવા ટ્રસ્ટના હોદ્દેદારો પણ શ્રમિક જેવી સેવા આપે છે. ઉપરાંત ગ્રાહકો માટે ચા-પાણી અને નાસ્તાની પણ વ્યવસ્થા સ્વયંસેવકો દ્વારા સ્વખર્ચે જ કરવામાં આવે છે. એટલે કે આ સમગ્ર આયોજન સત્કાર- લાભ અને સેવાનો ત્રિવેણી સંગમ પણ બની રહે છે. સેલ માં કુલ ૧૨ બિલીંગ કાઉન્ટર કાર્યરત કરાયા છે, જેમાં ૬૦ સ્વયં સેવકોની ટીમ સમગ્ર પ્રક્રિયા સંભાળે છે. જય વચ્છરાજ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી બીમાર ગાયોની ગૌશાળા નું સંચાલન કરવામાં આવે છે, આ ગૌશાળા પહેલા દરેડ માં ફેશ -૩ મા કાર્યરત હતી, જેનું વિભાપર ગામ માં સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને મોટા ભાગની બિમાર ગાયોની સારસંભાળ અને સંચાલન કરવામાં આવે છે.
ગૌશાળાના લાભાર્થે ફટાકડા સ્ટોલ ના આયોજન માટે મુખ્ય વ્યવસ્થાપક એવા શ્રી દિપકભાઈ ચોવટીયા ઉપરાંત નવનીતભાઈ પણસારા, ભરતભાઈ મોલિયા, સંજય ભાઈ પણસારા, પ્રવીણ ભાઈ મોલીયા, નીતિનભાઈ દોમડીયા, શાંતિલાલ કાનાણી અને વિનુભાઈ દોમડીયા સહિતના આઠ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. અને જે ટિમ દ્વારા જ સમગ્ર વેચાણ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. અને તેઓની રાહબરી હેઠળ વિભાપર ગામ ના અગ્રણી ઉદ્યોગપતિઓ, કારખાનેદારો, ખેડૂતો, સહિતના સેવાભાવી અગ્રણી અને વિભાપર ગામના તરવરિયા યુવાન સહિત ૧૦૦ જેટલા કાર્યકરોની ટીમ સમગ્ર વ્યવસ્થા સંભાળે છે.
વચ્છરાજ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ફટાકડાના મહા સેલમાં જામનગર શહેર અને આસપાસની જનતાને હાજર રહી આ સેવા યજ્ઞમાં સહભાગી થવા માટેની પણ અપીલ કરવામાં આવી છે.